Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

પત્‍નિએ કરેલા કેસને કારણે થતાં કોર્ટના ધક્કાથી કંટાળી પરિક્ષીત ભટ્ટનો આપઘાત

માંગરોળના બ્રાહ્મણ યુવાને રાતે ઝેર પી લેતાં રાજકોટમાં દમ તોડયોઃ ચાર વર્ષથી રિસામણે બેઠેલી પત્‍નિ પુત્રને મળવા પણ દેતી ન હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૯: માંગરોળની છાપરા સોસાયટીમાં રહેતાં પરિક્ષીતભાઇ અરવિંદભાઇ ભટ્ટ (ઉ.૩૮) નામના બ્રાહ્મણ યુવાને મોડી રાતે ઝેરી દવા પી લેતાં માંગરોળ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પત્‍નિએ કરેલા કેસને કારણે કોર્ટના સતત ધક્કા થતાં હોઇ કંટાળીને પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.

પરિક્ષીતભાઇ ભટ્ટે રાત્રીના બે વાગ્‍યે ઝેર પી લેતાં માંગરોળ સારવાર અપાવી જુનાગઢ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. વધુ સારવાર માટે સવારે રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે માંગરોળ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર પરિક્ષીતભાઇ બે ભાઇમા નાના હતાં અને માંગરોળમાં શ્રી શણગાર નામે રેડીમેઇડ કપડાનો શો રૂમ ચલાવતાં હતાં. તેના મોટા ભાઇએ જણાવ્‍યું હતું કે પરિક્ષીતના લગ્ન વંદના સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્ર છે. ચારેક વર્ષથી  વંદના રિસામણે છે અને પુત્ર પણ તેની પાસે છે. તેણીએ વેરાવળ મહિલા પોલીસમાં કેસ કર્યો હોઇ અને તે કારણે વેરાવળ કોર્ટની તારીખ પડતી હોઇ સતત ધક્કા ખાઇ ખાઇને પરિક્ષીત કંટાળી ગયો હતો. છેલ્લી મુદ્દતમાં તો વંદનાના વકિલ મારફત પણ પરિક્ષીતને ભરણપોષણ બાબતે કડવા શબ્‍દો કહેવાતાં તેને દુઃખ લાગ્‍યું હતું. આ ઉપરાંત દિકરાને પણ મળવા દેવામાં આવતો ન હોઇ તે કંટાળી જતાં આ પગલુ ભરી લીધાની શક્‍યતા છે. માંગરોળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:06 am IST)