Gujarati News

Gujarati News

News of Friday, 9th September 2022

ખૂંટીયાએ ઢીંકે ચડાવી ફૂટબોલની જેમ ઉલાળતા ઘવાયેલા ૯૩ વર્ષના ગોપાલભાઇ પટેલનું મોત

શેરીમાં ખૂંટીયો તોફાને ચડયો હોઇ ત્રણેક મહિલાઓ બચવા માટે પટેલ વૃધ્‍ધની ડેલીમાં આવતાં વૃધ્‍ધ તેમની મદદ માટે લાકડી લઇ ખૂંટીયાને તગડવા ગયા'તાઃ પાંચ દિવસની સારવારને અંતે દમ તોડયોઃ ગોંડલનો બનાવ

રાજકોટ તા. ૮: શેરીઓમા અને રસ્‍તાઓ પર રખડતાં ઢોરનો ત્રાસ ખુબ વધ્‍યો છે. રાજકોટ જેવા શહેરમાં તો મહાનગર પાલિકાની ખાસ ટીમો રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા ઝુંબેશ ચલાવી રહી છે. આ દરમિયાન રાજકોટ જીલ્લાના ગોંડલમાં એક ખૂંટીયાએ પટેલ વૃધ્‍ધને ઢીંકે ચડાવી ફૂટબોલની જેમ ઉલાળતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું છે. શેરીમાં ઉભેલા ખૂંટીયાથી બચવા ત્રણેક મહિલાઓ પટેલ વૃધ્‍ધના ઘરની ડેલીમાં આવી જતાં તેમની મદદ કરવા વૃધ્‍ધ લાકડી લઇ ખૂંટીયાને દૂર તગડવા આવ્‍યા હતાં. આ વખતે ખૂંટીયાએ તેમને ઢીંકે ચડાવી દીધા હતાં. પાંચ દિવસની સારવારને અંતે તેમણે રાજકોટમાં દમ તોડયો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલ મોટી બજાર દરબાર ચોકમાં રહેતાં ગોપાલભાઇ મેઘજીભાઇ આરદેસણા (પટેલ) (ઉ.વ.૯૩) તા. ૩ના પોતાના ઘરમાં હતાં ત્‍યારે શેરીમાંથી પસાર થઇ રહેલા ત્રણેક બહેનો દોડીને તેમની ડેલીમાં આવી ગયા હતાં. ગોપાલભાઇએ તેઓને શું થયું? તેમ પુછતાં આ બહેનોએ બહાર ખૂંટીયો તોફાને ચડયો હોઇ તેનાથી બચવા માટે આવ્‍યાનું કહેતાં ગોપાલભાઇ એ બહેનોને ડેલીમાં જ રહેવાનું કહીને લાકડી લઇને ખૂંટીયાને તગડવા માટે બહાર આવ્‍યા હતાં અને તેમણે ખૂંટીયા પર લાકડી ઉગામી પણ હતી. એ દરમિયાન ખૂંટીયા ભાગવાને બદલે તેમના તરફ ફરી ગયો હતો અને તેમને ઢીંકમાં લઇ ફૂટબોલની જેમ ઉલાળતાં તેઓ ઉંચે ઉલળી નીચે પટકાતાં ગંભીર ઇજા થઇ હતી.

એ દરમિયાન બીજા લોકો દોડી આવ્‍યા હતાં અને ખૂંટીયો ભાગી ગયો હતો. ગોપાલભાઇને સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમનું અહિ પાંચ દિવસની સારવારને અંતે મૃત્‍યુ નિપજતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો. ગોપાલભાઇને સંતાનમાં બે પુત્રી અને ચાર પુત્ર છે. તેઓ એક પુત્રી સાથે ગોંડલમાં રહેતાં હતાં. તેમના અન્‍ય સંતાનો રાજકોટ રહે છે. ઘટના કઇ રીતે બની હતી તેના સીસીટીવી ફૂટેજ પરિવારજનને મળ્‍યા હતાં. તસ્‍વીરમાં ગોપાલભાઇ પોતાની ડેલીમાંથી બહાર આવ્‍યા બાદ ખૂંટીયાને તગડે છે અને બાદમાં તેમને ઉલાળી દેવામાં આવે છે (રાઉન્‍ડ કર્યુ છે તે) દ્રશ્‍યો જોવા મળે છે.

(3:29 pm IST)