Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ઓમનગરના બાંધકામ કોન્ટ્રાકટર લેઉવા પટેલ યુવાન ભાવેશ કાકડીયાની આત્મહત્યા

૪૦ ફુટ રોડ પર પોતાની ઓફિસમાં ઝેરી ટીકડી પીધા બાદ મિત્રને ફોન કર્યોઃ બે માસુમ સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૯: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ ઓમનગર પાર્ટ-બીમાં રહેતાં અને ૪૦ ફુટ રોડ પર વરૂડી કોમ્પલેક્ષ સામે ઓફિસ ધરાવતાં લેઉવા પટેલ યુવાન ભાવેશભાઇ રામજીભાઇ કાકડીયા (ઉ.૩૬)એ પોતાની ઓફિસમાં જ ઝેરી ટીકડીઓ પી લીધા બાદ મિત્રને જાણ કરતાં મિત્રએ તેને તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. અશોકભાઇ કલાલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર ભાવેશભાઇ એક બહેનથી નાનો હતો અને ફાયનાન્સ તથા બાંધકામનો વ્યવવસાય કરતો હતો. ગત સાંજે તેણે ઓફિસે ઝેર પી લીધા બાદ મિત્ર જીજ્ઞેશને ફોનથી જાણ કરતાં તે પહોંચી ગયો હતો અને હોસ્પિટલે ખસેડ્યો હતો. જો કે તેણે સારવાર દરમિયાન દમ તોડી દેતાં સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

ભાવેશભાઇના આપઘાતથી એક માસુમ પુત્ર અને એક માસુમ પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે. મૃતક ક્રાઇમ કરપ્શન કન્ટ્રોલ સમિતીનો સભ્ય પણ હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.

(12:48 pm IST)