Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

આવજો બાપા, આવતા વર્ષે વહેલા પધારજો : મુર્તિ વિસર્જન સાથે ગણેશ મહોત્સવનું સમાપન

'ગણપતિ બાપા મોરીયા પુઢચ્યા વર્ષી લવકરીયા'ના નાદ અને બેન્ડની સુરાવલીઓ સાથે નિકળી વિસર્જન યાત્રા : ભારે હૈયે બાપાને વિદાય

રાજકોટ : દસ દસ દિવસથી ઉજવાઇ રહેલ ગણેશ મહોત્સવનું આજે મુર્તિ વિસર્જન કાર્યક્રમો સાથે સમાપન થયુ છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં આજે મુર્તિ વિસર્જન યાત્રાના આયોજનો થયા છે. ભાદરવી ચોથના સ્થાપન કરાયેલ ગણપતિ દાદાની મુર્તિ સમક્ષ દરરોજ પૂજા આરતી સહીત ભકિતસભર કાર્યક્રમો ચાલી રહ્યા હતા. જેને આજથી વિરામ અપાશે. આવતા વર્ષે ગણપતિ દાદાને ફરી પધારવાના નિમંત્રણ સાથે આજે વિદાય અપાઇ હતી. પંડાલોમાં બાપાની દરરોજ ભાવથી પૂજા અર્ચના કરતા ભાવિકો થોડી વાર માટે ગમગીન બની ગયા હતા. ઉથાપનની ઘડીથી લઇને મૂર્તિ વિસર્જન સમયે ભાવિકોની આંખો ભીની થઇ ગઇ હતી. રાજકોટમાં પણ વિવિધ સ્થળોએ ગણેશ સ્થાપન થયુ હતુ. એક દિવસ, ત્રણ દિવસ અને પાંચ દિવસના મહોત્સવનોના સમાપન થઇ ગયા બાદ જયાં દસ દિવસીય આયોજનો થયા હતા. ત્યાં પણ આજે મુર્તિ વિસર્જન સાથે સમાપન કરવામાં આવેલ. ઢોલ અને બેન્ડ પાર્ટીની સુરાવલી સાથે નાચતા કુદતા અબીલ ગુલાલની છોળો ઉડાવી ભાવિકોએ આ વિસર્જન યાત્રા યોજી હતી. પોલીસ બંદોબસ્ત અને મહાનગરપાલીકાના ફાયર સ્ટાફની મદદથી રાજકોટમાં નિયત કરાયેલા સ્થળો પર આજે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:43 pm IST)