Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

રાજકોટ કલેકટર દ્વારા ગોંડલ-અનીડા-જામવાડીના ગોડાઉનોમાં દરોડાઃ નીલ રીપોર્ટઃ આજે પણ તપાસ?!

અન્ય કોઇ ચેતી ન જાય એટલે કલેકટરે કોઇ વીગતો બહાર ન પાડવા સુચના આપી

રાજકોટ તા. ૯ :.. જેતપુરના પેઢલા મગફળી કૌભાંડ બાદ અનેક ચોંકાવનારી વિગતો ખુલી રહી છે, બે દિવસ પહેલા કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે રાજકોટ જીલ્લામાં ર૭ર જેટલા ગોડાઉનો આવેલા છે. અને તેમાં મગફળી છે કે કેમ તથા તેની સ્થિતિ શું છે તેની જરૂર પડયે તપાસ કરાશે.

દરમિયાન ગઇકાલ સાંજ બાદ રાજકોટ કલેકટરે શંકાસ્પદ જણાતા ગોડાઉનોમાં ચકાસણી શરૂ કરાવી છે, ડીએસઓને સુચના  આપતા પુરવઠાની ૬ ટીમો ગઇકાલે જામવાડી, ગોંડલ અને અનીડામાં આવેલ ગોડાઉનોમાં ત્રાટકી હતી.

અને જયાં મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો તે ગોડાઉનોમાં ચકાસણી થઇ હતી, પણ કોઇ વાંધાજનક બાબત બહાર આવી નથી, હાલ નીલ રીપોર્ટ કરાયો છે, જામવાડીમાં ગોડાઉન ખાલી હતું. વેપારીઓએ ડીલીવરી લઇ લીધી હતી.

જો કે કલેકટરે રેન્ડમલી તપાસ ચાલુ રાખવાની સુચના આપતા પુરવઠાની ટીમો આજે પણ દોડી જાય તેવી શકયતા છે. દરમિયાન કલેકટરનો સંપર્ક કરતા તેમનો મોબાઇલ સતત રીંગ વગાડતો હતો, અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઉમેર્યુ હતું કે, અન્ય કોઇ ચેતી ન જાય એટલે હાલ કલેકટરશ્રીએ કોઇ વિગતો બહાર ન પાડવા સુચના આપી છે. (પ-૧પ)

(4:16 pm IST)