Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

નિકુલભાઇ બારોટ પાસે લોહાણા સમાજની ૧૩૮ અટકોનો ઇતિહાસ

રઘુવંશીઓની આજે ૩૦૦ જેટલી અટકો છે : રઘુવંશીઓ મૂળ ક્ષત્રિય હતા : બારોટ પાસે સદીઓનો લેખિત ઇતિહાસ

રઘુવંશીઓની મૂળ અટક ૮૪ હતી : ૧૦૨૭ વર્ષ પૂર્વે પ્રથમ રઘુવંશી સંમેલનમાં અન્ય અટકો ઉમેરાઇ હતી : પરંપરાગત રીતે રઘુવંશી પરિવારોએ કુળદેવીના નૈવેદ્ય કરવા જરૂરી છે, કરદેવીના : નૈવેદ્ય અલગથી કરવા જરૂરી નથી : દરેક રઘુવંશી પરિવારોએ પોતાના પરિવારની વંશાવલી અપડેટ કરાવવી જરૂરી છે : બારોટ પાસે નવી માહિતી ઉમેરાવીને વંશાવલી જીવંત કરાવો : નિકુલભાઇ બારોટ રઘુવંશીઓ ઉપરાંત : નાડોદા રાજપૂત સમાજ અને કડવા - લેઉઆ પાટીદારોની અમુક અટકોના તથા જૈનોના રૂપાણીના પણ બારોટ છે : નિકુલભાઇ બારોટ પાસે લોહાણા સમાજની ૧૩૮ જ્ઞાતિઓનો ૩૦૦ પેઢીઓનો ઇતિહાસ જાણવો શકય : લગ્ન પ્રસંગની કંકોતરી બારોટને મોકલો : કર ચુકવીને પત્નીનું નામ ગોત્રમાં ભેળવો : ઠક્કર શબ્દ અપભ્રંશ છે : મૂળ શબ્દ ઠાકોર છે, જે ક્ષત્રિય હોવાનું મહત્વનું પ્રમાણ છે

સદીઓ પુરાણા બારોટજીના ચોપડામાં બોરડી લિપિમાં લખાયેલો ઇતિહાસ નજરે પડે છે : શ્રી નિકુલભાઇ બારોટ રઘુવંશી સમાજના ઐતિહાસિક ચોપડા સાથે લાક્ષણિક અદામાં નજરે પડે છે.

રાજકોટ તા. ૯ : કોઇ વ્યકિત સામાન્ય નથી. દરેક વ્યકિતના જીન્સમાં આહ્લાદ પરંપરા છુપાયેલી હોય છે, હિન્દુ સમાજની વ્યકિતનું મૂળ વેદ સુધી નીકળે છે. તેનું કુળ-ગોત્ર વગેરે અલૌકિક અને પરાક્રમોથી ભરપૂર હોય છે. ખુદના કુળ - ગોત્ર - પરંપરા અંગે જાણકારી મળે તો માણસનું આત્મબળ વધે છે અને વ્યકિત ખુદને અસામાન્ય હોવાનું મહેસૂસ કરી શકે છે.

ગૌરવવંતી સનાતન - હિન્દુ પરંપરામાં દરેક વ્યકિતથી માંડીને વંશની વંશાવલી સાચવવાની અને તેને સતત અપડેટ કરવાની જવાબદારી બારોટ સમાજ પર છે. આ સમાજ પોતાની ફરજ સુપેરે નીભાવે છે. લોહાણા સમાજના બારોટજી નિકુલભાઇ બારોટની મુલાકાત 'અકિલા'એ કરી હતી.

નિકુલભાઇ સુરેન્દ્રનગર રહે છે. લાંબી મુલાકાતમાં તેઓએ લોહાણા સમાજ અંગે આશ્ચર્યજનક વાતો કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સત્તયુગમાં બારોટને ઋષિપુત્રો - દેવીપુત્રો કહેવામાં આવતા હતા. ગૌત્ર પરંપરા બ્રહ્માજીએ પ્રસ્થાપિત કરી હતી. બ્રહ્માજીના ૧૩ સુપુત્રો હિન્દુઓના ગોત્ર તરીકે પ્રસ્થાપિત થયા હતા.

