Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મતદાન મથકોની આસપાસ આચારસંહિતાનો ભંગઃ ભાજપની ઝંડી-બેનરો ઉતરાવતુ કોંગ્રેસઃ રકઝક-માથાકુટ

પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા-અઝીઝ ઇબ્રાહીમ-ચંદ્રેશ રાઠોડ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ

રાજકોટ તા.૯ : આજે વિધાનસભાની ચૂંટણીના મતદાનનાં દિવસો પણ મતદાન મથકોના પ્રતિબંધિત ક્ષેત્રમાં ભાજપની ઝંડીઓ-બેનરો લાગ્યા હોઇ આ બાબતે કોંગ્રેસના પ્રવકતા ત્થા આગેવાનોએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી આ બેનરો-ઝંડીઓ ઉતરાવ્યા હતા.

આ અંગે રાજકોટ શહેરમાં કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહ ઝાલા, અઝીઝભાઇ ઇબ્રાહીમની સંયુકત યાદી મુજબ રાજકોટમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો હતો. ઠેર-ઠેર ૧૦૦ અને ર૦૦ મીટરના બુથની નજીકમાં ભાજપની ઝંડીઓ-બેનર્સ-હોર્ડીંગ સામે જવાબદાર અધિકારીઓને સાથે રકઝક-માથાકુટ કરી અને તાકીદ કરતા અંતે ત્રણેક કલાક બાદ ફરીયાદનું નિવારણ થયુ હતું.

રાજકોટ શહેર કોંગ્રેસની આચારસંહિતા કમિટિને આજે મળેલી ફરીયાદોમાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટરના નિયમનો ભંગ થતો હતો. જેમાં વિધાનસભા-૭૦ માં બુથની નજીકમાં ૧૦૦ મીટરમાં લક્ષ્મીવાડી મેઈન રોડ પાયલ એપાર્ટમેન્ટસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉમેદવાર ગોવિંદભાઈ પટેલના ૩૦ થી ૩૫ ફુટના હોર્ડીંગ કમળના પ્રતિક સાથેના એપાર્ટમેન્ટમાં લાગેલા હતા. જેની ફરીયાદ સવારે ૭.૩૦ કલાકે કરવામાં આવી અંતે ત્રણ કલાક બાદ ફરીયાદનું નિરાકરણ થયું. મીલપરા મેઈન રોડ ૧૦૦ મીટરમાં ભાજપના ૩૦ થી ૪૦ ઝંડીઓ આદર્શ મંડપ દિપક ઈલેકટ્રોનિકસ ફરસાણની દુકાનો પર બોલબોલા ઓફિસની આજુબાજુની દુકાનો પર કમળના પ્રતિક સાથેની થોકબંધ ઝંડીઓ હોય કંટ્રોલરૂમ પોલીસમાં ફરીયાદ કરતા ત્રણ કલાકે ઝંડીઓ નહિ ઉતારતા શહેર કોંગ્રેસે કંટ્રોલમાંથી રૂરૂ જઈ અને ઉગ્ર ભાષામાં રજુઆતોના અંતે ફરજીયાત ઝંડીઓ ઉતારવાની ફરજ પડી હતી. કોઠારીયા નાકા કિશોરસિંહજી શાળાની દુકાનો પર પણ ઝંડીઓ હતી. મજુર કલ્યાણ કેન્દ્ર કોઠારીયા કોલોનીમાં બુથોની આસપાસ સામે જ કોલોનીના કવાર્ટરો ૧૬૭, ૧૬૮ સહિતના કવાર્ટરોમાં ઝંડીઓ ૩૦ થી ૪૦ લાગેલી હોય ઉતરાવી હતી ત્યાં ભાજપના કાર્યકરો દ્વારા સીનીયર સીટીજન્સોની લાઇનમાં યુવાનોને વચ્ચે ઘુસાડી દેવાતા હોબાળો થયો હતો.

સોરઠીયાવાડીમાં ટુડે આઇસ્ક્રીમ, ડીલકસ પાન પર ૪૦ ફુટના હોર્ડીંગ્સ બોર્ડ ફોટાવાળા મતદાન મથક નજીક ઉતરાવાયા હતા. આજ રીતે વિધાનસભા-૬૯-૬૮માં આ પ્રકારની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

કંટ્રોલરૂમમાં ગજેન્દ્રસિંહ ઝાલા, અઝીઝભાઇ ઇબ્રાહીમ, ચંદ્રેશ રાઠોડ, નંદલાલ જોષી, સરલાબેન પાટડીયા, જયોતિબેન માઢક, નીતિન વાઢેરે સેવાઓ આપી હતી.(૩-૧૬)

 

(4:13 pm IST)