Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સોરઠીયા પ્‍લોટમાં અતુલ સરવૈયા, તેના ભાઇ અને બહેન પર હુમલોઃ એકનો હાથ ભાંગ્‍યો

એક વર્ષ પહેલા નવું મકાન બનાવ્‍યું એ ન ગમતું હોવાથી હુમલો કર્યોઃ અજય ઉર્ફ વિશાલ અને પાવન વણોલ સામે ગુનો

રાજકોટ તા. ૯: જીલ્લા ગાર્ડન નજીક સોરઠીયા પ્‍લોટમાં રહેતાં યુવાને એકાદ વર્ષ પહેલા નવુ મકાન બનાવ્‍યું હોઇ જે પડોશીઓને ગમતું ન હોઇ ખાર રાખી ઝઘડો કરી તલવાર, ધોકાથી હુમલો કરી માર મારતાં તેને બચાવવા તેના ભાઇ અને બહેન વચ્‍ચે પડતાં તેને પણ ધોકાવાળી કરવામાં આવતાં બહેનનો હાથ ભાંગી ગયો હતો. હુમલાખોરોએ બે વાહનમાં પણ તોડફોડ કરી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધ્‍યો છે.

સોરઠીયા પ્‍લોટ-૩માં રહેતો અને મજુરી કરી ગુજરાન ચલાવતો અતુલ રવજીભાઇ સરવૈયા (ઉ.૩૦), તેનો ભાઇ હસમુખ રવજીભાઇ સરવૈયા (ઉ.૩૨) અને બહેન રેખાબેન રવજીભાઇ સરવૈયા (ઉ.૩૫) રાત્રે ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં આવતાં અને પોતાના પર પડોશી અજય ઉર્ફ વિશાલ હિમતભાઇ સરવૈયા તથા પાવન વણોલે તલવાર-ધોકાથી હુમલો કર્યાનું જણાવતાં હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

પોલીસે અતુલ સરવૈયાની ફરિયાદ પરથી બંને હુમલાખોર સામે ગુનો નોંધ્‍યો હતો. અતુલના કહેવા મુજબ રાત્રે સાડા દસેક વાગ્‍યે તે મકાનના ઉપરના રૂમમાં બેઠો બેઠો મિત્ર સાથે ફોનમાં વાત કરતો હતો. આ વખતે તેના ભાઇ હસમુખ અને બહેન રેખાબેન ઘર પાસે બેઠા હતાં. બહેને હાકલ કરતાં તેણે નીચે જોતાં અજય ઉર્ફ વિશાલ અને પાવન વણોલ તલવાર-ધોકા સાથે ઉભેલા દેખાયા હતાં. આથી પોતે નીચે જતાં બંનેએ હુમલો કરી દીધો હતો. જેમાં પોતાને કપાળે અને માથામાં ઇજા થઇ હતી. તેના બહેનને હાથમાં અને ભાઇને શરીરે ઇજાઓ પહોંચી હતી.

દેકારો થતાં બંને હુમલાખોર ભાગી ગયા હતાં. બંનેએ જતાં-જતાં એક્‍ટીવા અને હોન્‍ડામાં પણ તોડફોડ કરી નુકસાન કર્યુહ તું. એકાદ વર્ષ પહેલા પોતે નવુ મકાન બનાવ્‍યું હોઇ જે અજય અને પાવનને ગમતું ન હોઇ જેથી આ હુમલો કર્યો હતો. તેમ વધુમાં અતુલે જણાવતાં પીએઅસાઇ કે. એ. જાડેજા અને હેડકોન્‍સ. બી. એ. ફુલતરીયાએ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

 

(2:42 pm IST)