હિન્દુ સમાજની કોઇપણ વ્યકિત આ વિશિષ્ટ પરંપરાની વંશજ છે. બારોટનું કાર્ય વ્યકિતને તેના મૂળ અને કુળ અંગે જાગ્રત કરાવવાનું છે.

નિકુલભાઇ બારોટ રઘુવંશી - લોહાણા સમાજના બારોટ છે અને લોહાણા સમાજની ૧૩૮ અટકોનો સદીઓ પુરાણો લેખિત - પ્રમાણિત ઇતિહાસ તેમની પાસે મોજુદ છે. તેઓ કહે છે કે, રઘુવંશી - લોહાણા તરીકે ઓળખાતા લોકો મૂળ ક્ષત્રિય છે. આ અંગેનો સંપૂર્ણ - લેખિત ઇતિહાસ બારોટના ચોપડામાં છે.

સંવત ૧૩૦૩ થી ૧૩૩૨ સુધીમાં ખુની અલ્લાઉદ્દીન ખીલજીના સમયે ગુજરાતમાં રાજપાટ જતા ક્ષત્રિયોમાંથી છૂટો પડેલો સમુદાય આજના લોહાણા છે.

નિકુલભાઇ કહે છે કે, રઘુવંશી - લોહાણા સમુદાયની મૂળ અટક ૮૪ હતી. વિક્રમ સંવત ૧૦૫૦માં મહાસુદ ચોથના શુક્રવારે એટલે કે આજથી ૧૦૨૭ વર્ષો પૂર્વે પૂર્વ પંજાબ (હાલના પાકિસ્તાનમાં) કમઠાબાદ ખાતે રઘુવંશીઓની પ્રથમ પરિષદ - સંમેલનનું આયોજન થયું હતું. આ સંમેલનના અધ્યક્ષપદે તત્કાલીન મહાજન કેશવજી ગણગણાત્રા (હાલના ગણાત્રા) હતા. આ સંમેલનમાં લોહાણા સમુદાયમાં નવી અટકો ઉમેરાઇ હતી.

નિકુલભાઇ કહે છે કે બારોટ ટોડરમલ ઉર્ફે તોરલમલ સમક્ષ ૧૦૮ અટકો વધારવામાં આવી હતી. શસ્ત્રો છોડીને સંગઠિત થયેલા ક્ષત્રિયોને સ્થાન અપાયું હતું. નિકુલભાઇ કહે છે કે આ ઇતિહાસ ખૂબ જ રોમાંચક અને દીર્ઘ છે, પરંતુ સ્પષ્ટ બાબત એ છે કે, લોહાણા સમાજ મૂળ ક્ષત્રિય છે.

લોહાણા માત્ર ગુજરાતી જ નથી, વિવિધ અટકોથી આ સમુદાય મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પાકિસ્તાન સુધી પથરાયેલો છે. નીકુલભાઇ આગળ જણાવે છે કે, ગુજરાતી લોહાણા સમુદાયમાં હાલ ૩૦૦ જેટલી અટકો છે, જેમાંથી ૧૩૮ અટકોનો સંપૂર્ણ ઇતિહાસ અને વંશાવલી મારા ચોપડામાં મોજુદ છે.

નિકુલજીને આ બધુ મામા તરફથી વારસામાં મળ્યું છે. રઘુવંશી - લોહાણા સમાજ અંગે નિકુલજીએ ગહન સંશોધન કર્યા છે. લોહાણા સમુદાયની વિવિધ અટકો મૂળ કયા શબ્દોમાંથી આવી છે તે અંગે પણ રસપ્રદ માહિતી તેઓ પાસે છે. તેઓ કહે છે કે, લોહાણા 'ઠક્કર' તરીકે ઓળખાય છે. ઠક્કર શબ્દનું ટૂંકું રૂપ 'ઠા.' કરવામાં આવે છે. ટૂંકુંરૂપ ઠ.ને બદલે ઠા. શા માટે થયું ? નિકુલભાઇ કહે છે કે ઠક્કર શબ્દ અપભ્રંશ થઇને બન્યો છે, મૂળ શબ્દ ઠાકોર છે. ઠા. એ ઠાકોરનું ટૂંકું રૂપ છે.

