Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

કાલે કોંગ્રેસના અડધા દિવસના બંધમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છ જોડાશે

મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો સહિતનાં મુદ્દે કોંગ્રેસ દ્વારા ‘‘ગુજરાત સાંકેતિક બંધ''નું એલાન

રાજકોટ, તા. ૯ : મોંઘવારી પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો સહિતના મુદ્દે કાલે કોંગ્રેસ દ્વારા અડધા દિવસનું બંધનું એલાન જાહેર કર્યુ છે. જેમાં રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છ જોડાશે.

મોરબી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તમામ રાજકીય પક્ષો હવે મતદાતાઓને રીઝવવા મેદાનમાં ઉતર્યા છે. ત્‍યારે હવે કોંગ્રેસે પણ વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. જેને પગલે આજે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્‍યું કે, ૧૦ સપ્‍ટેમ્‍બરે ગુજરાત બંધનું એલાન આપ્‍યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્‍યું છે. જેને પગલે હવે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ જયંતિલાલ જે. પટેલ દ્વારા પણ જિલ્લાના સર્વે નાગરિકોને આ ચળવળમાં જોડાવવા માટે અપીલ કરી હતી.

જેમાં જયંતિલાલ પટેલે જણાવ્‍યું હતું કે,છેલ્લા આઠ વર્ષથી કેન્‍દ્રમાં અને ગુજરાતમાં સત્‍યાવીસ વર્ષથી ભાજપ સરકારની પ્રજા વિરોધી નિતીઓને કારણે ભારત અને ગુજરાતમાં રહેતા ગરીબો, મજુરો, વેપારીઓ, નાના દુકાનદારો, નાના ઉધ્‍યોગકારો, કિશાનો, મધ્‍યમવર્ગનાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત પેટ્રોલ, ડીઝલ, ગેસ, મોંઘા થવાનાં કારણે મોંઘવારી ચરમ સીમાએ પહોંચી છે. ઉપરથી પ્રજાને રાહત આપવાની જગ્‍યાએ અનાજ, ઘઉંનો લોટ, દુધ, દહી, માખણ, પનીર, ગોળ, મધ જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્‍તુઓ ઉપર જી.એસ.ટી લગાવી પ્રજાનાં ઘા ઉપર મીઠું ભભરવાનું કામ કેન્‍દ્રની ભાજપ સરકારે કર્યું અને તેમના આ અસંવેદનશિલ અને સરમુખત્‍યારી કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારનાં અવિચારી અને પ્રજા વિરોધી નિર્ણયથી પ્રજાજનોની હાડમારીમાં ખુબજ વધારો થયો છે.તેવું તેમણે જણાવ્‍યું હતું

તેમણે અપીલ કરતા જણાવ્‍યું હતું કે, સરકાર દ્વારા થતી હેરાનગતિ, પરેશાની, મોંઘવારી આ બધાથી સમગ્ર ગુજરાતની પ્રજા પીડિત હોય, ત્‍યારે આ પીડિત પ્રજાના પ્રશ્‍નોને લઈને આ બંધનું કરવામાં આવ્‍યું છે. આ જન આંદોલનને સાથ આપવા તા.૧૦/૦૯/૨૦૨૨ને શનિવારના રોજ સવારે ૦૮ થી બપોરે ૧૨ વાગ્‍યા સુધી આંશિક બંધના એલાનનો અમલ કરી મોરબીના પ્રજાજનો, વેપારીઓ, દુકાનદારો, નાના ઉધ્‍યોગકારોને સરકારની પ્રજા વિરોધી નીતિઓ સામે આક્રોશ વ્‍યક્‍ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા અપીલ કરાઈ હતી.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : છેલ્લા આઠ વર્ષથી કેન્‍દ્ર ખાતે અને અઢી દાયકાથી રાજયમાં ભાજપની સરકારના પ્રજાવિરોધી શાસનથી પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. કોઇ પ્રજાલક્ષી નિર્ણયો લેવાને બદલે આપ સૌ જાણો જ છો તેમ ઘણી આવશ્‍યક ચીજવસ્‍તુઓ જેવી કે ઘઉંનો લોટ, મઘ, ગોળ, દૂધ, પેકિંગમાં મળતું અનાજ, વગેરે પર જીએસટીના કારણે તેના ભાવમાં વધારો થવાથી અને પેટ્રોલ-ડીઝલ-રાંધણ ગેસના ભાવવધારોને કારણે પ્રજાજનો પર મોંઘવારીનો અસહ્ય બોજ વધી રહ્યો છે. અત્‍યંત અસંવેદનશીલ અને સરમુખત્‍યારી ભાજપ સરકારના અવિચારી અને પ્રજાવિરોધ નિર્ણયો પ્રજાજનોની હાડમારીમાં વધારો કરી રહ્યા છે. વધુમાં દેશમાં ગ્રામીણ અને શહેરી બેરોજગારીમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ભાજપ સરકારની અવિચારી, વિવાદસ્‍પદ અગિ્નપથ જેવી યોજના પણ બેરોજગાર યુવાનોની આકાંક્ષાઓને પણ નષ્‍ટ કરી રહી છે.

કોંગ્રેસ પક્ષ સતત છેલ્લા કેટલાંય સમયથી અસહ્ય મોંઘવારી, બેરોજગારી અને પ્રજા વિરોધી નિતિઓ સામે આંદોલન ચલાવી રહ્યો છે. મોંઘવારી સામેની આ લડાઇને આગળ વધારવા કોંગ્રેસ પક્ષ દ્વારા દેશભરમાં તમામ મુખ્‍ય બજારો તેમજ અન્‍ય જાહેર સ્‍થળોઓએ મોંઘવારી પરહલ્લા બોલ કાર્યક્રમનું પણ આયોજન કરેલ હતું. વધુમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચના અનુસાર સરકારની પ્રજા વિરોધ નીતિ સામે તા. ૧૦ ને શનિવારે સવારના ૮ વાગ્‍યાથી ૧ર વાગ્‍યા સુધી મોંઘવારી અને બેરોજગારી સામે કોગ્રેસ પક્ષ દ્વારા ‘‘ગુજરાત સાંકેતિક બંધ''ના કાર્યક્રમનું તમામ કોંગ્રેસના આગેવાનોએ સ્‍થાનીક કક્ષાએ આયોજન કરવાનું નકકી કરેલ છે.

તો આ સાંકેતિક બંધના કાર્યક્રમનું સ્‍થાનીક કક્ષાએ જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ-મહિલા કોંગ્રેસ -એનએસ.યુ.આઇ. સહિત કોંગ્રેસ પક્ષના તમામ સેલ-ફ્રન્‍ટલના હોદેદારો, આગેવાનો તથા કાર્યકરોએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી આયોજન કરવા અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ અપીલ કરેલ છે.

(3:37 pm IST)