Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ગંજીવાડામાં કાર સાઇડમાં લેવાનું કહેતાં મુસ્લિમ પિતા-પુત્રને ટોળકીએ માર મારી ૧ લાખનો ચેઇન લૂંટી લીધો

ભંગારના વેપારી રાત્રે સાડા બારેક વાગ્યે મહેસાણાથી રાજકોટ પહોંચ્યા ત્યારે બનાવઃ ફરિયાદ પરથી સ્કોર્પિયો નં. જીજે૩કેએચ-૦૦૦૧માં ભાગેલા આઠ શખ્સોને શોધતી થોરાળા પોલીસ : યાર્ડ સામે સર્વિસ રોડ પર બોલાચાલી બાદ પીછો કરી ગંજીવાડામાં કાર આંતરી

રાજકોટ તા. ૯: ગંજીવાડામાં રહેતાં ભંગારના વેપારીએ મોડી રાત્રે સાડા બારેક વાગ્યે ગંજીવાડા મેઇન રોડ પર રસ્તા વચ્ચે સ્કોર્પિયો રાખીને ઉભેલા શખ્સોને સાઇડમાં લેવાનું કહેતાં તેમાંથી ઉતરેલા સાત-આઠ શખ્સોએ ધોલધપાટ કરી એક લાખનો ચેઇન લૂંટી લીધો હતો. તેમજ વેપારીના પુત્ર વચ્ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. પોલીસે ધાડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે ગંજીવાડા-૩૧માં રહેતાં અને ભાવનગર રોડ પર એસ. કે. વે-બ્રીજ પાસે ભંગારનો ડેલો ધરાવતાં સિરાજભાઇ કાસમભાઇ જુણેજા (સંધી) (ઉ.૪૮)ની ફરિયાદ પરથી જીજે૩કેએચ-૦૦૦૧ નંબરની સ્કોર્પિયોમાં ભાગેલા સાત-આઠ શખ્સો સામે આઇપીસી ૩૯૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધાયો છે.

સિરાજભાઇના કહેવા મુજબ તે પોતાના પત્નિ અને પુત્ર સમીર સાથે કાર લઇને મહેસાણા ગયા હતાં અને રાત્રે સાડા બારેક વાગ્યે રાજકોટ પરત આવ્યા હતાં. સંત કબીર રોડના નાલામાંથી નીકળી હાઉસીંગ બોર્ડ જતાં સર્વિસ રોડ પર થઇ ઘરે જતાં હતાં ત્યારે રસ્તામાં સર્વિસ રોડ પર કાળી સ્કોર્પિયો પડી હોઇ પોતાની કાર નીકળી શકે તેમ ન હોઇ જેથી તેના ચાલકને સાઇડમાં ગાડી રાખવાનું કહેતાં તેમાં બેઠેલા શખ્સોએ ગાળાગાળી શરૂ કરી હતી. એ પછી પોતે ઘર તરફ જવા નીકળ્યા ત્યારે સ્કોર્પિયો પાછળ આવી હતી અને ગંજીવાડા-૩૧ના ખુણે કારને આંતરી અજાણ્યા એક શખ્સે નીચે ઉતરી હાથમાં પહેરેલા કડાથી માર માર્યો હતો. તેમજ બીજા શખ્સોએ આવી ઢીકા-પાટુનો માર માર્યો હતો. પુત્ર સમીર પોતાને બચાવવા આવતાં તેને પણ માર માર્યોહ તો. કુલ સાત આઠ શખ્સોએ ભેગા મળી મારકુટ કરી હતી. પોતાને માથામાં કડુ ફટકારાયું હોઇ લોહી નીકળવા માંડ્યા હતાં. એ દરમિયાન એક શખ્સે ગળામાંથી ૧ લાખનો ચેઇન ખેંચી લીધો હતો.

સિરાજભાઇઅને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળાના પીએસઆઇ પી. ડી. જાદવ અને સ્ટાફે પહોચી તેની ફરિયાદ નોંધી નંબરને આધારે સ્કોર્પિયો માલિક, ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ તમામની ઉમર ૨૦ થી ૩૦ વર્ષની હતી.

(3:49 pm IST)