Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ચેતજો... અન્ય સમાજના બારોટ લોહાણા સમાજમાં ઘુસ્યા

બે-ત્રણ બારોટ થોડી માહિતી એકઠી કરીને રઘુવંશી પરીવારોને આડા પાટે ચઢાવી રહ્યા છે : લોહાણા સમાજની ૧૫૦ ખાંભીઓ અંગે નિકુલભાઇએ સંશોધન કર્યું : હજુ સંશોધન ચાલુ : ખર્ચાળ કાર્ય માટે રઘુવંશીઓનો સહયોગ જરૂરી

રાજકોટ : કળીયુગના કુલક્ષણોની અસર બારોટ સમુદાય પર પણ થઇ છે. બે-ત્રણ બારોટ અન્ય સમાજના છે. જે થોડી પ્રાથમીક માહીતી એકઠી કરીને રઘુવંશી સમાજમાં ઘુસ્યા છે અને લોહાણા પરીવારોને ગેરમાર્ગે દોરી રહયા છે. આટલું કહીને નિકુલભાઇએ સ્પષ્ટ જણાવ્યું હતું કે લોહાણા પરીવારોએ બારોટ અંગે ખરાઇ કરવી જરૂરી છે.

નિકુલભાઇ કહે છે કે  મારા પૂજય મામા શિવલાલ રણછોડભાઇ બારોટે મને એટલે કે ભાણેજ નિકુલભાઇ (નંદકિશોર) હિંમતલાલ બારોટને રઘુવંશી લોહાણા સમાજના ચોપડા વારસામાં આપ્યા છે. લોહાણા સમાજની ૧૩૮ અટકો (લીસ્ટ આપ્યું છે)ના અમે પરંપરાગત બારોટ છીએ. આ અટકોના ૩૦૦ પેઢીના ઇતિહાસ પણ લેખીત સ્વરૂપે અમારી પાસે છે.

નિકુલભાઇએ કહયું હતું કે, બાવાજી અને પાટીદાર સમાજના બે-ત્રણ બારોટ લોહાણા સમાજમાં ગેરમાહીતી ફેલાવી રહયા છે. તેમના નામ જાહેર કરીને વિવાદ કરવામાં અમને રસ નથી. પરંતુ ગેરબારોટના કારણે લોહાણા સમાજ તેની ભવ્ય પરંપરાથી વંચીત રહે તેનું અમને દુઃખ છે. તેથી કહેવુ પડે છે કે, લોહાણા જ્ઞાતિએ બારોટની ખરાઇ કરવી જરૂર છે. રઘુવંશીઓને હાલ બારોટની સૌથી વધારે આવશ્કયતા છે. મુળ અટક અને પેટા અટકનું ગોત્ર એક જ ગણાય, એક ગોત્રમાં કયારેય લગ્નો થવા ન જોઇએ. લોહાણા સમાજમાં અજાણતા આવા સંબંધો થાય છે, તેથી સનિષ્ઠ બારોટ પાસેથી કુળ-ગોત્ર-પરંપરાની સચોટ માહિતી મેળવવી જોઇએ.

લોહાણા સમાજમાં ઘણા પરિવારો આ બાબતની ગંભીરતા અને તેનું મહત્વની સમજે છે. જસદણના મહાકાળી પાત્રાવાળા પ્રકાશભાઇ કાંતિભાઇ જસાણીએ બારોટની પરંપરાને ફરીથી મુળ સ્વરૂપે જાગૃત કરીને મહાકાર્ય કર્યુ છે. લોહાણા સમાજના અનેક પરિવારોની નવી પેઢી બારોટ થકી મુળ પરંપરામાં આવી છે. આ સારા સંકેત આપતા કાર્યો છે. પુજારા પરિવારોએ તો અમારી પાસેથી ઓર્થેન્ટિક માહિતી મેળવીને પુજારા અટકના ઇતિહાસની પુસ્તિકા પ્રકાશિત કરી છે. આ બધા કાર્યો આવકાર્ય છે.

નિકુલભાઇએ સ્પષ્ટ કહ્યું હતું કે, કોઇપણ સમાજ સાથે છેતરપીંડી કરનાર બારોટ સખત સજાને પાત્ર છે, શ્રધ્ધા સાથે ખીલવાડ કરવાનો કોઇને અધિકાર નથી. ઢોંગી-ધુતારાથી સમાજને બચાવવાનું કામ બારોટનું છે, બારોટ જ છેતરપીંડી કરે તો તેમને કયારેય ક્ષમા ન કરાય. રઘુવંશી પરિવારોને હું વિનંતી કરૂ છું કે, તમારા બારોટ અંગે ખરાઇ કરીને આગળ વધજો.

(4:10 pm IST)