Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

''હરે રામા હરે ક્રિષ્ના...'' ઇશ્કોન મંદિર દ્વારા જગન્નાથથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ ફરશે

ફેસબુક અને યુ-ટયુબ પર લાઇવ પ્રસારણ : ભગવાન વર્ચ્યુઅલ માધ્યમથી ભાવિકોના ઘરે ઘરે પહોંચશે

રાજકોટ તા. ૯ : દર વર્ષે ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલદેવ અને નાના બહેન સુભદ્રા સાથે ભકતોને દર્શન આપવા અને નગરચર્યા કરવા માટે રાજકોટની શેરીઓમાં આવે છે. પરંતુ આ વર્ષે જગન્નાથજી ભકતોના  ઘરે ઘરે જરૂર પહોંચશે. પરંતુ આ વખતે તેમની નગરયાત્રા વર્ચુઅલ હશે.!!! 

રાજકોટમાં ઇશ્કોન મંદિર દ્વારા યોજવામાં આવતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે ઓનલાઇન સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક લાઇવ અને યુ-ટુયુબ લાઇવ દ્વારા ભકતોના ઘરોમાં પધારશે.

તા.૧૨ ના સોમવારે અષાઢી બીજે શ્રી શ્રી રાધા નીલમાધવ ધામ, ઇસ્કોન મંદિર, રાજકોટ દ્વારા વર્ચ્યુઅલ રથયાત્રા મહોત્સવની ઉજવણી ઓનલાઇન સોશિયલ મીડિયાના માધ્યમથી સાંજે ૪.૩૦ વાગ્યાથી કરવામાં આવશે.

 કાર્યક્રમની શરૂવાત સવારે ૪.૩૦ વાગ્યે મંગળા આરતીથી થશે. ત્યારબાદ સવારે ૮ વાગે સ્પેશ્યલ મંગળા આરતી, ૧૦ વાગે છપ્પન ભોગ દર્શન અને જગન્નાથ કથા કરવામાં આવશે. સાંજે ૪.૩૦ વાગ્યે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસર માં માત્ર નિવાસી ભકતોની હાજરીમાં યોજવામાં આવશે અને રથયાત્રાનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુ-ટયુબ પર કરવામાં આવશે. જેનો લાભ લેવા ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.

કોરોના મહામારીના કારણે શહેરના રાજમાર્ગ પર ઉજવણી શકય નથી. તેથી મંદિરના અધ્યક્ષ વૈષ્ણવસેવા પ્રભુજીએ મંદિરના કેમ્પસમાં રથયાત્રા ઉજવવાનું નક્કી કર્યું છે. ફકત મંદિરના ભકતો સંપૂર્ણ સુરક્ષા સાથે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરતા કરતા, માસ્ક, સામાજિક અંતર અને સેનિટાઈઝરની સાથે રથયાત્રા યોજાશે. તેમ શ્રી વૈષ્ણવસેવા દાસજી, પ્રમુખ ઇસ્કોન મંદિર (મો.૯૮૯૮૫૫૦૧૮૫) ની યાદીમાં જણાવાયુ છે.

(3:17 pm IST)