Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

એકતાના આશિર્વાદરૂપ તાજીયા માતમમાં: ચોતરફ હુસૈની રંગ

આજે રાત્રિના તાજીયા જૂલુસ રૂપે ફરી સવારે વિરામ લેશેઃ કાલે બપોરે ફરી જૂલુસ રૂપે ફરીને કાલે રાત્રિના વિસર્જીત થશે : કરબલાના શહીદોની યાદમાં મનાવાતો મહોર્રમ માસઃ કાલે સૌરાષ્ટ્રભરમાં 'આશૂરાહ' પર્વ ઉજવાશે : સવારે કબ્રસ્તાનમાં 'શ્રાધ્ધતર્પણ' માટે મુસ્લિમો ઉમટી પડશેઃ આજે અને કાલે રોઝાઃ મસ્જિદોમાં આજે અને કાલે રાત્રે કુઆર્ન પઠનઃ સવારે વિશેષ નમાઝ, સુખ-સમૃદ્ધિ અને શાંતિ અર્થેની મંગાશે દુઆઓઃ એકબીજાને કરાશે ક્ષમા યાચના : રાજકોટમાં તાજીયા જૂલુસ માટે SRP ની ટૂકડી ત્થા ૪૦૦ જેટલા પોલીસમેનો દ્વારા બંદોબસ્તઃ ઝોન-૧માં ૧૦૯ સહિત ૧પ૦ જેટલા બનેલા તાજીયા

આકર્ષક તાજીયા પડમાં: મહોર્રમ નિમિતે શહીદોની સ્મૃતિમાં બનેલા તાજીયા આજે સાંજે પડમાં આવ્યા છે. જે પૈકી શહેરી વિસ્તારની લાઇન દોરીમાં ફરનારા તાજીયા પૈકી (૧) સૈરાની કમિટી (ર) રામનાથપરા પોલીસ લાઇન અને (૩) એલકેએલ કમીટીનો તાજીયો બાબાખાન પઠાણ દ્વારા મળેલી તસ્વીરોમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૯ :. ઈસ્લામ ધર્મના મહાન શહીદોની સ્મૃતિમાં હાલમાં મનાવવામાં આવી રહેલ મહોર્રમ માસમાં ખાસ કરીને કરબલાના શહીદોની સ્મૃતિમાં રચાયેલા 'તાજીયા' આજે સાંજે ઈમામખાનામાંથી બહાર આવી જાહેરમાં પોતપોતાના માતમમાં આવી જઈ રાત્રિના ગામેગામ જૂલુસ રૂપે ફરનાર છે અને આવતીકાલે ઈસ્લામ ધર્મનો મહત્વનો દિવસ ૧૦મી મહોર્રમ એટલે કે 'આશૂરાહ' મનાવવામાં આવનાર છે.

૧૩૮૦ વર્ષ પહેલા ઈરાક દેશના કરબલા શહેરમાં ઈસ્લામ ધર્મના સ્થાપક પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબએ ધર્મની સત્યતાના કાજે પોતાના સાથીદારો સાથે ભવ્ય બલિદાન આપ્યુ હતુ જેની યાદમાં છેલ્લા ૧૦ દિ'થી ચાલી રહેલી હુસૈની મજાલિસોની આજે રાત્રિના પૂર્ણાહૂતિ થશે એ સાથે આજે રાત્રિના આશૂરાની રાત્રિ મનાવવામાં આવશે.

ખાસ કરીને તાજીયા આજે આખી રાત ફરશે અને કાલે દિવસના ફરી આવતીકાલે રાત્રે વિસર્જીત થશે. ૧૩૮૦ વર્ષ પહેલાની આ ઘટનામાં ગામેગામ મહોર્રમ માસ મનાવાઈ રહ્યો છે અને ખાસ કરીને કાલે આશૂરાહ સૌરાષ્ટ્રભરમાં મનાવવામાં આવશે.

આ ઉપરાંત કરબલાના ૭૨ શહીદોની યાદમાં ઠેર ઠેર જાહેરમાં સબિલો રચવામાં આવી છે તેના દ્વારા અમીર-ગરીબ સૌને વિના ભેદભાવે પાણી, સરબત, કોલ્ડ્રીંકસ, પ્રસાદ, નિયાઝ વિતરણ કરવામાં આવેલ છે અને રોશનીના ઝળહળાટ સાથે મુસ્લિમ વિસ્તારો હુસૈની રંગમાં રંગાઈ ગયા છે.

મહોર્રમ નિમિતે કેટલાક મુસ્લિમ ભાઈ-બહેનો ૧૦ દિ'ના રોઝા રાખી રહ્યા છે. તેમા પણ અનેક ભાઈ-બહેનો આજે અને કાલે બે દિ'ના રોઝા રાખશે અને કાલે ૧૦મી મહોર્રમ ઈસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ હોય 'આશૂરા'ના દિવસે મુસ્લિમ બિરાદરો સવારે વિશેષ નમાઝ પઢશે અને કબ્રસ્તાનોમાં ઉમટી પડી શ્રાદ્ધ તર્પણ કરશે.

