Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

નેશનલ ગેમ્‍સનો માહોલ જમાવવા મહાનગરપાલિકા દ્વારા તા.૧૫ થી ૧૮ સ્‍પોર્ટસ કાર્નિવલનું મદમસ્‍ત આયોજન

સાયકલોથોન, ફાસ્‍ટ વોકીંગ, ફનરન, ઝુમ્‍બા ઇવેન્‍ટ સહીતના આયોજનઃ વેબસાઇટ પર નામ નોંધણી

રાજકોટ, તા.૮: ૨૭-સપ્‍ટેમ્‍બરથી તા.૧૦ ઓક્‍ટોબર દરમ્‍યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્‍સ ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્‍પોર્ટસ અને ફિટનેસ પ્રત્‍યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્‍સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન સ્‍પોર્ટસ કાર્નિવલનું ભવ્‍ય આયોજન કરાયુ છે. નેશનલ ગેઇમ્‍સ, ગુજરાત -૨૦૨૨ની વિવિધ સ્‍પોર્ટસ સ્‍પર્ધાઓ ગુજરાતના જુદાજુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્‍પોર્ટસ હોકી અને સ્‍વિમિંગની સ્‍પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્‍સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્‍યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૧૫ થી ૧૮ સપ્‍ટેમ્‍બર  દરમ્‍યાન શહેરમાં યોજાનાર સ્‍પોર્ટ્‍સ કાર્નિવલ'માં શહેરીજનો માટે અલગ અલગ સ્‍પોર્ટ્‍સ યોજવામાં આવશે જેમાં મોટી સંખ્‍યામાં શહેરીજનો જોડાય તેવી મેયરશ્રી ડો. પ્રદિપ ડવ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ, મ્‍યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ અપીલ કરી હતી.

તા.૧૫નાં સવારે ૬:૩૦ કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતેથી સાયક્‍લોથોનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૨ રૂટ રાખવામાં આવેલ છે, એક ૨૫ કી.મી. અને બીજો ૩ કી.મી. આના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી તા.૯ થી ૧૩ સપ્‍ટેમ્‍બર સુધીમાં રજીસ્‍ટ્રેશન કરવાનું રહેશે. સાયક્‍લોથોન ઇવેન્‍ટ રાજકોટ મહાનગરપાલિકા અને Rajkot Randonneursનાં સહયોગથી કરવામાં આવશે.

તા.૧૬નાં સવારે ૬:૩૦ કલાકે એથલેટિક્‍સ ગ્રાઉન્‍ડ, રેસકોર્ષ ખાતે માત્ર એથલેટિક્‍સનાં સભ્‍યો માટે ફાસ્‍ટ વોકિંગ ઇવેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં માત્ર એથલેટિક્‍સ ગ્રાઉન્‍ડનાં મેમ્‍બરો જ ભાગ લઈ શકશે.

તા.૧૭નાં સવારે ૭:૩૦ કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતેથી ફનરન ઇવેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રેસકોર્ષ રીંગ રોડ ફરતે ફનરન કરવામાં આવશે. આ ઇવેન્‍ટમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી તા. ૯ થી ૧૬ સપ્‍ટેમ્‍બર સુધીમાં રજીસ્‍ટ્રેશન કરવાનું રહેશે. આ ઇવેન્‍ટ રાજકોટ મહાનગરપાલિકા અને રનર્સ એસોસિએશનનાં સહયોગથી યોજવામાં આવશે.

તા.૧૮નાં રોજ સવારે ૬:૩૦ કલાકે રેસકોર્ષ રીંગ રોડ, મેયરશ્રીના બંગલાની સામે ઝુમ્‍બા ઇવેન્‍ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ઇવેન્‍ટ રાજકોટ મહાનગરપાલિકા સાથે વિવિધ જિમના સંસ્‍થાઓ સાથે જોડાશે.

 આગામી તા.૧૫ થી ૧૮ સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન યોજવામાં આવેલ સ્‍પોર્ટ્‍સ કાર્નિવલમાં વધુને વધુ સંખ્‍યામાં શહેરીજનો જોડાય અને સ્‍પોર્ટ્‍સમાં ભાગ લ્‍યે તેમ મેયરશ્રી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેનશ્રી, મ્‍યુનિ. કમિશનરશ્રી અને સમાજ કલ્‍યાણ સમિતિના ચેરમેનશ્રીએ જણાવ્‍યું છે.

(4:42 pm IST)