Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

આઠમના તહેવારોમાં જાહેર સ્થળો ઉપર ફરવાની મનાઈ

રાજકોટ શહેર પોલીસ કમિશનર લગાવ્યો પ્રતિબંધ : પહેલા રાજકોટ જિલ્લા કલેકટરે પણ કેટલાક જાહેર સ્થળો પર તહેવારના દિવસો અંતર્ગત કરવા પર પ્રતિબંધ લાદ્યો

રાજકોટ, તા.૯ : સાતમ-આઠમના તહેવારને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેર સ્થળો પર ફરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજકોટ શહેરના આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી તળાવ, અટલ સરોવર, રેસકોર્સ સહિતના સ્થળો પર પાબંધી લાદવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજકોટ જિલ્લા કલેકટર જિલ્લામાં પણ કેટલાક જાહેર સ્થળો પર તહેવારના દિવસો અંતર્ગત કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. જેમાં ઉપલેટા પાસે આવેલો ઓસમ ડુંગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે દર વર્ષે સાતમ-આઠમના તહેવાર અંતર્ગત પાંચ દિવસો દરમિયાન રાજકોટ શહેર તેમ જ રાજકોટ જિલ્લાના લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવારજનો  સાથે જાહેર સ્થળો પર ફરવા જતા હોય છે.

                 ત્યારે હાલ કોરોનાની મહામારીના કારણે ફેલાય નહીં તે માટે રાજકોટ જિલ્લા કલેકટર રમ્યા મોહન તેમજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અગમચેતીના ભાગરૂપે જાહેર સ્થળો પર ફરવા જવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં પણ લોકો રેસકોર્ષની પાળી પર બેસી વાતો નહિ કરી શકે. માત્ર રેસકોર્ષ રોડ પર વોકીંગ કરવાની છૂટ આપવામાં આવી. અત્યાર સુધીમાં માસ્ક વગર ૧ લાખ લોકોને દંડ ફટકારવામાં આવ્યો. ૧૦૦ જેટલા લોકો વિરુદ્ધ કન્ટેનમેન્ટ, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન તોડવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

(7:58 pm IST)