Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

૧૩ વર્ષની સગીરા ઉપરના દુષ્‍કર્મના કેસમાં પાંચ આઘેડ શખ્‍સોને આજીવન કેદ

આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધી સજા ભોગવવાનો આદેશ : બે અંધ અને બે બહેરા આઘેડ શખ્‍સો સહિત પાંચ શખ્‍સોએ ૧૩ વર્ષની સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી : રાજકોટના ઢેબર રોડના વિસ્‍તારમાં બનેલ બહુચર્ચિત કેસમાં એડી. એસ. જજશ્રી સુથારનો મહત્‍વનો ચુકાદો : આરોપી નાનજીભાઇનું પિતૃત્‍વ જણાઇ આવતા પ૦ હજારનો દંડપણ ફટકાર્યો

રાજકોટ, તા. ૯ : રાજકોટના પોકસકોર્ટના જજ  જે.ડી. સુથારે ૧૩ વર્ષની નાબાલીક સગીરા સાથે ર-માસ દરમ્‍યાન અનેક વખત દુષ્‍કર્મો આચરનાર બે અંધ અને બે બહેરા સહિત પાંચ આરોપીઓને અંતિમ શ્વાસ સુધી સખ્‍ત કેદની સજા ફરમાવતી પોકસો અદાલત. સગીરાના ભ્રૃણનું પરીક્ષણ કરતા અંધ આરોપી નાનજીભાઇનું પિતૃત્‍વ જણાય આવતા તેઓને પચાસ હજારનો ખાસ દંડ ફરમાવવામાં આવેલ છે.
જેઓને સજા થયેલ છે. તેમાં નાનજી ધનજી જાવીયા અરવિંદ લક્ષ્મણ કુબાવત, વિજાનંદભાઇ રવાભાઇ મૈયડ, વિપુલ ઉર્ફે હિપુલ કાંતિલાલ ચાવડા અને ગોવિંદ દેવરાજ સાંકળીયાનો સમાવેશ થાય છે.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, વર્ષ-ર૦૧૮ માં રાજકોટમાં પોતાની માતા સાથે રહેતી ભોગ બનનાર નાબાલીક સગીરાનું પેટ વધી ગયેલ હોવાનું માતાના ધ્‍યાન ઉપર આવતા માતાએ ભોગ બનનારને તાત્‍કાલીક ડોકટર પાસે લઇ ગયેલ જયા ભોગ બનનાર ગર્ભવતી હોવાનું જણાયેલ. આથી માતાએ પુછપરછ કરતા ભોગ બનનાર બાળાએ સૌ પ્રથમ એક બાળ આરોપી અને બે આઘેડ આરોપીઓના નામ આપેલ હતા જેઓએ તેણી સાથે અનેક વખત દુષ્‍કર્મ કરેલ હોવાનું જણાવેલ. આથી માતાએ પોલીસ ફરીયાદ કરેલ આ ફરીયાદની તપાસ દરમ્‍યાન માતાના ધ્‍યાન ઉપર રહેણાંક વિસ્‍તારના લોકોએ ભોગ બનનાર સાથે બીજા અન્‍ય ત્રણ વ્‍યકિતઓએ પણ દુષ્‍કર્મ કરેલ હોવાનું જણાવેલ. આ મુજબની જાણ થતા માતાએ ભોગ બનનારને આ અન્‍ય વ્‍યકિતઓ વિષે પુછેલ જેમાં ભોગ બનનારે કુલ પ-આધેડો અને એક બાળ આરોપીએ તેણી સાથે બે માસના સમયગાળા દરમ્‍યાન અનેક  વખત દુષ્‍કર્મો આચર્યાનું જણાવેલ હતું.
પોલીસ તપાસ દરમયન આ હકિકતની માતાને જાણ થતા માતાએ પોલીસ અમલદાર સમક્ષ બીજા ત્રણ વ્‍યકિતઓના નામ પણ જણાવેલા હતા. આ વ્‍યકિતઓ વિશે પણ પોલીસે તપાસ કરતા જાણવા મળેલ કે આ કુલ પ આધેડોએ ભોગ બનનારને પોતના ઘરે અલગ અલગ સમયે ઘર કામ માટે બોલાવી વારાફરતી દુષ્‍કર્મો આચરેલા હતા.
તપાસનીશ અમલદારને આ મુજબની હકિકત મળતા ભોગ બનનારે જન્‍મ આપેલ મૃત બાળકના ભ્રૃણના પિતૃત્‍વના પરીક્ષણ અર્થે સેમ્‍પલો લીધેલા તેમજ પાંચેય આધેડ આરોપીઓના તથા એક બાળક આરોપીના લોહીના સેમ્‍પલો પણ લીધેલા. ન્‍યાય સહાયક લેબોરેટરીના રીપોર્ટ મુજબ આ ભ્રૃણના પિતા આરોપી નાનજીભાઇ હોવાનું જણાયેલ. પરંતુ ભોગ બનનારે તેણી સાથે કુલ પાંચેય આધેડ આરોપીઓએ દુષ્‍કર્મ આચરેલ હોવાનું જણાવેલ હોવાથી તમામ આઘેડ આરોપીઓ સામે ચાર્જશીટ રજુ કરેલ. ત્‍યારબાદ આ કેસ કોર્ટમાં પુરાવા માટે આવતા ભોગ બનનારની તથા ડોકટરની અને માતાની જુબાનીઓ વિગતવાર નોંધવામાં આવેલ.
સરકારે તરફે પુરાવો રજુ કર્યા બાદ દલીલોમાં રજુઆત કરવામાં આવેલ હતી કે ભોગ બનનારની માતાએ પહેલા ત્રણ આરોપીઓના નામ આપેલા હોવાનું અને ત્‍યારબાદ બીજા ત્રણ આરોપીઓના નામ આપેલ હોવાની હકીકતને યોગ્‍ય કરતા વધારે મહતવ આપી શકાય નહીં કારણ કે બનાવ વખતે ભોગ બનનાર ૧ર વર્ષની જ હતી અને જે જે સમયે તેણીની પુછપરછ કરવામાં આવેલ હતી તે તમામ સમયે તેણીને પુછવામાં આવતા સવાલોમાં જવાબો આપેલ હતા. આ કારણે જો કોઇ અધિકારીએ ભોગ બનનારને સવાલો પુછવામાં અસ્‍પષ્‍ટતા રાખેલ હોય તો આટલી નાની ઉંમરની ભોગ બનનારના જવાબોમાં વિસંગતતા આવે તે સ્‍વભાવીક છે.
આ તમામ જુબાનીઓ અને દસ્‍તાવેજી પુરાવાઓ પુરાવા થઇ ગયા બાદ આખરી દલીલોની સુનાવણી થઇ જતા રાજકોટની સ્‍પેશ્‍યલ પોકસો અદાલતે તમામ આરોપીઓને અંતિ શ્વાસ સુધી આજીવન સખ્‍ત કેદની સજા તથા નાનજીભાઇ ધનજીભાઇ જાવીયાએ રૂપિય પચાસ હજારનો દંડ અને અરવિંદભાઇ લક્ષ્મણદાસ કુબાવત, વિજાનંદભાઇ રવાભાઇ મૈયડ, હિપુલ ઉર્ફે વિપુલ કાંતિલાલ ચાવડા, ગોવિંદભાઇ દેવરાજભાઇ સાંકળીયા પ્રત્‍યેકને રૂપીયા પચ્‍ચીસ હજારનો દંડ ફરમાવેલ છે.
આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા.

 

(4:08 pm IST)