આવા અનેક સંશોધનો નિકુલભાઇએ કર્યા છે. આ ઉપરાંત લોહાણા સમાજની ૧૫૦ ખાંભીઓ અંગે તેઓએ સંશોધન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લોહાણા સમાજની ૧૩૮ અટકોની વંશાવલીમાં અનેક ખાંભીઓનો ઉલ્લેખ છે. ચોપડામાં ખાંભીઓના સ્થાન - નામ અને શહીદીની ઘટના અંગે માહિતી હોય છે. હાલ જે તે સ્થળે એ ખાંભીની દશા કેવી છે તે અંગે જે તે સ્થાન પર જઇને નિકુલભાઇએ સંશોધન કર્યું છે. આવી ૧૫૦ ખાંભીઓ સુધી તેઓ પહોંચ્યા છે. આ માટે તેઓએ અત્યાર સુધીમાં ગુજરાતના ખૂણે-ખૂણે ઉપરાંત રાજસ્થાનથી હરિયાણા સુધી પ્રવાસ કર્યા છે. આવું અતિ મહત્વનું સંશોધન કાર્ય હજુ પણ ચાલી રહ્યું છે.

નિકુલભાઇ કહે છે કે, ઘણાં પરિવારો મહેનતુ - પ્રામાણિક હોવા છતાં દુઃખી હોય છે. દુઃખના કારણો પરંપરામાં પણ છૂપાયેલા હોય છે. દરેક પરિવારને તેના કુળદેવી - કરદેવી - ગોત્ર - પ્રવર - શુરાપુરા - વેદ વગેરે હોય છે. સમયાંતરે અમુક પરિવર્તનોમાં મૂળ દેવી - દેવતા ભૂલાઇ ગયા હોય અને અન્યત્ર પૂજા-પાઠ થતા હોય છે. આવા કારણોથી પરિવારો દુઃખી થઇ શકે છે. નિષ્ઠાવાન બારોટ પાસે જે તે પરિવાર - અટકનું મૂળ હોય છે, જે ભૂલાઇ ગયું છે તેને ફરીથી જીવંત કરાવી શકે છે. બારોટના ચોપડામાં આધારભૂત અને પ્રમાણિત માહિતી હોય છે. દરેક પરિવારે એ માહિતી પ્રમાણે અનુસરવું એ પરંપરા રહી છે.

આ ઉપરાંત શાસ્ત્રોમાં સગોત્ર લગ્નની સંપૂર્ણ મનાઇ ફરમાવવામાં આવી છે. નિકુલભાઇ કહે છે કે શાસ્ત્રો પ્રમાણે સગોત્ર લગ્નથી જે સંતાનો પેદા થાય છે તે નિર્માલ્ય - પાગલ અને સમાજને તોડનારા બને તેવી સંભાવના વધી જાય છે. અટકોમાંથી કાળક્રમે પેટા અટકો થઇ. અજાણતા લોકો સગોત્રી લગ્નો કરી નાખે છે, જે પ્રતિકુળતાનું કારણ બને છે. જે તે પરિવારના ગોત્રની સચોટ માહિતી સંનિષ્ઠ બારોટ પાસેથી પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિએ પણ બારોટ પરંપરાની ભૂમિકા મહત્વની છે.

નિકુલભાઇ આગળ કહે છે કે દરેક પરિવારોએ તેની મૂળ પરંપરા પ્રમાણે કુળદેવી - કરદેવી - સુરાપુરા વગેરેના નૈવેદ્ય તથા પૂજા - પાઠ કરવા જરૂરી છે. અન્ય ધર્મકાર્યો ખૂબ કરો પણ કુળદેવીના નૈવેદ્ય ન કરો તો વીપરિત સંજોગોનો સામનો કરવામાં આવે છે. આવા પરેશાન ઘણાં પરિવારો આવે છે અને કુળદેવી - કરદેવી અંગે માહિતી મેળવે છે, દેવીના સ્થાનક અંગે જાણકારી લે છે. બારોટના ચોપડે આ બધુ સચોટરૂપે લખાયેલું અને સચવાયેલું હોય છે.

