Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

બેટ-પાઇપથી માર મારવાના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૯ : અત્રે રણુજા મંદિરની પાછળ રહેતા મુળ ફરીયાદી તથા આરોપી વચ્‍ચે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી મુળ ફરિયાદીને આ કામના આરોપી દાનાભાઇ અરજણભાઇ કુવાડીયા રેહ. મુરલીધર સોસાયટી, જુના ગણેશનગર શેરી નં.પ, કોઠારીયા રોડ, રાજકોટ વાળાએ લાકડાના બેટ તથા પ્‍લાસ્‍ટીકના પાઇપ વડે માર મારી ફેકચર જેવી ઇજાઓ પહોંચાડવાના ગુનો કરેલ તે ગુનામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ.

દરહું કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામના આરોપીએ તા.૬-૩-ર૦૧પના રોજ મુળ ફરીયાદી સંજયભાઇ રમેશભાઇ કાછડીયા કે જેઓ રાજકોટ ખાતે રણુંજા મંદિરની પાછળ, શિવધામ સોસાયટી-ર, રજનીભાઇ દુકાન પાસે રહેતા હોય અને ફરીયાદીના ઘરમાં આરોપીએ મુળ ફરીયાદી સાથે અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખી ફરીયાદી તથા તેમની માતા જયાબેન રમેશભાઇ કાછડીયાને ગાળો આપી લાકડાનાં બેટ તથા પ્‍લાસ્‍ટીકનાં પાઇપથી ફરીયાદી તથા સાહેદને માર મારી મુળ ફરીયાદીને ફેકચર જેવી ઇજા કરી તેમજ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં નુકસાન કરી એકબીજાની મદગારી કરી નાસી ગયેલ તેમજ  આરોપીએ રાજકોટ શહેરનાં હથીયારબંધી  જાહેરનામાનો પણ ભંગ કરેલ હોય તે સંબંધેની મુળ ફરિયાદીએ આ કામનાં આરોપી વિરૂધ્‍ધ આઇ.પી.સી.ની કલમ ૩રપ, ૩ર૩, પ૦૪, ૪ર૭, ૪રપ, ૧૧૪ જી.પી. એકટની  કલમ - ૧૩પ મુજબનો ગુનો કર્યા  સબબની ફરિયાદ એફઆઇઆર રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં કરેલ હતી.

આરોપી તરફે રોકાયેલ વકીલ મારફત કરવામાં આવેલ દલીલોને અદાલતે ગ્રાહય રાખીને આ કામના આરોપીને આઇપીસીની કલમ ૩રપ, ૩ર૩, પ૦૪, ૪ર૭, ૪રપ, ૧૧૪ જીપી એકટની કલમ ૧૩પ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી દાનાભાઇ અરજણભાઇ કુવાડીયા તરફે રાજકોટનાં ધારાશાષાી અજયસિંહ એમ.ચૌહાણ તથા ડેનીશ જે. મેહતા (એડવોકેટ) રોકાયેલા હતા.

(4:12 pm IST)