Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

માહિતી અધિકાર કાયદો નબળો પાડવા હિલચાલ

'માહિતી અધિકાર ગુજરાત પહેલ' સેમિનાર : બીલ પાસ થશે તો માહિતી મેળવવાના હક્ક ઉપર તરાપ આવશે : ખાસ સેમિનારમાં કરાયો વિસ્ફોટ : ડેટા પ્રોટેકશન નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન : આ સેમિનારમાં ડેટા પ્રોટેકશનના ખરડા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેના અનુસાર નાગરિકોની અંગત માહિતી જે સરકાર પાસે છે તેની જાળવણી-રક્ષણ બંને ખૂબ જ મહત્વના મુદા છે. પરંતુ આ ખરડામાં કરેલી જોગવાઇ જોતા ડેટા પ્રોટેકશનને નામે સરકારની માહિતી છુપાવવા માટેનો કાયદો બની જશે. પ્રસ્તુત કાયદો માહિતી અધિકાર તેમજ વ્યકિત સ્વાતંત્ર્ય પર પણ વર્ચસ્વ ધરાવશે, જે નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન કરશે

 

રાજકોટ તા. ૮ : માહિતી અધિકાર કાયદામાં સુધારા બિલ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદના ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું અને એ જ અરસામાં જસ્ટિસ ક્રિશ્ના કમિટિએ ડેટા પ્રોટેકશન બીલનો મુસદ્દો પણ રજૂ કર્યો છે. આ બંને ખરડાઓ નાગરિકોની માહિતી સુધીની પહોંચને સિમિત કરશે તેવો તજજ્ઞાો દ્વારા અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો છે.

જેના અંગે ચર્ચા કરવા માટે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'માહિતી અધિકાર ગુજરાત પહેલ' દ્વારા યોજવામાં આવેલા આ સેમિનારમાં ઉપસ્થિત રહેલા તજજ્ઞાોનું માનવું હતું કે માહિતી અધિકારમાં સુધારાને નામે આ કાયદો ખોખલો પાડી દેવાનો કેન્દ્ર સરકારનો કારસો છે. પ્રજા અને સરકાર વચ્ચે પારદર્શિતા રહે તે આ કાયદા પાછળનો મુખ્ય હેતુ છે. પરંતુ સુધારાને નામે સરકાર હવે પોતાના તરફી કાયદો બનાવી પારદર્શિતા જ ગાયબ કરી દેવાની ફિરાકમાં છે.'માહિતી અધિકાર ગુજરાત પહેલ'ના એકિઝકયુટિવ સેક્રેટરી પંકિત જોગે જણાવ્યું હતું કે, 'હાલ એક માહિતી અધિકારનો કાયદો સામાન્ય નાગરિકોના હાથમાં એક હથિયાર સમાન પુરવાર થયું છે. અનેક ભ્રષ્ટાચાર, ગેરરીતિ તેના દ્વારા જ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે આ કાયદાને બદલીને નાગરિકોના મૂળભૂત અધિકારને સિમિત કરવા માગે છે. ફેરફાર ખરડામાં તમામ માહિતી પંચની કામગીરી-તેનો સમયગાળો કેન્દ્ર સરકાર નક્કી કરશે તેવી જોગવાઇ કરવામાં આવેલી છે.આમ કરીને કેન્દ્ર સરકાર રાજયોની સ્વયત્તા નકારે છે. 'સેમિનારમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ એવો મત રજૂ કર્યો હતો કે, ' એક માહિતી કમિશ્નર વધુમાં વધુ ૫ વર્ષ માટે ફરજ અદા કરી શકે છે. સુધારા બિલ મુજબ માહિતી કમિશ્નર ગમે તેટલા સમયગાળા માટે કમિશ્નર તરીકે કાર્યરત્ રહી શકે છે. આ ઉપરાંત માહિતી પંચનું પગાર ધોરણ-પદ બંને નીચું કરવાની વાત સુધારા બિલમાં રજૂ કરેલી છે. જેના કારણે ઉચ્ચ કક્ષાઓની કચેરીઓ પાસેથી માહિતી અપાવવામાં માહિતી આયોગ સક્ષમ રહેશે ખરું તેવો ગંભીર સવાલ પેદા થાય છે.(૨૧.૧૪)

(3:52 pm IST)