Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

એસટી બસ સ્‍ટેશનમાંથી ૧૦ લાખના દાગીનાનો થેલો ગુમ થયોઃ એ-ડિવીઝન પોલીસે શોધી કાઢયો

એક સરખા થેલાને કારણે એક મુસાફર પોતાનો સમજીને બસમાં બેસી ગયેલાઃ પોલીસે સીસીટીવી કેમેરાને આધારે તપાસ કરી બસને લીંબડી પાસે અટકાવી થેલો મુળ માલિકને સોંપ્‍યોઃ પીઆઇ ભુકણ, પીએસઆઇ વાઘેલા અને ટીમની મહેનત લેખે લાગી

રાજકોટ,તા. ૯ : શહેરના એસ.ટી. બસ સ્‍ટેશનમાં યુવાન તેની પત્‍નીને મુકવા આવ્‍યા બાદ તેનો રૂા. ૧૦ લાખના દાગીના ભરેલો થેલો ગાયબ થઇ જતા એ-ડીવીઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગણતરીની કલાકોમાં લીંબડી નજીક અમદાવાદ રૂટની બસને રોકી તેમાંથી રૂા. ૧૦ લાખના દાગીના ભરેલો થેલો શોધી કાઢી મુળ માલીકને સોંપ્‍યો હતો.

મળતી વિગત મુજબ શહેરના ગાંધીગ્રામ ભારતીનગર શેરી નં. ૪માં રહેતા જીતુદાનભાઇ વજુદાનભાઇ ગઢવીના પત્‍નીને લગ્નપ્રસંગમાં બાટવા જવાનું હોય તેથી ગઇ કાલે જીતુદાનભાઇ સામાન સાથે પત્‍નીને એસ.ટી. બસ સ્‍ટેશને મુકવામાં માટે આવ્‍યા હતા. બસ સ્‍ટેશનમાં જયાં બસ આવવાની હોય ત્‍યાં પત્‍ની સાથે ઉભા હતા. અને સામાન ત્‍યાં જ રાખ્‍યો હતો. થોડીવાર બાદ જીતુદાનભાઇ પાસે રહેલો દાગીના સાથેનો થેલો પત્‍ની પાસે સામાન પડયો હતો. ત્‍યાં દાગીના ભરેલો થેલો મુકીને પત્‍નીને જાણ કરી પાણીની બોટલ લેવા ગયા હતા. બાદ પરત આવતા દાગીના ભરેલો થેલો જોવા ન મળતા પોતે પત્‍નીને બેગ વિશે પુછતા તેણે બેગ પોતાની પાસે ન હોવાનું જણાવતા જીતુદાનભાઇએ આસપાસ તપાસ કરી હતી. પરંતુ બેગ મળી ન આવતા તેણે તાકીદે એ-ડીવીઝન પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરતા પી.આઇ. કે. એન.ભુકણની રાહબરી હેઠળ પી.એસ.આઇ જી.એન.વાઘેલા તથા સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બાદ એસ.ટી. બસ સ્‍ટેશનના સીસીટીવી ફુટેજ જોતા તેમાં પરિવાર સાથે આવેલ એક વૃધ્‍ધ જીતુદાનભાઇએ પોતાના સામાન સાથે રાખેલો દાગીના ભરેલો થેલો લઇને તે વૃધ્‍ધ પરિવાર સાથે અમદાવાદ રૂટની બસમાં ચઢતા જોવા મળ્‍યો હતો. બાદ પોલીસે તુરત જ તે બસના નંબર સહિતની બસ સ્‍ટેન્‍ડમાંથી માહિતી મેળવીને પોલીસની ટીમે તુરત જ તે રૂટ પર નીકળી બસનો પીછો કરી લીંબડી પાસે બસને રોકાવી હતી. બાદ પોલીસે બસમાં સામાન ચેક કરતા તે વૃધ્‍ધ પાસેથી રૂા. ૧૦,૦૮,૦૦૦ની કિંમતના દાગીના ભરેલો થેલો મળી આવ્‍યો હતો. તે વૃધ્‍ધનો થેલો જીતુદાનભાઇનો દાગીના ભરેલા થેલા જેવો દેખાતો હોય, તેથી વૃધ્‍ધે ભુલથી દાગીના ભરેલો થેલો પોતાનો સમજી પોતાની સાથે લઇ ગયા હોવાનું જણાવ્‍યું હતું. બાદ પોલીસે આ રૂા. ૧૦,૦૮,૦૦૦ની કિંમત ૧૮ તોલા દાગીના ભરેલો થેલો શોધી મુળ માલીક જીતુદાનભાઇ ગઢવીને સોંપતા પોલીસ પ્રજાનો મિત્ર સુત્રને સાર્થક કર્યું હતું.

 આ કામગીરી પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. જી.એન.વાઘેલા, એ.એસ.આઇ એમ.વી.લુવા, બી.વી.ગોહીલ, કોન્‍સ. સાગરદાનભાઇ દાંતી, જગદીશભાઇ વાંક, જયરાજસિંહ કોટીલા, કેતનભાઇ બોરીચા, ભગીરથસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, હરવિજયસિંહ ગોહિલ અને રણજીતદાનભાઇ દાંતી દ્વારા કરવામાં આવી હતી.

(4:11 pm IST)