જો કે નિકુલભાઇ કહે છે કે, દેવી - દેવતાઓ એક જ છે. કોઇપણ સંપ્રદાયમાં શ્રધ્ધા ધરાવી શકાય છે, પરંતુ દરેક વ્યકિતની ફરજ છે કે- તેના કુળદેવી - કરદેવીને અનુસરીને આગળ વધે. આ ઉપરાંત જે તે અટકોની વંશાવલીમાં દર્શાવેલી ખાંભીઓ જે તે પરિવાર માટે ગૌરવની બાબત છે. પરિવારના વડવાએ શહીદી વહોરી હોય ત્યારે ખાંભી બને છે. ગાય માટે - મહિલાની રક્ષા માટે - કુળની રક્ષા માટે કે ધર્મની રક્ષા માટે જીવન ન્યોચ્છાવર કરી દેનાર પરાક્રમીની ખાંભી બનતી હોય છે. આવા શહીદવીરો જે તે કુળના શુરાપુરા તરીકે પૂજાતા હોય છે. આવા દિવ્ય આત્માની ઉર્જા તેના વંશજો માટે ઉપયોગી હોય છે. અફસોસ છે કે ઘણાં લોકો શુરાપુરા કે સુરધન અંગેનો ભેદ પણ નથી જાણતા.

નિકુલભાઇ કહે છે કે, એક સમયે બારોટ સમુદાયના માન-પાન ખૂબ હતા. હજુ પણ લોહાણા સમાજના ૬૦ ટકા પરિવારો બારોટને મનથી માને છે. આનંદની બાબત એ છે કે, લોહાણા સમાજની નવી પેઢીને પોતાના મૂળ સુધી પહોંચવામાં વધારે રસ છે. અંધશ્રધ્ધા અને અન્ય સંપ્રદાયોમાં અટવાઇ ગયેલા પોતાની મૂળ પરંપરાને જીવંત કરે તે ખૂબ સારા સંકેત ગણાય.

નિકુલભાઇએ ભાવુક થઇને એક ઘટના વર્ણવી હતી કે, હું એક સમયે ગંભીર બિમારીમાં સપડાઇ ગયો હતો ત્યારે અનેક રઘુવંશી પરિવારોએ મારી તંદુરસ્તી માટે માનતાઓ માની હતી. હું ફરીથી સ્વસ્થ થયો. આવા પરિવારોનો હું ઋણી છું. જો કે એ બાબત કહે છે કે, ઘણાં લોહાણા પરિવારો પોતાની મૂળ પરંપરા ભૂલીને અંધશ્રધ્ધામાં અટવાઇને દુઃખી થાય છે.

નિકુલભાઇ કહે છે કે, જે તે પરિવારે બારોટના ચોપડાને અનુસરવું એ તેમની ફરજ છે તેમ અમારે બારોટે પણ જે તે સમાજ - અટક અંગેની પરંપરાગત માહિતી - વંશાવલી સાચવવી અને સતત અપડેટ કરતા રહેવી એ અમારી ફરજ છે. પ્રામાણિક બારોટ આ કાર્ય નિષ્ઠાપૂર્વક કરતા જ હોય છે, પરંતુ આ કાર્યમાં સમાજનો સહયોગ અનિવાર્ય હોય છે.

જે તે પરિવારે લગ્ન - જન્મ - નિધન વગેરેની માહિતી બારોટને આપવાની હોય છે, પણ ઘણાં પરિવારો આ અગત્યનું કાર્ય ચુકી જાય છે. માહિતી અપડેટ કરવા અમે ફોર્મ છપાવ્યા છે, પરંતુ ઘણાં પરિવારો ફોર્મ ભરીને મોકલતા નથી. આ કારણે વંશાવલીમાં નવી માહિતી ઉમેરી શકાતી નથી. નિકુલભાઇએ આગ્રહ પૂર્વક જણાવ્યું હતું કે, લોહાણા સમાજની ૧૩૮ અટકોનો સંપૂર્ણ ઇતિહાસ મારી પાસે છે. આ તમામ અટકોનું લીસ્ટ અહીં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ અટકોના પરિવારો પોતાના પરિવારની નવી માહિતી ઉમેરવા સંપર્ક કરે. પરિવારના જે સભ્યોના લગ્નો થઇ ગયા હોય તો પત્નીને ગોત્રમાં ભેળવવા નિયત ટેકસ ચુકવીને પ્રક્રિયા કરવાની હોય છે.

