Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભગવાન શિવ વિશે લાગણી દુભાય તેવી વાતો કરનારા સ્‍વામિ સામે ગુનો નોંધવા પોલીસ કમિશનરને રજૂઆત

પ્રદેશ કોંગી અગ્રણી ગાયત્રીબા વાઘેલા, બ્રહ્મ સમાજના મિલનભાઇ શુક્‍લ સહિતની વિસ્‍તૃત રજૂઆત સાંભળી પોલીસ કમિશનરે યોગ્‍ય કાર્યવાહી કરાવવાની ખાત્રી આપી : અગાઉ કરેલી અરજી પરથી એફઆઇઆર દાખલ ન થતાં આજે ફરીથી રજૂઆત

તસ્‍વીરમાં પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, મિલનભાઇ શુક્‍લ તથા બ્રહ્મસમાજના આગેવાનો, કાર્યકરો નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટઃ આણંદના વિદ્યાનગર તાબેના બારકરોલ ગામના આનંદસાગર સ્‍વામિએ ભગવાન શિવ વિશે લાગણી દુભાય એવુ પ્રવચન આપ્‍યું હોઇ આ કારણે સમગ્ર બ્રહ્મસમાજ અને સનાતન ધર્મીઓમાં રોષ વ્‍યાપી ગયો હોઇ ગત ૭મી તારીખે મોરબી રોડ જમુના પાર્કમાં રહેતાં બ્રહ્મસમાજના સામાજીક સંગઠન બ્રહ્મદેવ સમાજના રાષ્‍ટ્રીય મહાસચીવ મિલનભાઇ રમેશભાઇ શુક્‍લ સહિતે બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચી આ સ્‍વામિ વિરૂધ્‍ધ ગુનો નોંધી કાર્યવાહી કરવા માંગણી કરી લેખિત રજૂઆત કરી હતી. પરંતુ આ મામલે પોલીસે એફઆઇઆર દાખલ ન કરતાં આજે મિલનભાઇ શુક્‍લ સહિતના બ્રહ્મસમાજના લોકો પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવને રજૂઆત કરવા પહોંચ્‍યા હતાં અને ગુનો નોંધવાની માંગણી દોહરાવી હતી. શ્રી ભાર્ગવએ રજૂઆતને સાંભળી બી-ડિવીઝન પોલીસને ગુનો નોંધવા કાર્યવાહી કરવા સુચના આપી હતી. મિલનભાઇ શુક્‍લ સાથે પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા પણ જોડાયા હતાં.

મિલનભાઇ રમેશભાઇ શુક્‍લ અને તેની સાથેના અન્‍ય લોકોએ અગાઉ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇને લેખિત ફરિયાદ રજૂઆત કરી હતી. તેમાં તેમણે જણાવ્‍યું હતું કે હું બ્રહ્મસમાજના સામાજીક સંગઠન બ્રહ્મદેવ સમાજમાં રાષ્‍ટ્રીય મહાસચિવનો હોદ્દો ધરાવુ છું. મેં સોશિયલ મિડીયા પર એક વિડીયો જોયો હતો. જેમાં એક ભગવા કપડા પહેરેલા સ્‍વામિ જેવા દેખાતા વ્‍યક્‍તિએ સનાતન ધર્મના શિરમોર એવા ભગવાન શિવ પર લાગણી દુભાય તેવું પ્રવચન આપ્‍યું હોય તેવો વિડીયો હતો. તેની લિંક ખોલી ચેક કરતાં તેનું નામ આનંદસાગર સ્‍વામિ હોવાનું જાણવા મળ્‍યું હતું. બ્રાહ્મણોન આરાધ્‍ય દેવ અને સનાતન ધર્મના લોકોની લાગણી દુભાઇ હોઇ આ વ્‍યક્‍તિ સામે કાર્યવાહી કરવા અમારી માંગણી છે. જો કે આ રજૂઆત બાદ પણ ગુનો દાખલ ન થયો હોઇ આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે આ મામલે કાર્યવાહી કરાવશે તેવી ખાત્રી આપી હતી.

(4:11 pm IST)