Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

મલાઈદાર સીન્ડીકેટ સભ્ય પદ બચાવવા ગીરીશ ભીમાણી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૦ લાખની ધનવર્ષા !

૨૩-૫-૨૦૨૨માં સેનેટની મુદ્દત પૂરી : નવી નિમણુંકમાં સરકાર નિયુકત ન થાય તેની આશંકાએ : હવે સેનેટમાં દાતા વિભાગની સીટ ઉપરથી ચૂંટણી લડશે : યુનિવર્સિટીમાં અનેકવિધ ચર્ચા

રાજકોટ, તા. ૯ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મલાઈદાર ગણાતુ સીન્ડીકેટ પદ... આ પદ બચાવવા મોટાભાગના સીન્ડીકેટ સભ્યો નાણાની ખૂબ રેલમછેલ કરતા હોય છે. સીન્ડીકેટ પદ મળ્યા બાદ ખાનગી કોલેજોમાં ભાગીદારી કર્યા બાદ મલાઈ તારવવાનો જાણે પરવાનો મળ્યો હોય તેમ સીન્ડીકેટ સભ્યની ખાનગી કોલેજ ચાલતી હોય છે. કોરોનાની તીવ્ર લહેર વચ્ચે હાલની સીન્ડીકેટે ભાજપ અને કોંગ્રેસે સાથે બેસીને ભાગ બટાઈ કરીને બીન હરીફ કરી હતી.

સીન્ડીકેટ સભ્યપદ પામવા સેનેટપદ ફરજીયાત છે. ત્યારે હાલના બે - ત્રણ સીન્ડીકેટ સભ્યોનું સેનેટ પદ ૨૨-૫-૨૦૨૨માં પૂર્ણ થતુ હોય છે અને સેનેટની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજય સરકાર કોઈ અન્યની પસંદગી ઉતારે કે વિદ્યાર્થી પરિષદ કે સંઘ પરિવારમાંથી કોઈની નિમણુંક થાય આ સંજોગોમાં સીન્ડીકેટ સભ્યોએ અન્ય રસ્તા અપનાવ્યા છે.

રાજય સરકાર અને ભાજપ હાઈકમાન્ડ વર્તમાન સીન્ડીકેટ સભ્યથી ખૂબ નારાજ છે. આ સંજોગોમાં હવે વર્તમાન સીન્ડીકેટ સભ્યોને કે કુલપતિ કુલનાયકને નવી જવાબદારી ન સોંપાઈ તેવા સંજોગો ઉભા થયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચર્ચાતી વિગતો મુજબ સીન્ડીકેટ સભ્ય અને નેકની આઈકયુએસી જવાબદારી સંભાળતા સીનીયર સીન્ડીકેટ સભ્ય ડો.ગીરીશભાઈ ભીમાણીની સેનેટપદની મુદ્દત ૨૨-૫-૨૦૨૨ના પૂર્ણ થાય છે. સરકાર નિયુકત પદ પામવાના સંજોગો વિપરીત જણાતા છેલ્લા ૫ દિવસમાં ૧૦ લાખનું દાન કર્યુ હોવાનું જાણવા મળે છે.

ધાર્મિક સંસ્થા દ્વારા ૧૦ લાખનું દાન થયા હોવાની ચર્ચા ચાલે છે. આ દાનની રકમમાંથી દાતાના પ્રતિનિધિ તરીકે ગીરીશ ભીમાણીનું નામ આવવાના ઉજળા સંજોગો છે.

સરકાર નિયુકત સેનેટમાં જો ભીમાણીનું નામ ન આવે તો દાતા વિભાગમાં સેનેટની ચૂંટણી લડવાનો અત્યારથી જ મિજાજ દર્શાવ્યો છે.

(3:42 pm IST)