Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

કોરોનામાં માતાને બચાવી ન શક્‍યાની ચિંતામાં સાજીદભાઇએ જિંદગી ટુંકાવી

સદર બજારના યુવાને એસિડ પી લેતાં ત્રણ હોસ્‍પિટલોમાં સારવાર લીધી પણ જીવ ન બચ્‍યોઃ જિંદાણી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૯: સદર બજાર ધોબીવાડમાં જુમ્‍મા મસ્‍જીદ નજીક રહેતાં સાજીદભાઇ (સર્જક) અહેમદભાઇ જિંદાણી (ઉ.વ.૪૫)એ એસિડ પી લેતાં અલગ અલગ ત્રણ હોસ્‍પિટલમાં સારવાર અપાવાઇ હતી. પરંતુ ગત સાંજે તેમનું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. તેમના માતાનું કોરોનામાં મૃત્‍યુ થયું હોઇ પોતે જે તે વખતે પોતાની પાસે રૂપિયા હોવા છતાં ઓક્‍સિજનની વ્‍યવસ્‍થા કરી શક્‍યા ન હોઇ તે કારણે માતાનું મૃત્‍યુ થયું હોઇ તે કારણે સતત ચિંતા થતી હોવાથી આ પગલુ ભર્યાનું બહાર આવ્‍યું હતું.

સાજીદભાઇ જિંદાણીએ તા. ૩ના સવારે એસિડ પી લેતાં ત્રણ જુદી જુદી હોસ્‍પિટલોમાં સારવાર અપાવાઇ હતી. બાદમાં ઘરે સારવાર લઇ રહ્યા હતાં. એ દરમિયાન ગત સાંજે ફરી તબિયત લથડતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ સારવાર કારગત નિવડી નહોતી. પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.

સાજીદભાઇ અગાઉ સદર બજારની હોટેલનું સંચાલન કરતાં હતાં. થોડા સમય પહેલા આ હોટેલ વેંચી નાખી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું કે સાજીદભાઇના માતાને મહામારી સમયે કોરોના થયો હતો. તે વખતે તેમને ઓક્‍સિજન આપવાની જરૂરીયાત ઉભી થઇ હતી. પોતે આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ઓક્‍સિજનની વ્‍યવસ્‍થા કરી શક્‍યા નહોતાં. એ કારણે માતાનું મૃત્‍યુ થયું હતું. ત્‍યારથી તેમને આ બાબતે સતત અફસોસ રહેતો હતો અને ચિંતામાં રહેતાં હોઇ આ કારણે ડિપ્રેશનમાં આવી જઇ એસિડ પી લીધુ હતું. બનાવને પગલે જિંદાણી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(11:08 am IST)