Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

તાયફાઓ સહિતનો બિનજરૂરી ૧ કરોડનો ખર્ચ મંજુર કરતી સ્ટેન્ડીંગઃ કોંગ્રેસનો વિરોધ

ક્રિકેટ ટૂર્નામેન્ટ પાછળ ૨૩ લાખ, ગુજરાત પોષણ અભિયાનમાં ૪૦ હજાર, ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલના ૨૪ લાખ, ડીઆઈ પાઈપ લાઈનના વધારાના ૫૦ લાખ સહિતની દરખાસ્તોનો વિરોધ કરતા વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા

રાજકોટ, તા. ૯ :. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં વિવિધ કાર્યક્રમોના તાયફાઓ સહિતનો ૧ કરોડ જેટલો બિનજરૂરી ખર્ચ મંજુર કરાયાના આક્ષેપો સાથે સ્ટેન્ડીંગ કમિટીના વિપક્ષ કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં. ૧૧)એ આવી ૭ દરખાસ્તોમાં વિરોધ દર્શાવ્યો છે.

આ અંગે ઘનશ્યામસિંહે સત્તાવાર વિરોધ દર્શાવતા જણાવ્યુ છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પો. દ્વારા તા. ૧-૬-૨૦૧૯થી ૮-૬-૨૦૧૯ સુધી રાજકોટ ખાતે ગુજરાત ઈન્ટર કોર્પો. ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવેલો જેમાં ડ્રાઈફ્રુટના બોકસના ખર્ચ રૂ. ૩૫૮૮૦, શુભેચ્છા ડ્રાઈફ્રુટના ખર્ચ રૂ. ૨૮૫૦૦ તેમજ આ ટૂર્નામેન્ટનો કુલ ખર્ચ રૂ. ૨૯,૫૭,૧૪૭ સામે ૧૬,૮૦,૭૯૧ જેવી રકમનું ચુકવણુ કરવામાં આવેલ છે. બાકીની રકમ રૂ. ૧૨,૮૬,૩૫૬ની આ દરખાસ્તમાં પૈસાને પાણીની જેમ વહેડાવવામાં આવ્યા છે ત્યારે આવા ખોટા ખર્ચ સામે મારો વિરોધ છે.

જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના જુદા જુદા બગીચાઓ વિગેરેની શોભામાં સવિશેષથી વધારો થાય તેમજ હરવા ફરવાના સ્થળની સુંદરતાના વધારા માટે પ્રાણીઓ, હ્યુમન ફિચર્સ માટે વધારાના ૧૨.૫૦ ટકા વધુ ભાવ ચુકવવા અયોગ્ય છે કેમ કે આ કામગીરી ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા થઈ શકી હોત તો આટલી મોટી ટકાવારી શા માટે ચુકવીને આ કામગીરી કરવામાં આવે છે. જે આ દરખાસ્તમાં રકમ પણ દર્શાવવામાં આવી નથી તો શા માટે આ રકમને છુપાવવામાં આવી છે, માટે આ દરખાસ્તની વધારાની ટકાવારી તેમજ રકમ ન દર્શાવતા આ દરખાસ્તનો વિરોધ કરવામાં આવે છે.

આ ઉપરાંત ગુજરાત સરકારના ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ સ્તરમાં વધારા (સુધારા) લાવવા માટે શહેરની ત્રણેય વિધાનસભા વિસ્તારમાં તા. ૧-૨-૨૦૨૦ના રોજ કાર્યક્રમ યોજવામાં આવેલ જે અંતર્ગત ફુગા ડેકોરેશન, લેપટોપ ભાડુ વિગેરે કુલ ખર્ચ રૂ. ૪૦૦૪૪ની આ દરખાસ્તમાં પણ ખોટા ખર્ચ કરીને તાયફા કરવામાં આવે છે. જે પ્રજાના પૈસાની રેલમછેલ કરવામાં આવી રહી છે ત્યારે આ દરખાસ્તનો પણ ખોટા ખર્ચ સામે વિરોધ છે.

જ્યારે રાજકોટ શહેરમાં તા. ૨૩-૧-૨૦ના રોજ શ્રી પ્રમુખ સ્વામી ઓડિ. ખાતે આઈ.ઈ.ડી.એસ. વિભાગ દ્વારા નારી સંમેલન યોજવામાં આવેલુ. જેમાં પણ કુલ ખર્ચ રૂ. ૬૭,૫૦૦ કરેલ છે. જે આ દરખાસ્ત પણ વગર ટેન્ડરે કરવામાં આવી છે. જે ટેન્ડર પદ્ધતિ અપનાવવામાં આવી હોય તો સાયદ આ ખર્ચમાં ઘણો બધો ફરક પડત માટે વગર ટેન્ડરે આ કામગીરીની દરખાસ્ત સામે વિરોધ છે.

તેમજ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં. ૧૬ તથા ૧૮ (હુડકો ભૂગર્ભ) ફરીયાદ કેન્દ્રમાં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટરની ફરીયાદ નિકાલ કરવા માટે ૧૯,૬૮,૧૩૦નુ એસ્ટીમેટ મંજુર કરેલ તેની સાથે વધારાના ૨૪ ટકા વધુ ભાવ ચુકવીને ૨૪,૪૦,૪૮૧ આ વધારાના ચુકવણા સામે વિરોધ છે.

અને વોર્ડ નં. ૬માં પરશુરામ ઈન્ડ. એરીયામાં ડીઆઈ પાઈપ લાઈન નાખવા કામ માટે રૂ. ૪૧,૭૯,૩૦૦ના એસ્ટીમેટ સામે વધારાના ૨૩.૪૦ ટકા વધુ ભાવ ચુકવીને ૫૦,૭૭,૮૫૦ જેવી વધારાની રકમના ખર્ચ સામે વિરોધ છે.

આ જ પ્રકારે રા. મ્યુનિ. કોર્પો. વોર્ડ નં. ૧૫ (૮૦ ફુટના રોડ ફરીયાદ નિકાલ કેન્દ્ર)માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલ કરવા માટે રૂ. ૧૭,૬૪,૬૧૦-૦૦ સામે વધારાના ૩૫ ટકા વધુ ભાવ ચૂકવીને રૂ. ૨૩,૮૨,૨૨૪ ખર્ચ આ દરખાસ્તમાં દર્શાવ્યો છે માટે આ વધારાના ચુકવણા સામે વિરોધ છે.

આમ ઉપરોકત દરખાસ્તમાં અમુક દરખાસ્તમાં પ્રજાના પૈસાનો પાણીની માફક ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ અમુક દરખાસ્તમાં વધારાની રકમ ચુકવવામાં આવી છે. આ પ્રકારે આજની સ્ટેન્ડીંગ કમિટીમા કુલ ૧ કરોડ જેટલો બિનજરૂરી ખર્ચ મંજુર થયો છે. જે તમામનો વિરોધ કોંગ્રેસના ઘનશ્યામસિંહ જાડેજાએ કર્યો હતો.

(2:49 pm IST)