Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ભીક્ષાવૃતિ કરવા નીકળેલા વાંકાનેરના ચંપાડોસી બેભાન મળ્‍યાઃ કાનમાંથી સોનાના બૂટીયા ગૂમ

૮૦ વર્ષના વૃધ્‍ધા મોડી રાતે વાંકાનેર હાઇવે પરથી મળતાં કોઇ હોસ્‍પિટલમાં દાખલ કરી ગયું: કોઇએ કંઇ પીવડાવી લૂંટ કર્યાની શંકાઃ રાજકોટમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૯: વાંકાનેરના રોયલ પાર્ક શેરી નં. ૩ પાસે રહેતાં વૃધ્‍ધા ચંપાબેન લાખાભાઇ સોલંકી (ઉ.૮૦) ગઇકાલે ઘરેથી ભીક્ષાવૃતિ કરવા નીકળ્‍યા બાદ મોડી રાતે હાઇવે પરથી બેભાન મળતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. તેમના કાનામાંથી સોનાના બુટીયા ગાયબ હોઇ કોઇએ લૂંટ કરી લીધાની શંકા દર્શાવાઇ છે.

ચંપાબેન સોલંકી (તુરી બારોટ) (ઉ.વ.૮૦)ને મોડી રાતે બેભાન હાલતમાં વાંકાનેર હાઇવે પરથી કોઇ ત્‍યાંની હોસ્‍પિટલમાં દાખલ કરી જતાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. માજીને બે દિકરા અને એક દિકરી છે. જેમાં એક દિકરો વિકલાંગ છે, બીજો મજૂરી કરે છે. પોતે ઘરમાં મદદરૂપ થવા ગઇકાલે ભીક્ષાવૃતિ કરવા નીકળ્‍યા હતાં. પરંતુ મોડી સાંજ સુધી પરત ન આવતાં શોધખોળ શરૂ થઇ હતી. દરમિયાન તેમને કોઇ વાંકાનેર હોસ્‍પિટલમાં દાખલ કરી ગયાની જાણ થતાં પરિવારજનો ત્‍યાં પહોંચ્‍યા હતાં.

ત્‍યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. વૃધ્‍ધાના કાનમાંથી સોનાના બુટીયા ગાયબ હોવાનું પરિવારજનોએ જણાવ્‍યું હતું. વૃધ્‍ધાને કોઇએ કંઇ પીવડાવી બેભાન કરી બુટીયા કાઢી લીધા કે અન્‍ય કંઇ બન્‍યું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વૃધ્‍ધા ભાનમાં આવ્‍યે વધુ વિગતો બહાર આવશે.

(11:04 am IST)