Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત 'સોમા'ના ચેરમેન તરીકે ઉકાભાઇ પટેલની વરણી

'સોમા'ની નવનિયુકત કારોબારીની સૌ પહેલી બેઠક ગઇકાલે ગોંડલ ખાતે યોજવામાં આવી : કારોબારીમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂંક : ઉકાભાઇના હાથમાં સોમાનું સુકાન આવતા સમગ્ર સૌરાષ્ટ્ર - ગુજરાતના ઓઇલ મિલરોમાં આનંદની લાગણી : સંસ્થા ફરી ધમધમતી થશે : ખેડૂતો - ઓઇલ મિલરોના પ્રશ્નોના ઉપલા લેવલે જોરદાર પડઘા પડશે

રાજકોટ તા. ૯ : સૌરાષ્ટ્રની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત એવી સંસ્થા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશનની નવનિયુકત કારોબારીની ગઇકાલે ગોંડલ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી અને તેમાં સંસ્થાના પીઢ અને અનુભવી એવા ઉકાભાઇ પટેલની ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવતા સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના ઓઇલ મિલરોમાં આનંદની લાગણી પ્રસરી છે.

તાજેતરમાં સોમાની કારોબારી અને પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. કારોબારી બિનહરીફ થઇ અને સંસ્થાના પ્રમુખ તરીકે કિશોરભાઇ વિરડીયાની પસંદગી કરવામાં આવી હતી. તે પછી ગઇકાલે ગોંડલ ખાતે કારોબારીની પહેલી બેઠક યોજવામાં આવી હતી. જેમાં આ સંસ્થાના ચેરમેન તરીકે ઉકાભાઇ પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. તેમની પસંદગી થતાં જ કારોબારીના તમામ સભ્યોએ તેમને અભિનંદન આપી સંસ્થા હવે પુનઃ ધમધમતી થશે તેઓ આશાવાદ વ્યકત કર્યો હતો.

કારોબારીમાં મંત્રી તરીકે ધનસુખભાઇ નંદાણીયા (ગોંડલ), ઉપપ્રમુખ તરીકે મનુભાઇ પટેલીયા (જુનાગઢ), ખીમાભાઇ ગોજીયા (જામનગર), ભૂપતભાઇ મેતલીયા (અમરેલી)ની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત સહમંત્રી તરીકે શાંતિલાલ સાવલીયા (કેશોદ), ખજાનચી તરીકે અશોકભાઇ પટેલ (જામનગર)ની પસંદગી કરવામાં આવી હતી.

અત્રે એ નોંધનીય છે કે થોડા સમય પહેલા સોમાની ચૂંટણી થઇ હતી અને તેણે ભારે ચર્ચા જગાવી હતી. આ ચૂંટણીમાં કારોબારીના ૨૩ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે પ્રમુખ પદ માટે સમીર શાહ અને કિશોરભાઇ વિરડીયા વચ્ચે જંગ ખેલાયો હતો જેમાં કિશોરભાઇ વિરડીયાનો તોતીંગ બહુમતીથી વિજય થયો હતો. આ ચૂંટણીમાં ૯૫ ટકા જેટલું મતદાન થયું હતું એ અત્રે નોંધનીય છે.

અત્રે એ નોંધનીય છે કે આ સંસ્થાની સ્થાપના ૧૯૪૮માં આઝાદી સમયે કરવામાં આવી હતી અને તેની હેડ ઓફિસ જામનગર ખાતે છે. આ સંસ્થા સૌરાષ્ટ્ર - ગુજરાતની નાની-મોટી ૨૦૦૦ જેટલી ઓઇલ મિલોનું નેતૃત્વ કરી રહી છે અને સંસ્થા પાસે તેલ અને તેલીબીયાનું ટેસ્ટીંગ કરવા માટેની અદ્યતન લેબોરેટરી પણ છે.

આ સંસ્થા ગુજરાતના ૩૩ જિલ્લાના ખેત ઉત્પાદન, તેલીબિયા ઉત્પન્ન કરતા ખેડૂતોને યોગ્ય ભાવો મળે અને ખાનાર પ્રજાને શુધ્ધ સીંગતેલ મળે તે માટે કાયમી પ્રયત્નો કરતી હોય છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સોમાનો ખેડૂતલક્ષી નાતો જોડાયેલો હોય છે.

સોમાના નવા હોદ્દેદારો

ચેરમેન ઉકાભાઇ પટેલ (રાજકોટ)

પ્રમુખ  કિશોરભાઇ વિરડીયા (ગોંડલ)

મંત્રી    ધનસુખભાઇ નંદાણીયા (ગોંડલ)

ઉપપ્રમુખ      મનુભાઇ પટેલીયા (જૂનાગઢ)

  ,,     ખીમાભાઇ ગોજીયા (જામનગર)

  ,,     ભૂપતભાઇ મેતલિયા (અમરેલી)

સહમંત્રી       શાંતિલાલ સાવલિયા (કેશોદ)

ખજાનચી      અશોકભાઇ પટેલ (જામનગર)

(11:42 am IST)