રાજકોટમાં અંદાજે ૧૯૦ જેટલા તાજીયા બન્યા છે. આ તમામમાં રાજકોટના જાણીતા વિશાળ મુસ્લિમ બહુમતવાળા જંગલેશ્વર વિસ્તારના રઝાનગરમાં બનેલા ૫૦ જેટલા તાજીયા જૂલુસ રૂપે ફરતા નથી અને સતત ૧૯માં વર્ષે પણ તાજીયા પોતપોતાના વિસ્તારના માતમમાં જ રહેશે.

જો કે જાહેર નિયાઝના ભરપૂર વિતરણ ઉપરાંત આજે અને કાલે રોઝા રાખવાના લીધે બે દિ' સવાર-સાંજ ઈફતારી અને સહેરીના પણ જાહેર કાર્યક્રમો યોજાયા છે.

ઠેર-ઠેર હિન્દુ-મુસ્લિમોને ભારે માત્રામાં પ્રસાદ વિતરણ થઈ રહ્યુ હોય ભાઈચારા અને કોમી એકતાના ભવ્ય દર્શન થઈ રહ્યા છે તો અનેક હિન્દુ ભાઈ-બહેનો પણ તાજીયાના દર્શન કરી માનતાઓ પુરી કરી રહ્યા છે

સદરમાં વાઅઝ

મહોર્રમ નિમિતે લતેલતે હુસૈની મજલિસો ચાલી રહી છે એ રીતે સદર જુમ્આ મસ્જીદ ચોકમાં મૌલાના હાફિઝ હાજી અકરમખાન પઠાણ તકરીર કરી રહ્યા છે.

ન્યાઝે હુશેન શબિલ નુરે ઇલાહી મિલાદ પાર્ટી

ભોમેશ્વર વાડી મેઇન રોડ શ્રીનાથજી ડેરી સામે આવેલ ન્યાઝે હુશેન સબિલમાં હઝરત ઇમામ હુશેનની યાદમાં હુશૈની નૌજવાનો બુખારી શાહિલબાપુ, કાદરી શાહિદબાપુ બુખારી અબાસબાપુ પટણી, મહમદભાઇ સીદીભાઇ, સંધી યુસુફભાઇ ફારૂકભાઇ જમાલભાઇ, તૌસિફભાઇ, પઠાણ ફિરોજભાઇ, લાલાભાઇ સુમરા, બેંકવાળા ચેતનભાઇ (શ્રીનાથજી ડેરી), આનંદભાઇ સુમરા સુભાનભાઇ, એસ.ટી. કંડકટર મીર સલીમભાઇ, ઇકબાલભાઇ એડવોકેટ પિંજારા હબીબભાઇ (એ.એસ.આઇ.) પટણી અમનભાઇ, અધામ યુસુફભાઇ, મીર, શબીરભાઇ તબલા વાદક તથા જમાતના સર્વે ભાઇઓ દ્વારા દરરોજ સાંજના ન્યાઝ તથા સરબતનું વિતરણ કરવામાં આવેલ છે.

કોઠારીયા કોલોનીના તાજીયા ''મંજુરી-ઇલાહી''નામથી પ્રખ્યાત

કોઠારીયા કોલોની મંજુરે ઇલાહી ચોકમાં તાજીયા છેલ્લા ૬૦ વર્ષથી નિર્માણ કરવામાં આવે છે. આ વર્ષ મંજુરે-ઇલાહી તાજીયા કમીટી દ્વારા ૬૦મો રેડ અને ગ્રીન કલાત્મક તાજીયાનું નિર્માણ કરેલ છે. સાંજે ૬ કલાકે તાજીયા પડમાં આવશે. કોઠારીયા કોલોનીના તાજીયા મંજુરે-ઇલાહીના નામથી પ્રખ્યાત છે. કોઠારીયા કોલોનીમાં રોશનીનો શણગાર તેમજ સબીલનું આયોજન કરેલ છે. આજે રાત્રે આમ ન્યાજ અને ધમાલ પાર્ટી દ્વારા હેરત અંગેજ દાવ રજુ કરવામાં આવશે. ત્યારબાદ હિન્દુ-મુસ્લિમ બિરાદરોનું મંજુરે-ઇલાહી કમીટી દ્વારા સન્માન કરવામાં આવશે. આ વિસ્તારના તાજીયા હિન્દુ-મુસ્લિમ એકતા કોમી ભાઇચારા સમાન છે. શ્રધ્ધાળુઓ દ્વારા ગોળ, ફુલ, ગુલાબ, અગરબતી, નાળીયેર, સાકર, પેંડા ચડાવીને પોતપોતાની માનતા પુરી કરશે. સોમવારે રાત્રે તાજીયા રાત્રે એક વાગે પરંપરાગત ઝુલુસમાં જોડાશે અને માતમમાં રહેશે. આ સાથે ''યા હુસેનનના નારા ગુંજી ઉઠશે.''

