Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભગવાન શંકરનું અપમાન કરનાર દંભી સાધુઓ સામે સરકાર કેમ પગલા લેતી નથી : બેવડી નીતિ

કહેવાતી હિંદુવાદી સરકાર ફરીયાદ લેવાને બદલે માત્ર અરજી લ્‍યે -ગુનો દાખલ ન કરે એ શરમજનક : ડો. વસાવડા-હિતેષભાઇ વોરા

રાજકોટ, તા. ૯ :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા અને જીલ્લા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ હિતેષભાઇ વોરા, સંયુકત યાદીમાં જણાવે છે કે સોખડા સ્‍વામીનારાયણના સાધુ આનંદ સ્‍વામીએ દેવાધીદેવ મહાદેવ બાબત, કરેલી ટીપ્‍પણીઓ અતી દુઃખ દાયક છે.  અને સમગ્ર હિન્‍દુ સમાજના હૃદય ઉપર ઘેરી ચોટ પહોંચાડી છે. પરમ પૂજય ત્‍યાગ વલ્લભ સ્‍વામીના સ્‍વર્ગારોહણ પછી એમના વારસ અને મિલ્‍કત માટે બધી જાતના કપટ અને કાવાદાવા કરનાર, લોકોને શંકર ભગવાનનું નામ લેવાનો અધિકાર નથી ત્‍યારે દેવાધીદેવ મહાદેવનું મજાક ઉડાડવાનું આકૃત્‍ય કેમેય સાંખી શકાય નહીં.

બ્રહ્મ સમાજ અને અન્‍ય સમાજના યુવાનો પોલીસે ફરીયાદ આ અંગેની ફરીયાદ રજુ કરવા ગયા ત્‍યારે કહેવાતી હિન્‍દુવાદી સરકાર ફરીયાદ લેવાને બદલે માત્રઅરજી લે અને કોઇ ગુન્‍હો દાખલ ના કરે એ ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ બતાવે છે અને હિન્‍દુ સમાજમાં ભારતીય જનતા પાર્ટી ખુલ્લી પડી ગઇ છે.

રાજકીય ખબરો છાપતા, પત્રકારો પર વિવિધ ગુન્‍હાઓ લગાડવા સોશ્‍યલ મીડીયામાં ચર્ચા કરતા યુવાનો અને વિપક્ષ અગ્રણીઓને લાંબો સમય સુધી જેલમાં પુરી રાખવા માટે દેવાયેલી આ સરકાર આ દંભી સાધુઓ સામે પગલા કેમ લેતી નથી ? ટુંક સમયમાં ગુન્‍હો નહીં નોંધાય તો યુવાનો આકરા પ્રોગ્રામો પણ આપી શકે છે. આ દંભી સ્‍વામી સામે તરત જ પગલા ભરો.

(3:47 pm IST)