Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

રેન્ટલ હાઉસીંગ યોજનામાં મહત્તમ ભાડુ ૩૦૦૦ સુધી લેવા બાબતે જનરલ બોર્ડમાં દરખાસ્ત

નવેમ્બર-ર૦ર૦ સ્ટેન્ડીંગ કમીટીએ યોજનાને આપેલી લીલીઝંડી બાદ હવે પોપટપરાના ૬૯૮ ફલેટમાં ભાડાનાં કોન્ટ્રાકટની સ્ટેન્ડીંગમાં હજુ પેન્ડીંગ છે : ત્યારે જ આ દરખાસ્ત જનરલ બોર્ડમાં આવતા ચર્ચાને એરણે : દુકાનોની હરરાજી, ટી.પી. સ્કીમ સહિતની ૮ દરખાસ્તોનો લેવાશે નિર્ણય

રાજકોટ, તા. ૯ :  પોપટપરામાં આવેલી મ.ન.પા.ની આવાસ યોજનાના ૬૯૮ ફલેટ બેંગ્લોરની કંપનીને ભાડે આપવાના કોન્ટ્રાકટરની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટીમાં ઘણા સમયથી પેન્ડીંગ છે. ત્યારે જ આગામી ૧૭ મીએ મળનાર જનરલ બોર્ડમાં ઉકત રેન્ટલ હાઉસીંગ યોજનાને અગાઉ નવેમ્બર-ર૦ર૦માં તત્કાલીન સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે મંજુર કરેલી સૈધ્ધાતિક નિર્ણયની દરખાસ્તને એજન્ડામાં સામેલ કરાવેલ છે. જેમાં પોપટપરાનાં ફલેટોનું વધુમાં વધુ ૩૦૦૦ પ્રતિમાસ ભાડુ આપી શકે તેવો ઉલ્લેખ કરાયો છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ નવેમ્બર-ર૦ર૦માં જયારે રેન્ટલ હાઉસીંગ યોજના દરખાસ્ત મંજુર કરાઇ તેમાં પ્રેમ મંદિર પાસે આવેલ બી.એસ.યુ.પી.-રના ૩૬૦ અને પોપટપરાનાં બી.એસ.યુ.પી.-૩ ના ૬૯૮ ફલેટ મળી કુલ ૧૦પ૮ ફલેટ ભાડે આપવાને બદલે પ્રેમ મંદિર પાસે બી.એસ.યુ.પી.-નાં ૩૬૦ ફલેટનું રિનોવેશન કરી ગરીબોને ફાળવી દેવા ઠરાવ થયેલ છે.

જયારે બાકી રહેતા પોપટપરાનાં બી.એસ.યુ.પી.-૩નાં ૬૯૮ ફલેટ કોઇ સંસ્થા કે ડેવલોપર્સ પાસેથી ઓફરો મંગાવી  અને તેને કોન્ટ્રાકટ આપી દેવા ઠરાવ થયેલ.

આ ઠરાવમાં ઉલ્લંખ કરાયો છે. રેન્ટલ હાઉસીંગ સ્કીમ હેઠળ પ્રતિ ફલેટ દીઠ પ્રતિમાં વધુમાં વધુ ૩૦૦૦ જેટલા ભાડાની આવક થઇ શકે.

દરમિયાન ઉકત સૈધ્ધાંતિક ઠરાવ બાદ મ.ન.પા.એ પોપટપરા આવાસોનાં ભાડાના કોન્ટ્રાકટ માટે, ડેવલોપર્સ પાસે ઓફરો મંગાવવા ટેન્ડરો પ્રસિધ્ધ કર્યા જેમાં બેંગ્લોરનાં બિલ્ડીંગ ડેવલોપર્સે પ્રતિ ફલેટ દિઠ રૂ. ૮૦૦ આસપાસનું ભાડુ આપવા ઓફર કરતાં તેને  કોન્ટ્રાકટ આપવા, તાજેતરમાં સ્ટન્ડીંગ કમીટીમાં દરખાસ્ત આવે છે. પરંતુ આ ઓફરમાં હજુ વધુ ભાડાની આવક થઇ શકે કે કેમ ! તેના અભ્યાસ માટે છેલ્લી બે સ્ટેન્ડીંગ કમીટીથી આ દરખાસ્ત પેન્ડીંગ છે.

રેન્ટલ હાઉસીંગનાં સૈધ્ધાંતિક નિર્ણયની દરખાસ્ત અને કોન્ટ્રાકટની દરખાસ્તમાં ભાડાની મહત્તમ આવકમાં મોટી વિસંગતતા હોઇ જનરલ બોર્ડમાં આ મુદ્ે ચર્ચાનો વિષય બની શકે.

દરમિયાન આગામી જનરલ બોર્ડમાં આનંદનગરમાં હાઉસીંગ બોર્ડનાં જર્જરીત કવાર્ટરો તોડવા, સીતાજી, લક્ષ્મણજી ટાઉનશીપનાં શોપીંગ સેન્ટરોમાં દુકાનોની વેચાણ, ઘંટેશ્વર-પરાપીપળીયા ટી. પી. સ્કીમો સહિતની કુલ ૮ દરખાસ્તો અંગે નિર્ણયો લેવાનાર છે.

(4:21 pm IST)