Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ટ્રાન્‍સલોકેશન..સિંહોનું મધ્‍યપ્રદેશમાં સ્‍થળાંતર કોર્ટની ગાઇડલાઇન પરીપૂર્ણ કર્યા વગર શકય જ નથી

મધ્‍યપ્રદેશમાં ઓછામાં ઓછા ૭૦૦ કિ.મી. નેશનલ પાર્ક વિસ્‍તાર સિંહો માટે જરૂરીઃ વાસ્‍તવિક સ્‍થિતિમાં પાર્કનો એરીયા માંડ ૩૪૦ કી.મી. છે

રાજકોટ, તા. ૯ : ૩૦ વર્ષથી વાઈલ્‍ડ લાઈફ ફોટોગ્રાફી કરી રહેલા નેચર લવર અને ૨૦૧૪થી સ્‍ટેટ બોર્ડ ફોર વાઈલ્‍ડ લાઈફના સભ્‍ય શ્રી ભૂષણ પંડયા સિંહોના ટ્રાન્‍સલોકેશન વિશે કહે છે કે, ગીરના સિંહોને મધ્‍ય પ્રદેશના પાલપુર-કુનોમાં ખસેડવાની શકયતાઓ ઘણા વર્ષોથી ચકાસાઈ રહી છે.

 સિંહોના શિકારનો મામલો હોય કે મહામારીમાં ટપોટપ મૃત્‍યુનો મામલો હોય, જ્‍યારે જ્‍યારે ગીર અભ્‍યારણ અને સિંહો માટે સમાચારો બને છે ત્‍યારે ત્‍યારે તેમના સ્‍થળાંતરનો મુદ્દો સપાટી પર આવે છે. જો કે દર વખતે આ મુદ્દે માત્ર રાજકારણ રમાઈ છે. આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા એકસપર્ટ સાયન્‍ટીસ્‍ટો અને જાણીતા પર્યાવરણવિદ્દોની ઈન્‍ટરનેશનલ યુનિવર્સિટી ફોર કોન્‍ઝર્વેશન ઓફ નેચર (આઈયુસીએન)ને ગાઈડ લાઈન આપી છે. આ ગાઈડ લાઈન પરિપૂર્ણ થાય પછી જ સિંહોના સ્‍થળાંતરની વાત આગળ વધી શકે. મધ્‍ય પ્રદેશમાં સિંહોને વસવાટ કરાવવા માટે ઓછામાં ઓછા ૭૦૦ કિ.મી.નો નેશનલ પાર્ક વિસ્‍તાર જરૂરી છે. વાસ્‍તવિક સ્‍થિતિમાં પાર્કનો એરીયા માંડ ૩૪૦ કિ.મી. છે.

આઈયુસીએનના ડો. રવિ ચેલમ છેક ૧૯૯૪થી આ વિશે અભ્‍યાસ કરી રહ્યા છે. મધ્‍ય પ્રદેશની સરકારની બદલાતી નીતિઓ વિશે તેમણે એક વખત અંગુલી નિર્દેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જે ગાઈડ લાઈન આપી છે તે પરિપૂર્ણ કરવાની વાત એક તરફ રહી હજુ જ્‍યારે ટ્રાન્‍સલોકેશનનો મુદ્દો ગંભીરતાથી લેવામાં આવશે ત્‍યારે ફરીથી એંકડો ઘુંટવો પડે તેવી સ્‍થિતિ છે ત્‍યારે હાલમાં સિંહોના સ્‍થળાંતરનો મુદ્દો ખરેખર તો અવાસ્‍તવિક દેખાય રહ્યો છે.

ભૂષણ પંડયા

: અહેવાલ :

જયદેવસિંહ જાડેજા

(3:59 pm IST)