સમાજનો ઇતિહાસ સાચવવો અને તેને અપડેટ કરતા રહેવું તથા જે તે અટકોની ખાંભીઓ અંગે સંશોધન વગેરે કરવું એ અતિખર્ચાળ કાર્ય છે. આ કાર્ય કરવા માટે બારોટ પોતાની જિંદગી તેમાં અર્પણ કરી દે છે. આવા સંનિષ્ઠ બારોટ પરિવારને આર્થિક સહયોગ કરવો જે તે સમાજની ફરજ છે. જો કે નિકુલભાઇ કહે છે કે, માતાજીની કૃપાથી અમે સુખી છીએ, પરંતુ ૧૩૮ અટકોના સદીઓ પૂરાના ઇતિહાસને જાળવી રાખવો ખૂબ ખર્ચાળ છે. આ માટે દરેક પરિવારે સહયોગ કરવો જોઇએ.

લોહાણા સમાજની અહીં પ્રકાશિત થયેલી ૧૩૮ અટકોના પરિવારોએ પોતાના કુળ અને મૂળ પરંપરા અંગે સચોટ અને પૂર્ણ માહિતી મેળવવા અને વંશાવલીમાં પોતાના પરિવારની નવી માહિતી ઉમેરવા નિકુલભાઇ બારોટ, ૮૦ ફૂટ રોડ, સનફલાવર સ્કૂલ રોડ, પ્રાઇમ રેસીડેન્સી, ત્રીજા માળે, ફલેટ નં. ૩૦૨, સુરેન્દ્રનગર મો. ૯૯૧૩૬ ૭૯૩૬૯ / ૯૯૨૫૩ ૪૦૫૪૮ નો સંપર્ક થઇ શકે છે.

બારોટજીનો સંપર્ક

નિકુલભાઇ બારોટજી

૮૦ ફૂટ રોડ, સનફલાવર સ્કૂલ રોડ, પ્રાઇમ રેસીડેન્સી,

ત્રીજા માળે, ફલેટ

નં. ૩૦૨, સુરેન્દ્રનગર.

