Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનાર કેતનભાઇ સોલંકીના ૧૧.૫૫ લાખ પરત અપાવતી સાયબર ક્રાઇમ

રાજકોટ તા. ૯ : યાજ્ઞીક રોડ પર લેપટોપના વેપારી સાથે થયેલી છેતરપીંડીના બનાવમાં સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઇન થયેલા ફ્રોડનો ભોગ બનનાર વેપારીને રૂા. ૧૧,૫૫,૦૦૦ પરત અપાવ્‍યા હતા.
મળતી વિગત મુજબ સોશિયલ મીડિયામાં અલગ-અલગ રીતે લાલચ આપી ગઠીયાઓ લોકોને છેતરતા હોય છે ત્‍યારે બેકબોન સોસાયટી પાછળ, માયાણીનગરમાં રહેતા અને યાજ્ઞીક રોડ પર તેમજ મવડી ચોકડી પાસે લેપટોપનો વેપાર કરતા કેતનભાઇ સોલંકીને આશરે વીસેક દિવસ પહેલા પોતાના મોબાઇલમાં એક ગ્રુપમાં લેપટોપ ખરીદવા બાબતે એક મેસેજ આવ્‍યો હતો. ત્‍યારે કેતનભાઇએ મેસેજમાં મોબાઇલ નંબર ઉપર કોન્‍ટેકટ કરતા લેપટોપ ખરીદવા બાબતે બંને વચ્‍ચે વાતચીત કરી હતી અને કેતનભાઇએ ૨૫ જેટલા લેપટોપનો ઓર્ડર આપતા તેણે પેમેન્‍ટ મોકલવાનું કહેતા કેતનભાઇએ રૂા. ૧૧,૫૫,૦૦૦ તેના બેંક એકાઉન્‍ટમાં જમા કર્યા હતા. ત્‍યારબાદ ઓર્ડર મુજબ તેણે લેપટોપ ન મોકલતા તેને ફોન કરતા તે અલગ-અલગ બહાના કરતા લાગ્‍યો હતો. બાદ તેણે ફોન સ્‍વીચ ઓફ કરી દેતા પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતા કેતનભાઇએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ એમ.ડી.વાળા તથા કોન્‍સ. શિવાનીબેન સહિતે તપાસ કરી ટેકનિકલ એનાલીસીસ કરી છેતરપીંડીનો ભોગ બનનાર વેપારી કેતનભાઇ સોલંકીના રૂા. ૧૧,૫૫,૦૦૦ પરત અપાવ્‍યા હતા.

 

(4:18 pm IST)