Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

નવરાત્રી-દિવાળીનાં તહેવારોમાં રાત્રે ૧ સુધી બજારો ખુલ્લી રાખી શકાશેઃ ગુમાસ્તાધારામાં મુકિત

રાજકોટ તા. ૮: આગામી ૧૦ ઓકટોબરથી ૧ર નવેમ્બર સુધી એટલે કે નવરાત્રી અને દિવાળીનાં તહેવારોમાં મોડી રાત્રે ૧ વાગ્યા સુધી બજારો ખુલ્લી રાખી શકાશે કેમકે આ દિવસો દરમિયાન વેપારીઓને ગુમાસ્તાધારામાંથી મુકિત અપાશે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના સહાયક કમિશ્નર શ્રી કગથરાની યાદીમાં જણાવાયા મુજબ સેકશન ઓફીસરશ્રી લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડીપાર્ટમેન્ટ ગાંધીનગર સુચના મુજબ રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ સંસ્થાઓ જેવી કે, હિસાબી ચોપડાઓ વેચતી દુકાનો, ફટકડાની દુકાનો, આટાની દુકાનો અને ઘંટીઓ, દરજી કામની દુકાનો, તૈયાર કપડાની દુકાનો, હોઝીયરીની દુકાનો, સુગંધીત પદાર્થ વેચતી દુકાનો તથા બધાં હોટલો, રેસ્ટોરન્ટો, ભોજનાલયો, આરામગૃહોના સબંધમાં નવરાત્રી-દિવાળીના તહેવારોને અનુલક્ષીને તા. ૧૦-૧૦-ર૦૧૮થી તા. ૧ર-૧૧-ર૦૧૮ (આસો સુદ એકમથી કારતક સુદ પાંચમ) સુધીના સમય માટે મુંબઇ ગુમાસ્તાધારો ૧૯૪૮ની જોગવાઇઓના અમલમાંથી આંશિક મુકિત આપવામાં આવે છે.

આથી આવી દુકાનો રાત્રીના ૧૧-૦૦ કલાક સુધી અને હોટલો, રેસ્ટોરન્ટો, ભોજનાલયો, આરામગૃહો રાત્રીના ૧ કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. જો કોઇપણ કામદારોને નિયમિત કામના કલાકો કરતા વધુ સમય માટે કામ કરવાની ફરજ પડે તો તેમને કરેલા કામના માટે વધુ સમયનું વેતન મેળવવા હકકદાર રહેશે. કોઇપણ દિવસે કામકાજનો કુલ સમય ૧૪ કલાક કરતા વધવો જોઇએ નહીં. કર્મચારીને નિયત રજા ગુમાવવાના કારણે તેની અવેજીમાં તા. ૧૩-૧૧-ર૦૧૮ પછી વળતર રજા ભોગવી શકાશે અથવા તો રજા દરમિયાન કરેલા કામના બદલામાં નિયત દરે વેતન મેળવી શકશે.

(3:36 pm IST)