Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

માહી પશુ સેવાનો શુભારંભઃ મકાઈ ભરડો પણ લોન્ચ

માહી પશુ સેવા સુવિધા આંગળીના ટેરવે ઘરબેઠા મળી રહેશે

રાજકોટઃ  'માહી ડેરી દ્વારા પશુ સેવા ચાલુ કરતા આ સુવિધા મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી આંગળીના ટેરવે ઘરઆંગણે ઉપલબ્ધ બનતા પશુપાલકોના પશુઓની સારવાર સરળ બની છે.' તેમ તળાજા ખાતે માહી ડેરી દ્વારા પશુ સેવા શરૂ કરવા યોજાયેલા સમારોહમાં માહી ડેરીના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

આ પ્રસંગે માહી ડેરીના ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણીએ તમામ પશુઓમાં ટેગ લગાવવા અનુરોધ કરતા પશુપાલકોને તેનાથી થતા લાભોની વિસ્તૃત જાણકારી આપી ભવિષ્યમાં પશુ સેવા એપ્લિકેશનમાં ઉપબ્ધ કરાવવામાં આવનાર નવી નવી સુવિધાઓનો ચિતાર આપ્યો હતો.

પશુપાલકો માટે આશીર્વાદરૂપ માહી પશુ સેવાના શુભારંભ પ્રસંગે પશુપાલન વિભાગના સૌરાષ્ટ્ર ઝોનના સંયુકત નિયામક ડો.ભરતસિંહ ગોહિલ, નાયબ નિયામકશ્રી (ભાવનગર) ડો.કલ્પેશ બારૈયા, મદદનીશ નિયામકશ્રી (રાજકોટ) ડો.કાકડીયા, પશુપાલન અધિકારીશ્રી ભરત પ્રજાપતિ, માહી ડેરીના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ જાડેજા, ચીફ એકિઝકયુટિવ ડો.સંજય ગોવાણી, નિયામક મંડળના શ્રી વિશ્વાસભાઈ ડોડિયા, શ્રી સુશીલાબેન પંડયા ઉપરાંત વિશાળ સંખ્યામાં પશુપાલકો, સહાયકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પશુ  આહાર માહી મકાઈ ભરડો પણ લોન્ચ કરવામાં આવ્યો હતો. માહી પશુ સેવા તબકકાવાર અન્ય જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. માહી પશુ સેવાનો લાભ લેવા ઈચ્છુક માહી ડેરીના દૂધ ઉત્પાદક સભ્યોના પશુઓને કાનની કડી (ટેગ) લગાવેલી હોવી ફરજીયાત છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(4:18 pm IST)