Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ગોવિંદબાગના વેપારી ધર્મેશ તાલપરાના ૧૯.૯૩ લાખના ચાંદીના દાગીના પ્રવિણ અકબરી કાવત્રું ઘડી ખાઇ ગયો

પ્રારંભે રોકડેથી એક લાખના દાગીના લઇ જઇ વિશ્વાસ કેળવ્‍યોઃ પછી ૪૧.૮૧૮ કિ.ગ્રા. વજનના દાગીના બાકીમાં લઇ જઇ ધૂંબો માર્યોઃ એલસીબી ઝોન-૧ ટીમના પીએસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે પુષ્‍કરધામ ઓમ એપાર્ટમેન્‍ટમાં રહેતાં શખ્‍સની ધરપકડ કરી

રાજકોટ તા. ૮: કાવત્રુ ઘડી છેતરપીંડી કરવાનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં સામા કાંઠે પેડક રોડ પર રહેતાં અને ગોવિંદબાગ પાસે ચાંદીના દાગીનાની પેઢી ધરાવતાં વેપારી સાથે વિમલનગર પુષ્‍કરધામના વેપારીએ પ્રારંભે રોકડેથી ચાંદીનો માલ ખરીદી વિશ્વાસ કેળવી બાદમાં રૂા. ૧૯,૯૩,૨૦૦ના ચાંદીના દાગીના લઇ જઇ આ રકમ ન ચુકવી તેમજ દાગીના પણ પરત ન આપી ઠગાઇ કરતાં ગુનો દાખલ થયો છે. એલસીબી ઝોન-૧ ટીમે તેની ધરપકડ કરી વિશેષ તપાસ શરૂ કરી છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ થયો છે. પોલીસે પેડક રોડ સિતારામ સોસાયટી-૧માં રહેતાં ધર્મેશભાઇ શંભુભાઇ તાલપરા (ઉ.વ.૪૨) નામના ચાંદીના વેપારીની ફરિયાદ પરથી યુનિવર્સિટી રોડ વિમલનગર મેઇન રોડ પુષ્‍કરધામ-૫ ઓમ એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે રહેતાં પ્રવિણ રવજીભાઇ અકબરી વિરૂધ્‍ધ આઇપીસી ૪૦૯, ૪૨૦, ૧૨૦-બી મુજબ રૂા. ૧૯.૯૩ લાખની ચાંદીનો માલ ખાઇ જઇ પૈસા નહિ આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

ધર્મેશભાઇ તાલપરા ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રામજી મંદિર નજીક શ્રી સત્‍યમ્‌ સિલ્‍વર  નામે પેઢી ધરાવે છે અને ચાંદીના દાગીનાનું પ્રોડક્‍શન તથા વેંચાણનું કામ કરે છે. દસ વર્ષથી પોતે આ પેઢી ચલાવે છે. વર્ષ ૨૦૨૨માં તેની પેઢી પર પ્રવિણ અકબરી આવેલ અને કહેલું તે પણ ચાંદીનો વેપાર કરે છે અને માનષી સિલ્‍વર નામે માંડવી ચોક સોની બજાર પાલવ પ્‍લાઝામાં ૯૯ નંબરની દૂકાન છે. તેમાં પોતે પેઢી ચલાવે છે અને તે જીએસટી રજીસ્‍ટર્ડ છે. પોતે ચાંદીનો વેપાર કરવા ઇચ્‍છે છે તેમ કહી એકાદ લાખના ચાંદીના મિક્‍સ દાગીના રોકડેથી લઇ ગયેલ. એ પછી તેણે બીજી વખત ચાંદીના દાગીના માંગ્‍યા હતાં. વધુ માલ જોઇએ છે તેવી વાત કરી હતી અને અગાઉ વિશ્વાસે નાણા ચુકવી દીધા હોઇ જેથી તેને ૪૧.૮૧૮ કિ.ગ્રા. ચાંદીના મિક્‍સ દાગીના જીએસટી સહિત રૂા. ૧૯,૯૩,૨૦૦ના આપ્‍યા હતાં.

આ દાગીનાના બદલામાં પ્રવિણ અકબરીએ ભારતીય સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયાનો ચેક તેની સહીવાળો રૂા. ૧૩,૨૪,૦૦૦નો તા. ૨૩/૨/૨૩ની મુદ્દતનો આપ્‍યો હતો. પરંતુ બાદમાં ૨૩મીએ પ્રવિણ અકબરીએ ફોન કરી કહેલું કે પેમેન્‍ટમાં થોડુ મોડુ થશે જેથી ચેક બે ત્રણ દિવસ પછી બેંકમાં જમા કરાવજો. થોડા દિવસ રાહ જોયા પછી ૩/૩ના રોજ બેંકમાં ચેક જમા કરાવતાં ખબર પડેલી કે માનષી સિલ્‍વર પેઢીએ તેનું એકાઉન્‍ટ સ્‍ટોપ પેમેન્‍ટ કરાવેલુ છે. આ પછી ધર્મેશભાઇએ પ્રવિણનો સંપર્ક કરતાં તેણે ગોળ ગોળ જવાબો આપ્‍યા હતાં. તેમજ રકમ તો ઠીક જે ચાંદીનો માલ લઇ ગયેલ તે પણ પાછો આપ્‍યો નહોતો. અંતે તેના વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે ગુનો દાખલ કરાવી આરોપીને પકડી લેવા અને ચાંદી રિકવર કરવા તજવીજ હાથ ધરી છે.

(4:53 pm IST)