Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

પરિક્ષા નજીક હોઇ માતાએ ધૂળેટી રમવાની ના કહેતાં કોલેજીયન છાત્રાનો આપઘાત

દામજી મેપા પ્‍લોટમાં બનાવઃ તહેવારના દિવસે જ આશાસ્‍પદ દિકરીના પગલાથી ખાંડેખા પરિવારમાં ગમગીનીઃ ૧૯ વર્ષિય વિશ્વવા કણસાગરા કોલેજમાં બીજા વર્ષમાં ભણતી હતી

રાજકોટ તા. ૯: શહેરના દામજી મેપા પ્‍લોટ શેરી નં. ૫માં રામેશ્વર મંદિર સામે રહેતી અને કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ કરતી છાત્રાને માતાએ પરિક્ષા નજીક હોઇ ધૂળેટી રમવાને બદલે અભ્‍યાસમાં ધ્‍યાન આપવાનું કહેતાં માઠુ લાગી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

વિશ્વા પુનાભાઇ ખાંડેખા (ઉ.વ.૧૯)એ ધૂળેટીની સવારે અગિયારેક વાગ્‍યે ઘરમાં દૂપટ્ટાથી ગળાફાંસો ખાઇ લેતાં પરિવારજનોએ બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જુણાચે જાણ કરતાં ભક્‍તિનગરના હેડકોન્‍સ. પ્રશાંતસિંહ ગોહિલ અને કુલદિપસિંહ જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનાર વિશ્વા એક ભાઇથી મોટી હતી અને કણસાગરા કોલેજમાં બીજા વર્ષમાં અભ્‍યાસ કરતી હતી. તેના પિતા છુટક ડ્રાઇવીંગ કરે છે. ધૂળેટી પર્વ નિમીતે વિશ્વા રંગે રમતી હતી ત્‍યારે માતાએ પરિક્ષાઓ નજીકમાં હોઇ રંગે રમવાને બદલે ભણવામાં ધ્‍યાન આપવાનું કહેતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધું હતું. આશાસ્‍પદ દિકરીના આ બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

(4:53 pm IST)