મો. ૯૯૧૩૬ ૭૯૩૬૯

      ૯૯૨૫૩ ૪૦૫૪૮

૧૩૮ અટકોનું લીસ્ટ

૧     ખીયા, ધીરવાણી

૨     આડ ઠક્કર

૩     ચંદીયા, ચંદારાણા

૪     ખીરસરા, ખાંટબોર

૫     પાંવ, પવાણી

૬     કેસરીયા

૭     પાંધી

૮     આડતીયા, ઘેરાઈ

૯     બાડુ, બારૂ

૧૦    કક્કડ

૧૧    દેયા, દહીયા

૧૨    સોતા, છાબડીયા

૧૩    સ્વૈપીયા

૧૪    વડેરા

૧૫    ધુકોર, મોહનપૌત્રા

૧૬    રાવઘણા

૧૭    ઓડુ

૧૮    ખીરોજ

૧૯    સોયા, સ્વાર, સ્વાતી

૨૦    સૌતા, માંખેચા

૨૧    મંદા, હીરાણી

૨૨    રૈયાણી

૨૩    વસાણી

૨૪    મુગ

૨૫    વસંત

૨૬    ભગદેવ

૨૭    વૈધન, કાથરાણી

૨૮    પુજારા

૨૯    મહીધર

૩૦    રેલણ

૩૧    અરોડા

૩૨    રાય, ઈજાર

૩૩    મધેસર

૩૪    મંડલ, મીજાર

૩૫    ફુલબંધવા

૩૬    ચંચલ, ચંચુક

૩૭    મડેચાર, સોના-સોતાઙ્ગ

૩૮    ચગ, સોતા

૩૯    નરમ

૪૦    દુવા, ખોભડીયા

૪૧    બાવડ

૪૨    ગીથા, સોતા

૪૩    ધનસોતા, મડસોતા

૪૪    સોતા, રાજપુરીયા

૪૫    બડીયા

૪૬    સોનૈચા

૪૭    કતીરા

૪૮    રાચ્છ, ચોથાણી

૪૯    સોઢા, બથીયા

૫૦    રાજવીર

૫૧    માણેક

૫૨    બુદ્ધદેવ

૫૩    સેતા, માનસેતા

૫૪    રેસમીયા

૫૫    ગણાત્રા

૫૬    આચારીયા

૫૭    ચંદન

૫૮    ચંદે, ભંભોરા

૫૯    સોમૈયા, પીપરાણી

૬૦    રાજદેવ, ચમરાણી

૬૧    ગંદા, પુંજાણા

૬૨    આહીયા

૬૩    કુંડલીયા

૬૪    ભગદે, રનાણી,

       મોટાણી, અડાણી

૬૫    સોમેશ્વર, કોઠારી

૬૬    ઘટ, ઘુંઘટ

૬૭    પહા

૬૮    ગઢીયા, દેઢીયા

૬૯    ભોજાણી

૭૦  પાવાગઢી

૭૧  વીઠલાણી

૭૨  કોટક

૭૩  સંઘાણી

૭૪  રૂપારેલીયા

૭૫  ભૂપતા

૭૬  દતાણી

૭૭  બાખળા

૭૮  રવેસીયા

૭૯  કાનાબાર

૮૦  પારકરા

૮૧  અઢીયા

૮૨  પોબારૂ, પાબારી,

     રૂઘાણી

૮૩  સેજપાલ

૮૪  પોપટ, મીરાણી,

     રાઘાણી, દીવાની

૮૫  જોબનપુત્રા, મમણ

૮૬  દાવડા

૮૭  તન્ના

૮૮  રૂપારેલ

૮૯  સચદે, સચદેવ

૯૦  અખાણી

૯૧  સોનાઘેલા

૯૨  રૈયા, રૈયાના

૯૩  નથવાણી

૯૪  ચંદે, હાલાણી

૯૫  ઉનડકટ

૯૬  મેઢા

૯૭  નંદાણી

૯૮  જસાણી

૯૯  મજેઠીયા

૧૦૦ પંડીત

૧૦૧ ભીન્ડે

૧૦૨ ભીન્ડોરા

૧૦૩ રાણા

૧૦૪ કટારીયા

૧૦૫ વણજારા

૧૦૬ ખમરામ

૧૦૭ મીરાણી

૧૦૮ શીંગાળા

૧૦૯ છગાણી

૧૧૦ રાયચુરા

૧૧૧ સાયતા

૧૧૨ અનમકાંઠ

     (રાયકંગોરા)

૧૧૩ કારીયા (રાજપાર)

૧૧૪ કોઠારી (ખખર)

૧૧૫ મુડીયા

૧૧૬ આસાણી

૧૧૭ આઘા

૧૧૮ ચંદા, પુનમીયા

૧૧૯ સોચર

૧૨૦ દુવાઈ

૧૨૧ હીદુ, સોતા

૧૨૨ હીમદે

૧૨૩ નાગોર

૧૨૪ કોટેચા

૧૨૫ કંપરેચ

૧૨૬ સોનપાર, સંકરાણી

૧૨૭ ઈજ્જત

૧૨૮ ઢેપડા (ઢેબરા)

૧૨૯ ધામે

૧૩૦ ઉદેચા

૧૩૧ બાતા

૧૩૨ ખગમલ

૧૩૩ મામેતરા

૧૩૪ ચાંદ્રાણી

૧૩૫ ખગરામ (માંડવીયા)

૧૩૬ નાગરેચા

૧૩૭ ખીરૈયા

(4:12 pm IST)