Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ગોંડલ રોડ પર ભાઇના એક્‍સેસ પાછળ બેસીને જઇ રહેલી યુવતીની છેડતી કરી ચાર શખ્‍સોનો છરીથી હુમલો

‘તુ મને ઓળખતો નથી, અવારનવાર જેલમાં જાવ છુ અને છૂટીને પાછો આવું છું' કહી ડખ્‍ખો ર્ક્‍યો : કોઠારિયા સોલવન્‍ટના યુવાનની ભુરો ઉર્ફે અલ્લારખા, મોન્‍ટી ઉર્ફે મોઇન, સોયબ વિસણ અને સોહિલ ખેભર સામે ફરિયાદ

રાજકોટ,તા. ૯ : શહેરના ગોંડલ રોડ પર જય ગણેશ ફોર્ડના શો -રૂમની સામે ભાઇના એકસેસ પાછળ બેસીને જઇ રહેલી યુવતીની બે બાઇક પર આવેલા ચાર શખ્‍સોએ બીભત્‍સ ટીખણી કરી છેડતી કરી યુવતીના ભાઇ પર છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્‍ટ વિસ્‍તારમાં રહેતો યુવાને આજીડેમ પોલીસ મથકમાં ભુરો ઉર્ફે અલ્લારખા ઇબ્રાહીમભાઇ ખેભર, મોન્‍ટી ઉર્ફે મોઇન પરમાર, સોયબ વિસણ અને સોહિલ ખેભર સામે ફરિયાદ નોંધાવી છે. યુવાને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે માતા-પિતા અને બહેન રાત્રે ઘરે હતા. ત્‍યારે રાત્રે આશરે સાડા આઠેક વાગ્‍યે પોતાના ઘરેથી પોતાનું એકસેસમાં બહેનને પાછળ બેસાડી બંને મવડી ચોકડી ખાતે પીત્‍ઝા ઝોનમાં જમવા જતા હતા. ત્‍યારે ગોંડલ ચોકડી તરફ જવાના સર્વિસ રોડ જય ગણેશ' ફોર્ડના શોરૂમ પાસે પહોંચતા પોતાના એકસેસ પાછળથી બે બાઇ આવેલ તેમાં એક બાઇક મોન્‍ટી ઉર્ફે મોઇન બાઉદીન પરમાર ચલાવતો હતો. અને તેની પાછળ ભુરો ઉર્ફે અલ્લારખા ઇબ્રાહીમભાઇ ખેભર બેઠો હતો. બીજુ બાઇક સોયબ વિસણ ચલાવતો હતો. તેની પાછળ સોહિલ ખેભર બેઠો હતો. આ ચારેયનું રાનીપરામાં રહેતા હોય, પોતે ચારેયને ઓળખી ગયો હતો. બાદ પોતે પોતાનું એકસેસ ધીમુ પાડેલ અને તે વખતે ભુરો ઉર્ફે અલ્લારખાએ બહેનને જોઇ બીભત્‍સ ટીખણી કરી બાઇક નજીક લાવીને બહેનની ચુંદડી ખેંચવા લાગેલ જેથી પોતે પોતાનું એકસેસ ઉભુ રાખી અને આ લોકોને કહેલ કે કેમ મારી બહેનનોને દુપટ્ટો ખેંચ્‍યો ? અને મારી બહેન વિશે કેમ ખરાબ બોલો છો' તેમ કહેતા ભુરો ઉર્ફે અલ્લારખાએ એકદમ ઉશ્‍કેરાય જઇ પોતાને ગાળો આપી બીજા ત્રણ શખ્‍સો ઝઘડો કરવા લાગ્‍યા હતા. તે વખતે ભુરો ઉર્ફે અલ્લારખાને કહેલ કે તુ મને ઓળખતો નથી, હું તો અવારનવાર જેલમાં જાવ છુ અને છુટીને પાછો આવું છું' તેમ કહી તેના પેન્‍ટના નેફામાંથી છરી કાઢી એક ઘા મારી દેતા પોતાને વાંસાના ભાગે ઇજા કરી હતી અને સોયેલ અને સાહિલે પણ છરી વડે હુમલો કરતા પોતાના ડાબા અને જમણા હાથના કાંડાના ભાગે ઇજા કરી હતી. તે વખતે પોતે જીવ બચાવવા ભાગવા લાગેલ અને તે વખતે ભૂરો ઉર્ફે અલ્લારખાએ કહેલ કે, ‘આને પકડી આજે જાનથી મારી નાખવો છે' કહી પોતાની પાછળ દોડતા પોતે સર્વિસ રોડ ઉપર દોડીને હાઇવે પર જતો રહેલ અને દોડતા-દોડતા એક રીક્ષા ઉભી રખાવેલ અને તેમાં બેસી પોતે ઘરે પહોંચી ગયો હતો. અને પોતાની બહેન પણ દોડીને ઘરે આવી ગઇ હતી. પોતાને વાસા અને હાથના ભાગે ઇજા થઇ હોય માતા-પિતા અને મોટાબાપુ સહિતે પોતાને ૧૦૮ મારફત સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસે હોસ્‍પિટલે પહોંચી યુવાનની ફરિયાદ પરથી ચારેય શખ્‍સો સામે ગુનો દાખલ કરી હેડ કોન્‍સ. એચ.એમ.ધરજીયાએ તપાસ હાથ ધરી છે.

(4:30 pm IST)