Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

૧૭ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્‍કર્મ ગુજારવા અંગે પકડાયેલ યુવાનને આજીવન કેદ ફટકારતી કોર્ટ

સાયન્‍ટીફીક પુરાવો-એફ.એસ.એલ.ના પુરાવાથી આરોપી સામેનો કેસ પુરવાર થાય છેઃ એડી. એસ. જજ શ્રી સુથારનો ચુકાદો

રાજકોટ તા. ૯: અત્રે મવડી રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી જુદી જુદી જગ્‍યાએ લઇ જઇને વારંવાર દુષ્‍કર્મ આચરવાના ગુનામાં પકડાયેલ મવડી રોડ ઉપર આવેલ ઉદયનગરમાં રહેતા વિમલ ઉર્ફે કાનો હરેશ ચૌહાણ સામેનો કેસ ચાલી જતાં અધિક સેસન્‍સ જજ શ્રી જે. ડી. સુથારે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.
આ અંગેની વિગત એવી છે. કે, મવડી રોડ ઉપર ઉદયનગર માં રહેતા આરોપી વિમલ ઉર્ફે કાનો હરેશ ચૌહાણે સગીરાનું અપહરણ કરીને જુદી જુદી જગ્‍યાએ લઇ ગયો હતો અને રપ દિવસ સુધી સાથે રાખીને વારંવાર દુષ્‍કર્મ ગુજાર્યું હતું.
આ બનાવ અંગે સગીરાની માતાએ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસના અંતે આરોપીની ધરપકડ કરીને પોકસો એકટ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ કેસ ચાલતાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરાએ રજુઆત કરી હતી. આરોપી વિરૂધ્‍ધના સાયન્‍ટીફીક પુરાવા ઉપરથી આરોપી સામેનો કેસ પુરવાર થાય છે. એફ.એસ.એલ.ના રિપોર્ટમાં સગીરાના કપડા ઉપર મળી આવેલ પુરાવા ઉપરથી આરોપીનો લેબોરેટરી રિપોર્ટ જોતા આરોપીએ જ સગીરા ઉપર વારંવાર દુષ્‍કર્મ આચરેલ હોવાનું ફલિત થાય છે, તેથી આરોપીને દુષ્‍કર્મ અને પોકસો એકટ જેવા ગંભીર અને સમાજ વિરોધી ગુનામાં સખ્‍તમાં સખ્‍ત સજા કરવી જોઇએ.
ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્‍યાને લઇને એડી. સેસ જજ શ્રી જે. ડી. સુથારે આરોપી વિમલ ઉર્ફે કાનો હરેશ ચૌહાણને પોકસો એકટના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. આ કામમાં સરકારપક્ષે જીલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયા હતા.

 

(4:02 pm IST)