Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ન તું જમીં કે લીયે હૈ ન આસમાં કે લીયે...ફેસબૂક લાઇવમાં જ ધારાશાસ્ત્રી અતુલ સંઘવીની 'જિંદગીની સફર'નો અંત

જુના ગીતો સાંભળવાના અને ગાવાના શોખીન એડવોકેટ મજાના માણસ હતાં: સમગ્ર વકિલ આલમમાં ગમગીની : પલટ કે તું એ ચમન દેખને સે કયા હોગા...વો શાખ હી ના રહી જો થી આંશીયા કે લીયે...ગીતની કડી વખતે જ ઢળી પડ્યાઃ પુત્ર દોડી આવી પપ્પા...પપ્પાની બૂમો પાડે છે...પણ ત્યાં સુધીમાં શ્વાસ થંભી ગયા હોય છેઃ સંઘવી પરિવાર, બહોળા મિત્ર વર્તુળોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૯: જિંદગી કા સફર હૈ યે કૈસા સફર કોઇ સમજા નહિ કોઇ જાના નહિ...જુના ફિલ્મી ગીતની આ પંકિત મુજબ જ માનવીની જિંદગીની સફરનો અંત કયારે અને કેવી રીતે આવી જાય તેની ખબર પડતી નથી. શહેરના ખુબ જાણીતા ધારાશાસ્ત્રી અતુલભાઇ સંઘવી ફેસબૂક લાઇવ પર હતાં અને  જુના ગીતો સાંભળી રહ્યા હતાં તે વખતે અચાનક હાર્ટએટેક આવી જતાં તેમની જિંદગીની સફરનો અંત આવી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જુના ગીતો સાંભળવાના અને ગાવાના શોખીન ધારાશાસ્ત્રી અતુલભાઇ 'ન તું જમીં કે લીયે હૈ ન આસમાં કે લીયે...' ગીત ફેસબૂક લાઇવ પર સાંભળી રહ્યા હતાં ત્યારે જ ઢળી પડ્યા હતાં અને આ ફાની દુનિયાને અલવીદા કહી દીધી હતી.

રાજકોટના જાણીતા સિનીયર ધારાશાસ્ત્રી શ્રી અતુલભાઇ રમણીકલાલ સંઘવી આજે મધ્યરાત્રીના ફેસબુક લાઇવ દરમિયાન હાર્ટએટેક આવતા ૬૧ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે. અતુલભાઇ સંગીતના રંગે રંગાયેલા હતાં રોજ ફેસબુક ઉપર લાઇવ થતા હતાં તેમના જવાથી વકીલોમાં શોકની લાગણી જન્મી છે.

શ્રી સંઘવીનો રાજકોટમાં તા. ૩૦-૩-૧૯૬૧ ના રોજ થયેલ. શ્રી સંઘવીએ રાજકોટમાં પ્રાથમિક અને હાઇસ્કુલનંુ શિક્ષણ પ્રાપ્ત કરી રાજકોટની સરકારી એ. એમ. પી. લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પુર્ણ કરી ૧૯૮૩ થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા હતાં. તેઓના માતા-પિતાના ધર્મપરાયણતાના અને જીવદયાના સંસ્કારોના કારણે રાજકોટની અનેકવિધ સામાજીક, સેવાકીય અને જીવદયાને લગતી સંસ્થા સાથે જોડાયેલા છે એટલું જ નહીં પરંતુ આ સંસ્થાઓના પ્રકલ્પોમાં તન, મન અને ધન થી જોડાયેલા હતાં. આ ઉપરાંત રાજકોટમાં અનેક રાષ્ટ્રીય કૃત બેંકો, સહકારી બેંકો, અને પ્રાઇવેટ બેંકોમાં એડવોકેટની પેનલ ઉપર વર્ષોથી કાર્યરત હતાં.

રાજકોટની જાણીતી સંસ્થા 'બોલબાલા' ટ્રસ્ટની અનેકવિધ સામાજીક, સેવાકીય પ્રકલ્પોમાં જોડાયેલા હતાં. રાજકોટ સીટી પોલીસ અને બોલબાલા ટ્રસ્ટના ટ્રાફિકના લગતા અનેક પ્રોજેકટમાં અગ્રેસર રહી કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતાં.

ગત વર્ષે કોરોના ના કારણે લોકડાઉન ના સમયે આશરે અઢી માસ સુધી રાજકોટના પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ બોલબાલા ટ્રસ્ટના પ્રયાસોથી અને રાજકોટના દાતાઓના સહયોગથી બંને ટાઇમ હજારો લોકોને ભોજનનો પ્રબંધ કરવામાં શ્રી સંઘવી અગ્રેસર રહ્યા હતાં. શ્રી સંઘવીની આ સેવાઓ ધ્યાનમાં લઇને રાજકોટની જાણીતી સામાજીક સંસ્થા 'દિકરાના ઘર' દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરેલ હતાં.

એડવોકેટ શ્રી સંઘવી રાજકોટ સીટી પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના અનેક મહત્વના પ્રોજેકટ સાથે જોડાયેલા છે. રાજકોટ સીટી પોલીસના કર્મીઓ અને પરીવારના આશરે ૧૦,૦૦૦ વ્યકિતનો બ્લડ ગ્રુપનો ડેટા એકત્રીત કરવાના કાર્યક્રમમાં મહત્વનું  યોગદાન રહેલ હતું. તેઓના પરીવારમાં તેમના વયોવૃધ્ધ માતાજી શ્રીમતી ચંદ્રીકાબેન તેમના મોટાભાઇ દિપકભાઇ (ફાઇવ સ્ટાર કેટરર્સ), ડો. કલ્પિત સંઘવી (જાણીતા હોમીઓપેથીક ડોકટર) તેમજ તેના ધર્મપત્ની શ્રીમતી અમીબેન બે પુત્રો રાહુલ અને વિશાલ સહિત તેમના પરીવારજનોને વિલાપ કરતા મુકીને ઇશ્વરના ધામમાં ચાલ્યા ગયા છે. આજે તેઓની સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં વકીલો-ડોકટરો, સ્નેહીઓ જોડાયા હતાં.

(4:00 pm IST)