Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

હનુમાન મઢી પાછળ શિવપરામાં પરેશ સોલંકીનો ગળાફાંસો ખાઇ આપઘાત

દેવીપૂજક યુવાન કેટલાક સમયથી બકાલુ વેંચવા જવાનું બંધ કરી ઘરમાં જ રહેતો હતોઃ કારણ અકળઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૯: રૈયા રોડ પર હનુમાન મઢી પાછળ શિવપરા-૬માં રહેતાં પરેશ હરસુખભાઇ સોલંકી (દેવીપૂજક) (ઉ.વ.૨૬) નામના યુવાને ઘરમાં ભીંતમાં ખુંચાડેલા મોટા ખીલામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પરેશે સાંજે આઠેક વાગ્‍યે ફાંસો ખાઇ લીધો હતો. ઉપરના માળે રમી રહેલા છોકરા નીચે આવતાં બનાવની જાણ થઇ હતી. તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર પરેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને પત્‍નિ સાથે બકાલુ વેંચતો હતો. કેટલાક દિવસથી તેણે બકાલુ વેંચવા જવાનું બંધ કરી દીધુ હતું અને ઘરમાં જ પુરાઇ રહેતો હતો. ગઇકાલે સાંજે ઘરે કોઇ નહોતું ત્‍યારે અકળ કારણે આ પગલુ ભરી લીધું હતું. તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ગાંધીગ્રામ પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(11:08 am IST)