Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

સામા કાંઠે ઓફિસમાં દારૂ અને જૂગારની મહેફીલમાં ઝડપાયેલા છ પૈકી ગેલાની ૧૦ ગુનામાં સંડોવણી

પોલીસને ૬૫૦ મી.લી. દારૂ મળતાં અને છએય જૂગાર રમતાં મળતાં બે અલગ અલગ ગુના નોંધાયાઃ બંને ગુનામાં ભૂપતનું પણ આરોપીમાં નામઃ તે હજાર ન મળતાં શોધખોળઃ પીએસઆઇ પી. બી. જેબલીયાની બાતમી પરથી દરોડો

પોલીસે ઓફિસમાં દરોડો પાડી દારૂની મહેફીલ માણી રહેલા અને જૂગાર પણ રમી રહેલા છ શખ્સને પકડ્યા હતાં તે તસ્વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૯: સામા કાંઠે પેડક રોડની બાજુમાં બાલક હનુમાનથી આશ્રમ રોડ પર મોન્જીનીસ બેકરીની  ઉપર બીજા માળે આવેલી ભૂપત વીરમભાઇ બાબુતર (ભરવાડ) અને ગેલા હાંસલાની ઓફિસમાં દારૂ જૂગારની મહેફીલ ચાલી રહી હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના પી. બી. જેબલીયાને મળતાં દરોડો પાડવામાં આવતાં ગેલો સહિત છ શખ્સો  દારૂ પીધેલા મળતાં અને જૂગાર પણ રમતાં હોઇ બે અલગ અલગ ગુના નોંધી છએયની ધરપકડ ૬૦૦ મીલી દારૂ, કાચના ગ્લાસ તથા જૂગારના કેસમાં રોકડા રૂ. ૩૫૪૦૦ કબ્જે કર્યા હતાં. જે પૈકી ગેલો અગાઉ ૧૦ ગુનામાં સંડોવાઇ ચુકયો છે. ઓફિસમાં ભૂપત હાજર મળ્યો નહોતો.

પોલીસે ઓફિસમાં દરોડો પાડતાં દારૂ જૂગારની મહેફીલ જામી હોઇ ઓફિસમાં હાજર ગેલા નાથાભાઇ હાંસલા (ભરવાડ) (ઉ.૪૦-બાંધકામનો ધંધો, રહે. શ્રીરામ સોસાયટી આરટીઓ પાછળ શેરી નં. ૬), વિજય રામજીભાઇ આસોદરીયા (પટેલ) (ઉ.૪૯-ઇમિટેશનનો ધંધો-રહે.ચિંતન પાર્ક-૧, કુવાડવા રોડ ભાડેથી, મુળ ગામ સાયપર), અજય તુલસીભાઇ માલવીયા (પટેલ) (ઉ.૪૨-ધંધો વેપાર-રહે. ગાંધીસ્મૃતિ સોસાયટી-૨ પેડક રોડ), પરેશ મુળજીભાઇ ગજેરા (પટેલ) (ઉ.૪૩-ધંધો વેપાર-રહે. તારીકા એપાર્ટમેન્ટ હિલબર્ગ ટાવર સામે, અમીન માર્ગ), રાજેશ કાનજીભાઇ રાઠોડ (ઉ.૩૯-રહે. ધંધો વેપાર, રહે. હુડકો કવાર્ટર એલ-૨/૫૬, માર્કેટ યાર્ડ પાસે) તથા ડાયા લવજીભાઇ લુણાગરીયા (પટેલ) (ઉ.૬૫-નિવૃત-રહે. રણછોડનગર-૨, પેડક રોડ)ને પકડ્યા હતાં.

આ છ ઉપરાંત ભૂપત વીરમભાઇ બાબુતર (ભરવાડ) (રહે. રાજકોટ) સામે પોલીસે પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પકડાયેલા છએય જણા ઓફિસમાં દારૂની મહેફીલ માંડીને બેઠા હતાં. તેની પાસેથી ૬૦૦ મી.લી. દારૂ રૂ. ૩૫૦નો તથા છ ગ્લાસ, ચવાણુ, દાળીયાના તૂટેલા પેકેટ ત્રણ નંગ કબ્જે કરાયા છે. છએય જણાએ કેફી પીણું પી કાવતરુ રચી એકબીજાને મદદ કર્યાનો ગુનો નોંધાયો છે.

આ ઉપરાંત સાતેય જણા સામે જૂગારધારાની કલમ ૪-૫ મુજબ પણ ગુનો નોંધાયો છે. આ ફરિયાદમાં જણાવાયં છે કે ભૂપત બાબુતરે પોતાની ઓફિસમાં ગેલા સહિતના છ જણાને જૂગાર રમવા બોલાવ્યા હતાં. આ છએય જણા રોનપોલીસ નામનો જૂગાર રમતાં હતાં અને પૈસાની હારજીત કરતાં હતાં. તેની પાસેથી રૂ. ૩૫૪૦૦ રોકડા અને ગંજીપાના કબ્જે કરાયા છે. ભૂપત હાજર ન હોઇ તેની શોધખોળ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ ભૂપત અગાઉ ધાકધમકી, મિલ્કતો પડાવવી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. જ્યારે પકડાયેલા છમાંથી ગેલો હાંસલા અગાઉ ધમકી, રાયોટ-મારામારી, દારૂના ચાર ગુના, જૂગારના બે ગુના, હત્યાની કોશિષ સહિત ૧૦ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. અન્ય આરોપીમાં અજય વિરૂધ્ધ અગાઉ એમવીએકટ હેઠળ ગુનો નોંધાયો હતો. જ્યારે ડાયા લુણાગરીયા વિરૂધ્ધ અગાઉ ઠગાઇ-બોગસ દસ્તાવેજનો ગુનો નોંધાયો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, સુભાષભાઇ ભરવાડ, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ. પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા, મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી.

(3:12 pm IST)