Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં નાફેડ ડુંગળી ખરીદવા અને ખેડૂતો વેચવા તૈયાર હોવા છતાં બપોર સુધી કોઈ ખરીદ-વેંચાણ થયું નહીં !

માત્ર મહુવા યાર્ડ, ગોંડલ યાર્ડ અને પોરબંદર યાર્ડનો ઉલ્લેખ : રાજકોટ ખાતેનાં જુના માર્કેટિંગ યાર્ડનો કોઈ ઉલ્લેખ સરકારની જાહેરાતમાં કરાયો નહોતો જેથી કોઈ કામ થયું નહીં

રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા નાફેડને ખેડૂતોની ડુંગળી ખરીદવાનો આદેશ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા જે જાહેર થયેલી પ્રેસ રિલીઝમાં માત્ર મહુવા યાર્ડ, ગોંડલ યાર્ડ અને પોરબંદર યાર્ડનો સમાવેશ હતો. જેને લઈને સામાન્ય દિવસો કરતા ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડતા સામાન્ય દિવસો કરતા આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં નરમાઈ હતી. જોકે રાજકોટ ખાતેનાં જુના માર્કેટિંગ યાર્ડનો કોઈ ઉલ્લેખ સરકારની જાહેરાતમાં કરાયો નહોતો. તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અંગેની કોઈ જ સ્પષ્ટતા નહીં હોવાથી નાફેડ ડુંગળી ખરીદવા અને ખેડૂતો વેચવા તૈયાર હોવા છતાં બપોર સુધી કોઈ ખરીદ-વેંચાણ થઈ શક્યું નહોતું.

 

રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારના સાત વાગ્યાથી નાફેડ દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તેમના દ્વારા ડુંગળી ખરીદ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે બપોર સુધીમાં એકપણ ખેડૂતની ડુંગળી ખરીદ કરવામાં આવી નહોતી. જૂના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની ડુંગળી લઈને ઓપન માર્કેટમાં વેચવા પહોંચ્યા હતા. પરંતુ નાફેડને જો તેમને ડુંગળી વેચવી હોય તે ડુંગળીના વેચાણ અર્થે તેમને સાત જેટલા કાગળિયા તેમજ ફોટાની આવશ્યકતા હોય છે. તે જાહેરાતમાં જણાવાયું નહીં હોવાને કારણે લાવ્યા નહોતા. આજરોજ ડુંગળીના માર્કેટ ભાવ અનુસાર 7.92રૂ.ની કિંમતે એક કિલો ડુંગળી ખરીદ કરવામાં આવી રહી છે. જેની ક્વોલિટી 45 એમએમની હોવી ફરજીયાત છે.

બીજીતરફ ઓપન માર્કેટમાં આ જ ગુણવત્તાની ડુંગળીનો કિલોનો ભાવ રૂ. 20 હોવાના કારણે ખેડૂતોએ નાફેડને ડુંગળી વેચવાને બદલે ઓપન માર્કેટમાં વેચવી વધુ યોગ્ય લાગી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તાની ડુંગળીનો ભાવ 200 રૂપિયા સુધી પણ રહ્યો હોવાનું સામે આવ્યું છે. એટલે કે નાફેડ દ્વારા જે ભાવ આજે ખરીદી કરવામાં આવી રહી છે, તેના કરતાં ઓપન માર્કેટમાં 0.88 પૈસાથી લઇ 2.22 રૂપિયા વધુ ખેડૂતોની ડુંગળી ગોંડલ અને રાજકોટ યાર્ડમાં ખરીદાય છે. આ કારણે ખેડૂતોએ નાફેડને ડુંગળી વેચવાનું ટાળ્યું હતું.

 

નાફેડ દ્વારા જે ડુંગળી ખરીદવા માટે એજન્સી નિમવામાં આવી છે તેના અધિકારીનું પણ કહેવું છે કે, ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો વેરીએશન આવી શકે તેમ છે. આનો સીધો મતલબ થાય કે, જો આજની તારીખે કોઈ ખેડૂત 45 એમએમ કરતા 25 એમએમ, 30 એમએમની ડુંગળી વેચવા આવે તો તેને આજના માર્કેટ રેટ એટલે કે 7.92ની જગ્યાએ પાંચથી સાડા પાંચ રૂપિયા પ્રતિ કિલો મળી શકે છે. નાફેડને ડુંગળી વેંચવા માટે આધાર કાર્ડની બે કોપી, સાતબારની બે કોપી, આઠ (અ)ની બે કોપી, કેન્સલ ચેક બે કોપી, બેંકની પાસબુક બે કોપી, પાસપોર્ટ સાઇઝ ફોટા બે કોપી, 12 નંબર વાવેતરનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ સાથે રાખવા પણ અધિકારીઓએ જણાવ્યું હતું

(10:39 pm IST)