Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ઘરેલુ હિંસા હેઠળના કેસમાં પત્નિ-સગીર પુત્રના ભરણ પોષણનો હુકમ યથાવત રાખતી સેસન્સ કોર્ટ

ભરણ પોષણના હુકમ વિરૂધ્ધ થયેલ અપીલને નકારતી કોર્ટ

રાજકોટ, તા. ૯ :  રાજકોટના સેસન્સ જજ શ્રી એ.વી. હિરપરા એ પતિ દ્વારા ડોમેસ્ટિક વોયોલન્સ એકટ હેઠળ પત્ની અને પુ્ત્રના ભરણપોષણના હુકમ વિરૂદ્ધ કરવામાં આવેલ અપીલને ફગાવી ટ્રાયલ કોર્ટ દ્વારા કરવામાં આવેલ ભરણપોષણનો હુકમ યથાવત રાખતો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટુક હકિકત એવી છે કે રાજકોટના અરવિંદભાઇ મણિયાર નાગરના રહેવાસી શ્રીમતી અલ્પનાબેનના લગ્ન ગોંડલના રહેવાસી અલ્પેશભાઇ ગિરિશભાઇ મકાવણા સાથે થયેલ હતા અને લગ્ન જીવન થી સગીર પુત્ર કાર્તિકનો જન્મ થયેલ. બન્ને વચ્ચે લગ્ન જીવનમાં તકરારો ઉભી થતા અલ્પનાબેન સગીર પુત્રને લઇ પોતાના માવતર રાજકોટ પરત ફરી આવેલ અને વર્ષ-ર૦૧૬માં પોતાના વકીલ સંજય પંીડત મારફત કોર્ટમાં ડોમેસ્ટિક  વાયોલન્સ એકની કલમ-૧ર હેઠળ ભરણપોષણ મેળવવા અરજી કરેલ હતી જે અરજીની ટ્રાયલ ચાલી જતા નામદાર કોર્ટે અરજીની તારીખથી દર માસે પત્ની (અલ્પનાબેન)ને માસિક રૂપિયા પ૦૦૦ તથા સગીર પુત્રને માસિક રૂપિયા પ૦૦૦ તથા મકાન ભાડા પેટે માસિક રૂપિયા રપ૦૦ આમ કુલ રૂપિયા ૧રપ૦૦/- માસિક ભરણપોષણ તથા શારીરિક માનસિક ત્રાસ બદલ વળતર પેટે રૂપિયા પ૦૦૦૦/- અલગ થી ચુકવવાનો હુકમ ફરમાવેલ હતો.

ઉપરોકત હુકમથી નારાજ થઇ પતિ અલ્પેશભાઇ મકવાણાએ સેસનસ કોર્ટમાં અપીલ દાખલ કરેલ જે અપીલની સુનવણી દરમ્યાન પત્ની અલ્પનાબેન મકવાણા વતી રોકાયેલ વકીલ સંજય પંડિતની ધારદાર દલીલોને ગ્રાહય રાખી પતિની અપીલ રદ કરેલ અને ટ્રાયલ કોર્ટનો માસિક રૂપિયા ૧રપ૦૦/- ચુકવવાનો હુકમ યથાવત રાખેલ હતો.

આ કામે અલ્પનાબેન મકવાણા વતી પંડિત એસોસિએટસના એડવોકેટ સંજય પંડિત કલ્પેશભાઇ મોરી, બીનીતા પટેલ વિગેરે રોકાયેલ હતા.

(4:03 pm IST)