કોઠારીયા કોલોનીના તાજીયાના દિદાર કરવા શ્રધ્ધાળુઓને મંજુરે ઇલાહી તાજીયા કમીટીના રઝાકબાપુ પીરઝાદા, અકતરબાપુ બુખારી, નુરૂબાપુ પીરઝાદા, અનુબાપુ પીરઝાદા, સબીરભાઇ સવાણ, અશરફભાઇ વિંધાણી, કાસમભાઇ રાઉમા, અબજલભાઇ રાઉમા, ઇકબાલભાઇ ઠાસરીયા, મકબુલભાઇ ચૌહાણ, ચીરાગભાઇ મીસ્ત્રી, હનીફ પતાણી, અબુભાઇ, અસ્લમભાઇ સવાણ, અજરૂબાપુ, ચિરાગ રાઉમા, અસ્લમભાઇ શાહમદાર, ફિરોઝભાઇ મેમણ, હારૂનભાઇ રાઉમા, કરીમભાઇ, દાઉદભાઇ, અમીત રાઉમા, સલીમભાઇ, ચીકાભાઇ એ અનુરોધ કર્યો છે. તેમ મંજુરે-ઇલાહી તાજીયા કમીટીની યાદીમાં જણાવેલ છે.

સદર વિસ્તારના તાજીયા જૂલુસનો બે દિ'નો રૂટ

રાજકોટઃ સદર વિસ્તારમાં ૧૫ જેટલા તાજીયાઓનું નિર્માણ થયુ છે. જેમાં નહેરૂનગર, લક્ષ્મીનગર, રૈયા સહિતના વિસ્તારોના તાજીયાઓનો સમાવેશ થાય છે. આ તમામ તાજીયાઓ આજે સાંજે ૬ વાગ્યા આસપાસ ઈમામખાનામાંથી બહાર આવી જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકાશે. જે તાજીયાઓ પોતપોતાના વિસ્તારમાંથી નિકળી રાત્રીના ફુલછાબ ચોકમાં એકત્ર થશે.

અહીંથી એકત્ર થઈ રાત્રીના ૧૨ વાગ્યાથી જૂલુસ રૂપે આગળ વધશે અને ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, બેન્ક ચોક, જ્યુબેલી ચોક, કબ્રસ્તાન રોડ, હરીહર ચોક, સદર બજાર મેઈન રોડ થઈ પરત વહેલી સવારે પોતપોતાના મુકામે પહોંચશે.

જ્યારે કાલે મંગળવારે બપોરે ફરી એજ રીતે ચાલી ફુલછાબ ચોકમાં સાંજે એકત્ર થઈ ઉપર મુજબના નિયત રૂટ ઉપર ચાલી રાત્રીના ૧ વાગ્યે પરત ફુલછાબ ચોકમાં પહોંચી સમાપ્તી જાહેર કરશે.

શહેરી વિસ્તારની લાઇનદોરી આજે રાત્રીનો રૂટ

રાજકોટઃ રાજકોટ શહેર વિસ્તારમાં પણ તાજીયાનું જબરૂ જુલુસ નિકળે છે. આ પૈકીના તમામ તાજીયાઓ આજે રાત્રીના ૧૨ વાગ્યે પોતપોતાના માતમમાંથી ઉઠીને જીલ્લા ગાર્ડન ચોક પાસે રાત્રીના બે વાગ્યે પહોંચશે. અને સામા કાંઠા વિસ્તારના તાજીયા રામનાથ પરા જેલના ઝાપાપાસે રાત્રે બે વાગ્યે  પહોચશે અને ત્યાંથી તમામ તાજીયા રામનાથ પરા  થઇ કોઠારીયા નાકા ચોક ઉપર જમા થશે.

જ્યાંથી બે લાઇન દોરીનું વિભાજન થશે. જેમા એક લાઇન દોરી સોની સોની બજારની છે અને બીજી પેલેસ રોડ ઉપરની છે.  અને રાત્રે ૪ વાગ્યે આ લાઇન દોરીઓમાં  તાજીયા સવારે પરત પોતાના માતમમાં આવી જશે.

કાલે દિવસનો રૂટ

શહેરી વિસ્તારના તાજીયા કાલે બપોરના ૨.૩૦ વાગ્યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્યે એકત્ર થશે અને રામનાથ પરા જેલના ઝાપા પાસે ૫.૩૦ વાગ્યે આવશે.

સાંજે ૬.૩૦ વાગ્યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે. કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્યે આવશે. ત્યાંથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોની બજારમાં જશે. બીજી લાઇનદોરી પેલેસ રોડ ઉપર જશે. સ્વામીનારાયણ મંદિરના ચોક  પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્યા પહોચશે.૯ વાગ્યે આશાપુરા મંદિર પાસે પહોચશે. ૧૦ વાગ્યે સંતોષ ડેરી પાસે પહોચશે. ત્યાંથી આ તાજીયાઓનુ વિસર્જન થશે. ત્યાંથી આ લાઇન દોરીમાં અલગ-અલગ વિસ્તારમાં પરત ફરશે અને  રાત્રીના ૧૨ વાગ્યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્તારમાં પહોંચી પોતપોતાના ઈમામ ખાનાઓમાં ટાઢા થશે.

(4:18 pm IST)