Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગુડઝ ટ્રેનનો અકસ્માત અટકાવવા શ્રેષ્ઠ કામગીરી કરનાર ૩ કર્મચારીઓનું ડી.આર.એમ. પરમેશ્વર કુંકવાલ હસ્તે સન્માન

રાજકોટ તા. ૯ :.. રેલ્વેની સલામતીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડીવીઝનના ત્રણ કર્મચારીઓને વિભાગીય રેલ્વે મેનેજર (ડીઆરએમ) પરમેશ્વર ફુંકવાલ દ્વારા મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં.

વધુ માહિતી આપતા રાજકોટ વિભાગના સીનીયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે આ કર્મચારીઓએ ઓગસ્ટ ર૦ર૦ના મહિનામાં રેલ્વે સલામતીમાં શ્રેષ્ઠ કામગીરી માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. નીચે આપેલા એવોર્ડ મેળવનારા કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.

(૧) ઘનશ્યામ લક્ષ્મણે (પોઇન્ટસ મેઇન -લખતર) પીપાવાવ પોર્ટ સાઇડીંગથી જયપુર ડીવીઝન તરફ જતી માલ ટ્રેનની વેગનમાં સ્પાર્ક જોઇને તેણે તાત્કાલીક સ્ટેશન માસ્તરને જાણ કરી અને સમયસર ટ્રેનને અટકાવી દીધી.

(ર) અજયકુમારે (સ્ટેશન માસ્ટર -જલિયા દેવાણી) કોંકર સાઇડિંગ ખોડીયારથી પવનચકકી પર જતી માલ ટ્રેનની વેગનમાંથી ધુમાડો નીકળતો જોઇને તેણે તરત જ કારને અટકાવી હતી. તથા (૩) ચંદનકુમારે (સ્ટેશન માસ્ટર -હરામતીયા), હાપાથી સાબરમતી જતી માલ ટ્રેનની વેગનમાં સ્પાર્ક જોઇને તેણે તરત જ ટ્રેન બંધ કરી દીધી.

ઉપરોકત રેલ્વેમેને, સાવચેતી અને સાવધાની સાથે કામ કરતા સંભવીત રેલ્વે અકસ્માતને રોકવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. આ પ્રસંગે રાજકોટ ડીવીઝનના સીનીયર ડીવીઝનલ સેફટી ઓફીસર (સીનીયર ડીવીઝનલ સેફટી ઓફીસર) એન. આર. મીના ઉપસ્થિત રહ્યા હતાં.

(2:54 pm IST)