Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

મતદાન માટે ટ્રાન્‍સજેન્‍ડર્સમાં જોવા મળતો અનેરો ઉત્‍સાહઃ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા. ૮: લોકશાહીનો પર્વ એટલે કે વિધાનસભા સામાન્‍ય ચૂંટણી - ૨૦૨૨ની ચૂંટણીના અવસર પર દરેક વ્‍યક્‍તિ મતદાન આપી શકે તે માટે ભારત સરકારના ચૂંટણીપંચની સૂચના અનુસાર મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અન્‍વયે આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્‍યક્ષ સ્‍થાને ટ્રાન્‍સજેન્‍ડર્સના મતાધિકાર માટે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે ૪૦ જેટલા ટ્રાન્‍સજેન્‍ડર્સ માટે મતદારયાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધાર કાર્ડ લીંક સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ અવસરે કલેકટરે જણાવ્‍યું હતું કે, સરકાર દ્વારા દેશનો દરેક નાગરિક મતદાન કરી શકે એ માટે ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. લોકશાહીને મજબૂત કરવામાં ટ્રાન્‍સજેન્‍ડર્સ કોમ્‍યુનિટીના મતનું એટલું જ મહત્‍વ છે. તેથી આપ સૌ મતદાન કરો અને અન્‍યને પણ મતદાન કરવા માટે જાગૃત કરો.

લોકશાહીને સુદ્રઢ બનાવવા મતદાન કરીને લોકોની જનભાગીદારી ખૂબ જરૂરી એવો વિશ્વાસ વ્‍યક્‍ત કરતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચરે કહ્યું હતું કે, મતદાન માટે પાયાની કામગીરી છે મતદાર યાદીમાં નામ હોવું. કોઈપણ વ્‍યક્‍તિ મતદાન માટે બાકાત ન રહી જાય તે માટે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાન્‍સજેન્‍ડર્સ માટે ખાસ આયોજન કરવામાં આવ્‍યું છે. સરકાર દ્વારા નો વન લેફટ બિહાઈન્‍ડ' ના મંત્રને અનુસરીને ૧ ઓક્‍ટોબર,૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ પુરા થતા હોય તેવા લોકો પણ મતદાન કરી શકે એ માટે જરૂરી સુધારા કર્યા છે. વધુમાં શ્રી ખાચર દ્વારા મતદારયાદી સુધારણા માટેના ફોર્મ વિશેનું જ્ઞાન આપ્‍યું હતું તેમજ નજીકના બુથ લેવલ અને મામલતદાર કચેરીમાં પણ ચૂંટણી કાર્ડ અનુલક્ષીને સેવાઓનો લાભ લઈ શકે છે તેમ જણાવ્‍યું હતું.

આ તકે ૪૦ જેટલા ટ્રાન્‍સજેન્‍ડર્સે લોકોને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમજ કલેકટર સાથે સેલ્‍ફીબુથ ઉપર ફોટો પડાવ્‍યો હતો અને ટ્રાન્‍સજેન્‍ડર્સના ઉત્‍કર્ષ માટે કામ કરતા કૃષ્‍ણલીલા પટેલે જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્‍યો હતો. વધુમાં ટ્રાન્‍સજેન્‍ડર્સ કોમ્‍યુનિટી માટે કામ કરતા લક્ષ્ય ટ્રસ્‍ટ રાજકોટના પ્રોજેકટ મેનેજર હુસેનભાઈ ઘીણીયાંએ ટ્રસ્‍ટની કામગીરીનો અહેવાલ જણાવ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા બાળ વિકાસ અધિકારી મિત્‍સુબેન વ્‍યાસે કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગોસ્‍વામી, નાયબ મામલતદાર ધીરેન્‍દ્ર પુરોહિત, મામલતદાર મહેશ દવે સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:48 pm IST)