Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

કાલના 'બંધ'માં શાળા કોલેજો જોડાય : યુથ કોંગ્રેસ

રાજકોટ તા. ૯ : પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કાલે તા. ૧૦ ના શનિવારે બેરોજગારી, મોંઘવારી, ડ્રગ્સની ઘુસણખોરી સહીતના મુદ્દે બંધનું એલાન આપેલ છે. ત્યારે આ બંધમાં શાળા કોલેજો પણ જોડાય તેવી યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ઇન્ડિયન યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇના આગેવાનોએ જણાવ્યુ હતુ કે દરેક વર્ગને ર્સ્પશતા મુદ્દે આ લડત છે. ત્યારે શાળા કોલેજો પણ તેને સમર્થન આપે અને કાલે સવારથી બપોરે ૧ સુધી બંધ પાળે તેવી શાળા કોલેજના સંચાલકોને અમે અપીલ કરી છે. આ બંધ આંશિક બંધ છે.

ભાજપ સરકાર કમરતોડ ભાવ વધારા ઝીકી રહી છે. લોકો મોંઘવારીથી પીડાઇ રહ્યા છે. તેલ, પેટ્રોલ, ગેસ સહીતના ભાવ આસમાને પહોંચતા લોકોના ઘરનું બજેટ ખોરવાયુ છે. ત્યારે લોકોના અવાજને બુલંદ કરવા આ બંધનું એલાન અપાયુ હોય સૌ કોઇ બંધમાં જોડાઇ સમર્થન આપે તેવો અમારો અનુરોધ છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા ગુજરાત એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી આદિત્યરાજસિંહ ગોહીલ, જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ સાધરીયા, શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, એ.આઇ.સી.સી. ઇન્ચાર્જ વૈશાલીબેન શીંદે તેમજ મુકુંદ ટાંક, જયદીપ બોરીચા, શકિતસિંહ પરમાર વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:36 pm IST)