Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

પી.પી.પી.યોજના તળે વધુ એક ''વહીવટ''

રેસકોર્સ રોડને લાગુ લગડી પ્લોટની ઝૂંપડપટ્ટી બિલ્ડરને વેંચી દેવા દરખાસ્તઃ બેઠકમાં ચર્ચા શરૂ

બપોરે૩-૩૦ વાગ્યે શરૂ થયેલી સરકાર નિયુકત કમીટીની બેઠકમાં સાધુવાસવાણી રોડ, નટરાજનગર ઝૂંપડપટ્ટી નજીવા ભાવે વેંચી દેવા અંગે પણ નિર્ણય લેવાશે

રાજકોટ તા. ૮ : રાજય સરકારની પી.પી.પી.આવાસ યોજના તળે હવે રેસકોર્સ રોડને લાગુ અત્યંત કિંમતી પ્લોટના રહેલી વર્ષો જુની ઝૂંપડપટ્ટીને ખાનગી બિલ્ડરને વેંચી દેવા અંગે આજે બપોરે ૩-૩૦ વાગ્યે મળેલી સરકાર નિયુકત પી.પી.પી. આવાસ યોજના કમીટીમાં નિર્ણય લેવાશે.

 

આ અંગે મ્યુ.કોર્પોરેશનના સતાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ રાજય સરકાર દ્વારા પી.પી.પી.આવાસ યોજના માટે સરકારી જમીન ઝૂંપડપટ્ટીના દબાણ સહીત ખાનગી બિલ્ડરને વેંચી અને તેજ સ્થળે ઝૂંપડપટ્ટીઓ માટે પાકા ફલેટ બનાવવાના નિર્ણય માટે ખાસ સમીતી બનાવી છે.

આ પી.પી.પી.યોજના સમીતીનીા બેઠક આજે બપોરે ૩-૩૦ વાગ્યે મળી રહી છે જેમાં રેસકોર્સ રોડ ઉપર ૧૦ હજાર ચો.મી. જમીનમાં ઉભેલી વર્ષો જુની બાવળિયાપરા તરીકે ઓળખાતી ઝૂંપડપટ્ટી છે. આ જમીનનો પ્લોટ કલેકટર તંત્ર હસ્તક હતો. જેનું મ્યુ. કોર્પોરેશન દ્વારા હસ્તાંતરણ કરીને હવે આ લગડી જેવા કિંમતી પ્લોટનું બિલ્ડરને વેંચવા અંગે દરખાસ્ત થઇ છે જેની ચર્ચા શરૂ થઇ હતી.

આ ઉપરાંત આજની આ બેઠકમાં  સાધુવાસવાણી રોડ પરના નટરાજનગર મફતીયાપરાની જમીન વેચવા માટે અગાઉ ટેન્ડર પ્રસિધ્ધ થતા માત્ર ૬ કરોડનો ભાવ આવતા તેનું રિ-ટેન્ડર કરાયું હતું. અને હવે જે નવુ ટેન્ડર આવ્યુંછે તે મંજુર કરવા અંગે પણ આજની આ બેઠકમાં નિર્ણય લેવાશે.

નોંધનિય છે કે સાધુવાસવાણી રોડ જેવા પોશ વિસ્તારમાં જમીનના જે વર્તમાન ભાવ છે. તેનાથી નીચા ભાવે ટેન્ડરો આવ્યાનું સૂત્રોએ  જણાવ્યું હતું.

જયારે રેસકોર્સ રોડ ઉપરની ઝૂંપડપટ્ટીની જમીન વેચવા માટેની અપસેટ કિંમત કમીટી દ્વારા કેટલી નકકી થાય છે ? તે જોવાનું રહ્યું કેમ કે ર૦૧પમાં આજ પ્લોટ પાસે મ્યુ.કોર્પોરેશને જાહેર હરરાજીથી જમીન વેચતા પ્રતિ ચો.મી.ના ર૦૧૦ લાખ ઉપજયા હતા. નોંધનીય છે. જો  તેનાથી નીચા ભાવ રખાશે તો પી.પી.પી. યોજનાન નામે વધુ એક વહીવટ થઇ જશે.(૬.૨૩)

(3:48 pm IST)