Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

શિવપરાના ઇરફાનને એસઓજીએ તમંચા-કાર્ટીસ સાથે પકડયોઃ એમપીનો શખ્‍સ આપી ગયાનું રટણ

હનુમાન મઢી છોટુનગર કોમ્‍યુનિટી હોલ પાસેથી દબોચ્‍યો : પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ એએસઆઇ ફિરોઝભાઇ શેખ તથા હેડકોન્‍સ. કિશનભાઇ આહિરની વધુ એક વખત સફળ બાતમી

રાજકોટ તા. ૯: શહેર એસઓજીએ વધુ એક વખત ગેરકાયદે હથીયાર સાથે એક શખ્‍સને પકડી લીધો છે. રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર કોમ્‍યુનિટી હોલ પાસેથી ઇરફાન ઉર્ફ ઇફલો યાકુભાઇ મારફાણી (મેમણ) (ઉ.વ.૨૮-રહે. શિવપરા-૨)ને દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે પકડી લઇ વિશેષ તપાસ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. એમપીનો એક શખ્‍સ આ તમંચો આપી ગયાનું તેણે રટણ કર્યુ છે.
શહેરમાં કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે અને આગામી તહેવારોની ઉજવણી શાંતિથી થાય એ માટે શહેર એસઓજીની ટીમ ગેરકાયદે હથીયારોની હેરાફેરી કરતાં શખ્‍સોને શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ફિરોઝભાઇ આઇ. શેખ તથા હેડકોન્‍સ. કિશનભાઇ આહિરને બાતમી મળતાં છોટુનગર હોલ પાસેથી ઇરફાનને તમંચા-કાર્ટીસ સાથે પકડી લેવાયો હતો. આ શખ્‍સ અગાઉ ગાંધીગ્રામમાં મારામારીના ગુનામાં પકડાયો હતો.
ઇરફાનને છોટુનગર પાસે ભંગારનો ડેલો છે અને તેને પોતાના જ સમાજના કેટલાક લોકો સાથે માથાકુટ ચાલતી હોઇ જેથી આ તમંચો રાખ્‍યાનું તેમજ એમપીનો શખ્‍સ આપી ગયાનું રટણ કર્યુ હતું. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, ફિરોઝભાઇ શેખ, રવિભાઇ ડી. વાંક તથા કિશનભાઇ આહિર અને અજયભાઇ ચોૈહાણે આ કામગીરી કરી હતી.

 

(4:22 pm IST)