Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

એકતાની ઉજવણી રમતોને સંગ - નેશનલ ગેમ્સ પૂર્વે રાજકોટ ૧૨મી સપ્ટેમ્બરથી બનશે રમતમય

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં ૧૨મીએ મહાનુભાવોની હાજરીમાં મેગા સ્પોર્ટસ ઇવેન્ટ: ૧૩મીએ સદગુરુ મહિલા કોલેજ, મારવાડી તથા આર.કે. યુનિવર્સિટીમાં રમતો સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે: ૧૪મીએ ધોરાજીના ભૂતવડ તથા પડધરીમાં વિવિધ રમતોના નિદર્શન સાથે સ્પર્ધાઓ યોજાશે

રાજકોટ: નેશનલ ગેમ્સની તૈયારીઓની સાથે રાજકોટમાં સ્પોર્ટસ્ ફીવર છવાઈ રહ્યો છે. રમતવીરોને પ્રોત્સાહન સાથે લોકોને રમત-ગમત પ્રત્યે જાગૃત કરવા રાજકોટ શહેર-જિલ્લામાં ૧૨મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસ સુધી રમતોત્સવ યોજાશે. જેની થીમ છે ‘સેલિબ્રેટિંગ યૂનિટી થ્રૂ સ્પોર્ટસ્’ (એકતાની ઉજવણી રમતોને સંગ). હજ્જારો ખેલાડીઓ આ કાર્યક્રમોમાં પોતાનું કૌવત ઝળકાવશે. દરમિયાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
   જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મુદ્રાની આગેવાનીમાં આ વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટ યોજાવા જઈ રહી છે. જેમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં રમતોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં ખેલાડીઓ વચ્ચે રસ્સાખેંચ તેમજ કબડ્ડીની રસાકસી જામશે, તેમ ઈન સ્કૂલ ટેકનિકલ મેનેજરશ્રી હરેશ સોલંકીએ જણાવ્યું હતું.
  ૧૩મી સપ્ટેમ્બરે રાજકોટમાં ત્રણ સ્થળે વિવિધ સ્પોર્ટસ્ ઇવેન્ટસ યોજાશે. જેમાં સદગુરુ મહિલા કોલેજ ખાતે સવારે ૮.૩૦ કલાકે આશરે ૪૦૦ રમતવીરોની હાજરીમાં વિવિધ સ્પર્ધાઓ થશે. મારવાડી યુનિવર્સિટીમાં સવારે ૧૧ કલાકે આશરે ૮૫૦ ખેલાડીઓ વિવિધ રમતોની સ્પર્ધાઓમાં ઝુકાવશે. જ્યારે આર.કે. યુનિવર્સિટીમાં બપોરે ૨ કલાકે આશરે ૪૫૦ જેટલા રમતવીરો ખેલ-કૂદની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌવત ઝળકાવશે.
  જ્યારે ૧૪મી સપ્ટેમ્બરે ધોરાજી તાલુકાના ભૂતવડમાં આવેલી સરસ્વતી કોલેજ ખાતે બપોરે ૧૧ કલાકથી કબ્બડી, વોલીબોલ અને રસ્સાખેંચની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં કુલ ૩૨૦ ખેલાડીઓ ભાગ લેશે. આ તકે કોલેજના ટ્રસ્ટીશ્રી રણછોડ વઘાસીયા, આચાર્યશ્રી લોપા વઘાસીયા તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહેશે, તેમ કો-ઓર્ડીનેટર નિલેશભાઈ ગોહિલે જણાવ્યું છે.
   આ જ દિવસે પડધરી તાલુકામાં સવારે ૧૧ વાગ્યાથી વિવિધ રમતોની સ્પર્ધાઓ શરૂ થશે.જેમાં વોલીબોલ, રસ્સા ખેંચ, દોડ જેવી વિવિધ રમતો યોજાશે. તેમજ નાના બાળકો માટે ત્રિપગી દોડ તેમજ અન્ય રમતગમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ-ખેલાડીઓ ભાગ લેશે. ઉપસ્થિત તમામ લોકોને વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત શપથ લેવડાવવામાં આવશે. ૩૦ જેટલા શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાઈને ફિટ ઇન્ડિયાનો સંદેશો  આપશે તેમ માતૃશ્રી જે.વી.દોશી, સરસ્વતી શિશુ વિદ્યામંદિરના વોલીબોલ ટ્રેઈનર દિલીપભાઈ ગોહિલે જણાવ્યું હતું. આ સમગ્ર રમતોત્સવ દરમિયાન વિવિધ રમતવીરોનું સન્માન કરવામાં આવશે.

(7:41 pm IST)