Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

મગફળી, સીંગતેલ, એરંડાના પ્રતિબંધીત વાયદાના સટ્ટાના વેપારમાં હારજીતના સોદામાં વેપારીનો છુટકારો

આરોપી સામે ફોરવર્ડ કોન્‍ટ્રાકટ એકટના કાયદા હેઠળ ગુનો નોંધાયેલ

રાજકોટ,તા. ૯ : ફોરવર્ડ કોન્‍ટ્રાક્‍ટ એકટના કાયદા હેઠળ મગફળી, સિંગતેલ , એરંડા, વિગેરે પ્રતિબંધિત વાયદાના (સટ્ટા) વેપારમાં હારજીતમાં સોદાઓના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટમાં રહેતા શશીકાંત કાનજીભાઇ બુધ્‍ધદેવ પર વર્ષ ૧૯૯૭માં ફોરવર્ડ કોન્‍ટ્રાકટ એકટ ૧૦૫૨ની કલમ ૧૫ તથા રૂલ્‍સ ૧૦ તથા એફ.સી. (આર) રૂલ્‍સ ૧૦૫૪ સાથે કલમ ૨૦(એ)(આઇ),૨૧ એઓ(સી) આર/ડબ્‍લ્‍યુ સેકશન ૨૨,૨૩ હેઠળ રાજકોટ સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાંચ પોલીસ ઇન્‍સ્‍પેકટર એચ.કે.જોશીએ આરોપી પોતાની દુકાનમાં માણસોને ભેગા કરી ગેરકાયદેસર મગફળી, સિંગતેલ, એરંડા, રાયડો વિગેરેનો પ્રતિબંધિત વાયદાના વેપારમાં હારજીતનો સોદાઓ રમી સટ્ટો રમતા હોય પી.આઇ. એચ.કે.જોશીએ રાજકોટના ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાંથી રેઇડ માટેનું વોરંટ મેળવેલ અને આરોપીની દુકાનમાં રેઇડ કરેલી અને આરોપી સામે ગુન્‍હો નોંધેલ.

કોર્ટમાં કેસ ચાલવા પર આવતા પી.આઇ. જોશીની ઉલટ તપાસ કરતા તેમાં આવેલ કે આ કેસ પી.આઇ. જોષી નિશંકપણે તેની ઉલટતપાસમાં તેઓ આરોપી વિરૂધ્‍ધનો પુરતો પુરાવો સાબિત કરી શકેલ ન હોય ને નામ. કોર્ટે આરોપીના એડવોકેટ નરેન્‍દ્ર ડી.બુધ્‍ધદેવની ઉલટતપાસ અને કાયદાકીય દલીલો ધ્‍યાનમાં લઇને ફરિયાદપક્ષ ગુન્‍હો સાબિત કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય ને આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી શશીકાંત કાનજીભાઇ બુધ્‍ધદેવ વતી એડવોકેટ તરીકે રાજકોટના બુધ્‍ધદેવ એસોસિએશનના એડવોકેટ નરેન્‍દ્ર ડી.બુધ્‍ધદેવ, કુ.ડોલી એન.બુધ્‍ધદેવ અને વિષ્‍ણુ એન. બુધ્‍ધદેવ રોકાયેલ હતા.

(4:08 pm IST)