Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

SOGએ બે દિવસમાં ચાર હથીયાર, પાંચ આરોપીને દબોચ્યાઃ બે સપ્લાયર પણ ઝપટમાં

દિવાળી અંતર્ગત એસઓજી, ક્રાઇમ બ્રાંચ અને શહેર પોલીસની કામગીરીમાં ઉછાળોઃ શનિવારે ફાયનાન્સર સંજયસિંહને પકડ્યો, એ પછી મુળ સુરતના હાલ લક્ષ્મીવાડીના હિતેષને ૧ પિસ્તોલ-કાર્ટીસ સાથે, ત્યારબાદ બે સપ્લાયર વડોદરાના દિપક ઉર્ફ બંટી અને છોટા ઉદેપુરના કેતન ઉર્ફ સન્નીને દબોચ્યાઃ મોડી રાતે ગાંધીગ્રામના ભાવિક પટેલને એક પિસ્તોલ-બે કાર્ટીસ સાથે પકડી લેવાયોઃ હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને મોહિતસિંહ જાડેજાની બાતમી પરથી એસઓજી પીઆઇ આર.વાય. રાવલ અને ટીમની કામગીરી તમામ ગેરકાયદે હથીયારો-કાર્ટીસની સપ્લાય દિપક અને કેતને કર્યાનું ખુલ્યું: બંને અગાઉ પણ જુદા-જુદા ગુનાઓમાં સંડાવાઇ ચુકયા છે

પીઆઇ આર.વાય. રાવલ અને એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા તથા જેને બાતમી મળી હતી તે ભાનુભાઇ, કિશનભાઇ, ધર્મેન્દ્રસિંહ, મોહિતસિંહ તથા બીજો સ્ટાફ અને નીચેની તસ્વીરમાં મોડી રાતે પિસ્તોલ સાથે ઝડપાયેલો ગાંધીગ્રામનો ભાવિક પટેલ તથા કબ્જે થયેલ હથીયાર, કાર્ટીસ અને બાજુમાં લક્ષ્મીવાડીનો હાલ સુરત રહેતો વાહ લે-વેચનો ધંધાર્થી હિતેષ ખાંટ તથા છેલ્લે હથીયારોના બંને સપ્લાયર જોઇ શકાય છે.

રાજકોટ તા. ૯: દિવાળીના તહેવાર અંતર્ગત શહેર પોલીસ, એસઓજી અને ક્રાઇમ બ્રાંચની ટીમોની કામગીરીમાં ઉછાળો આવ્યો છે. કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસે સતત કોમ્બીંગ પણ શરૂ કર્યુ છે. એસઓજીની ટીમે બે દિવસમાં ચાર ગેરકાયદેસર હથીયારો, અને કાર્ટીસ સાથે  પાંચ શખ્સોને ઝડપી લીધા છે. જેમાં તમામ હથીયાર સપ્લાય કરનારા વડોદરા-છોટાઉદેપુરના બે શખ્સો પણ સામેલ છે. 

શનિવારે લક્ષ્મીવાડીના ફાયનાન્સ સંજયસિંહ ઝાલાને બે દેશી પિસ્તોલ અને કાર્ટીસ સાથે પકડી લઇ કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડ મળ્યા છે. પોતાને માથાકુટો ચાલતી હોઇ હથીયાર સાથે રાખ્યાનું કબુલ્યું હતું. આ તપાસ ચાલુ હતી ત્યાં એસઓજીના ભાનુભાઇ મિંયાત્રા, કિસનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને મોહિતસિંહ જાડેજાને લક્ષ્મીવાડી-૫માં રહેતાં મુળ સુરત અડાજણ એ-૪૦૨, સાગર કોમ્પલેક્ષનો હિતેષ નાથાભાઇ મકવાણા (ઉ.વ.૩૪) નામનો ખાંટ શખ્સ મોટી ટાંકી ચોકથી સદર બજારના રસ્તે પિસ્તોલ-કાર્ટીસ સાથે પસાર થઇ રહ્યો હોવાની બાતમી મળતાં તેને દબોચી લઇ રૂ. ૧૦ હજારની પિસ્તોલ અને એક કાર્ટીસ કબ્જે લેવાયો હતો. આ શખ્સ સુરતમાં બે વર્ષ પહેલા આર્મ્સ એકટમાં પકડાયો હતો.

સંજયસિંહ ઉર્ફ ચિન્ટૂએ રિમાન્ડ દરમિયાન વિશેષ પુછતાછ થતાં પોતે બે પિસ્તોલ અને કાર્ટીસ વડોદરા ન્યુ વીઆઇપી રોડ, ખોડિયાર નગર મોતીબાઇ પાર્ક મકાન નં. ૧૨૨માં રહેતાં દિપક ઉર્ફ બંટી નંદકિશોર શર્મા (ઉ.વ.૨૮) તથા મુળ છોટા ઉદેપુરના  કવાટ ગામે ગાયત્રીનગર સોસાયટી સૈડી વાસન રોડ પર રહેતાં કેતન ઉર્ફ સન્ની ચંદ્રકાંત પંચોલી (ઉ.વ.૨૮) પાસેથી લાવ્યાનું કબુલતાં એસઓજીએ આ બંનેને પણ દબોચી લીધા હતાં.

જેમાં દિપક વિરૂધ્ધ અગાઉ વડોદરામાં આર્મ્સ એકટ, લૂંટ સહિતના ૪ ગુનામાં, મુંબઇમાં આર્મ્સ એકટ અને હત્યાની કોશિષના ગુનામાં તથા આણંદમાં ચોરીના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. જ્યારે કેતન છોટા ઉદેપુરમાં દારૂના ગુનામાં સંડોવાઇ ચુકયો છે.

હિતેષ, દિપક અને કેતનના આજે રિમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે.  ઝડપાયેલા સપ્લાયરો દિપક અને કેતનની આકરી પુછતાછ થતાં તેણે વધુ એક દેશી પિસ્તોલ અને કાર્ટીસ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના શખ્સને આપ્યાનું સામે આવતાં ગાંધીગ્રામ ગાંધીનગર-૭, બહુચરાજી કૃપામાં રહેતાં અને છુટક મજૂરી કરતાં ભાવિક મહેશભાઇ અગોલા (પટેલ) (ઉ.વ.૨૨)ને રૂ. ૧૦ હજારની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે રામાપીર ચોકડીથી લાખના બંગલા તરફ જતાં રોડ તરફથી પકડી લીધો હતો. આ શખ્સ અગાઉ મારામારી અને દારૂના ગુનામાં સંડોવાઇ ચુકયો છે. શોખ ખાતર પિસ્તોલ રાખ્યાનું તેણે રટણ કર્યુ હતું.

તમામ ગેરકાયદે હથીયારોની સપ્લાયમાં વડોદરા-કવાટના બંને શખ્સો દિપક ઉર્ફ બંટી તથા કેતન ઉર્ફ સન્નીના નામ સામે આવ્યા છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં આ તમામ કામગીરી પીઆઇ આર.વાય. રાવલ, એએસઆઇ ધર્મેન્દ્રસિંહ રાણા, હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મોહિતસિંહ જાડેજા, કોન્સ. હિતેષભાઇ રબારી અને નિખીલભાઇ પિરોજીયાની ટીમે કરી છે.

(1:05 pm IST)