Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

હરીહર ચોકમાં ભાડે ચલાવવા આપેલી રીક્ષાના ભાડા પ્રશ્‍ને માતા-પુત્ર પર છરીથી હુમલો

ખોડીયારપરાના નુરમહંમદભાઇ સારવારમાં: સોયબ ઉર્ફે અસ્‍લમ સમા સામે ગુનો

રાજકોટ,તા. ૮ : હરીહર ચોકમાં ભાડે ચલાવવા માટે આપેલી રીક્ષાના ભાડા બાબતે ખોડીયાર પરાના યુવાન અને તેની માતાને ભાડુ ન આપી રીક્ષા ચાલકે છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ખોડીયારપરા શેરી નં.૨ની સામે સાંઇબાબા મંદિર પાસે રહેતા જોરાબેન ફકીરમહંમદભભાઇ બ્‍લોચ (ઉવ.૬૦)એ એ ડીવીઝન પોલીસ મથકમાં સોયબ ઉર્ફે અસ્‍લમ સીદીકભાઇ સમા સામે ફરિયાદ નોંધાવી છે. જોરાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે. મોટા દીકરા નુરમહંમદભાઇ રીક્ષા ભાડે ચલાવવા આપે છે. જેથી તેણે પોતાની રીક્ષા સોયબ ઉર્ફે અસ્‍લમને ભાડેથી ચલાવવા માટે આપી હતી અને દરરોજ આ રીક્ષાનું ભાડુ પોતાને આપવાનું નક્કી કર્યું હતું. ગઇ કાલે પોતે અને પુત્ર નુરમહંમદ હરિહર ચોકમાં રીક્ષા સ્‍ટેન્‍ડ પર ગયા હતા અને ત્‍યાં સોયબ ઉર્ફે અસ્‍લમ ઉભો હોય, તેણે છેલ્લા ૧૫ દિવસનું રીક્ષાનું ભાડુ આપેલ ન હોય જેથી પુત્ર નુરમંહમદે તેની પાસે જઇ સોયેબબેન રીક્ષાનું ભાડુ આપવા માટે કહેતા સોયેબે કહેલ કે હાલ મારી પાસે ભાડાના પૈસા નથી જ્‍યારે થશે ત્‍યારે આપીશ જેથી પુત્રએ કહેલ કે ભાડુ આપવું ન હોય તો રીક્ષા પરત મુકી જા, તેમ કહેતા સોયબ એકદમ ઉશ્‍કેરાઇ ગયો હતો અને પુત્ર નુરમહંમદને ગાળો આપી ઝપાઝપી કરવા લાગ્‍યો હતો જેથી પોતે પુત્રને છોડાવવા માટે વચ્‍ચે પડતા સોયેબે નેફામાંથી છરી કાઢી હુમલો કરતા પોતાને સાથળના ભાગે ઇજા થઇ હતી. બાદ પુત્રનું નુરમહંમદે તુરત જ પોતાને રીક્ષામાં બેસાડી સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરેલ બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. પી.વી.પાટણવાડીયાએ હોસ્‍પિટલે પહોંચી વૃધ્‍ધાની ફરિયાદ પરથી સોયબ ઉર્ફે અસ્‍લમ સમા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:49 pm IST)