Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

કાલે શ્રી શ્રી રવિશંકરજી રાજકોટમાં : શનિવારે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમ

કાલે ચાર્ટર્ડમાં ચંડીગઢથી રાજકોટ આવશે : આર્ટ ઓફ લીવિંગ પરિવારમાં ઉત્‍સાહ

રાજકોટ તા. ૯ : આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થાની સ્‍થાપનાને ૪૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમો અર્તગત આગામી ૧૧મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ રાજકોટ  ચેપ્‍ટર દ્વારા ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્‍યમાં વિજ્ઞાન ભૈરવનુ આયોજન થવા જઈ રહ્યુ છે.

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર રાજકોટમાં ૧૧ માર્ચના વિજ્ઞાન ભૈરવનું આયોજન કરવામાં આવી રહયુ છે. શ્રી શ્રી રવિશંકરજી રાજકોટમાં છઠ્ઠી વખત પધારી રહ્યા છે.

ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી રાજકોટના આંગણે તેમના સાનિધ્‍યમાં ૧૧મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. ધી એલિગન્‍સ પાર્ટી પ્‍લોટ, અવધ રોડ, રાજકોટ ખાતે   યોજાનાર આ કાર્યક્રમમાં સ્‍વયં ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા ૧૧૨ સૂત્રો દ્વારા મેડિટેશન ટેકનિક આધારિત એમના દ્વારા  શીખવવાના અને જ્ઞાન વાણીનો લાભ આપશે. આ કાર્યક્રમ સવારે ૧૦.૩૦ થી ૧ અને બપોરે ૪ થી ૬.૩૦ વાગે એમ બે સેશનમાં યોજાશે.

આર્ટ ઓફ લિવિંગ સંસ્‍થા ૧૯૮૧માં ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સ્‍થપાય હતી. બધા કાર્યક્રમો ગુરુદેવ ના ફિલસુફી દ્વારા સંચાલિત છે. જયાં સુધી આપણામાં તણાવમુક્‍ત મન અને હિંસામુક્‍ત સમાજ ન હોય ત્‍યાં સુધી આપણે વિશ્વશાંતિ પ્રાપ્ત કરી શકતા નથી. આર્ટ ઓફ લિવિંગ કોમ્‍યુનિટી વૈવિધ્‍યપૂર્ણ છે અને જીવનના દરેક ક્ષેત્રોના લોકોને આકર્ષે છે.

 ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક ધોરણે આદરણીય આધ્‍યાત્‍મિક અને માનવતાવાદી નેતા છે. તેમને તણાવમુક્‍ત અને હિંસામુક્‍ત સમાજ માટે અભૂતપૂર્વ વૈશ્વિક આંદોલનનું નેતૃત્‍વ કર્યું છે. અસંખ્‍ય પ્રોગ્રામો અને ઉપદેશો દ્વારા આર્ટ ઓફ લિવિંગ અને ધ ઇન્‍ટરનેશનલ એસોસિએશન ફોર હ્યુમન વેલ્‍યુઝ' સહિતના સંગઠનો અને ૧૮૦ દેશોમાં ઝડપથી વિકસતી હાજરી દ્વારા ગુરૂદેવ આશરે ૩૭૦ મિલિયન લોકો સુધી પહોંચ્‍યા છે. ગુરૂદેવએ અનન્‍ય, અસરકારક કાર્યક્રમો વિકસાવ્‍યા છે જે વૈશ્વિક, રાષ્ટ્રીય, સામુદાયિક અને વ્‍યક્‍તિગત સ્‍તરે પડકારોનો સામનો કરવા માટે વ્‍યક્‍તિઓને સશક્‍ત અને સુસજ્જમાં રૂપાંતરિત કરે છે.

 ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી ને અત્‍યાર સુધીમાં દુનિયાની અલગ અલગ યુનિવર્સીટીઓ તરફ થી આશરે ૧૬ જેટલી ડોક્‍ટરેટ પદવી, વિશ્વભર ની ૩૫ સરકારો તરફ થી સમ્‍માન, ૨૫ જેટલા અન્‍ય એવોર્ડ્‍સ તેમજ ૨૬ જેટલી જગ્‍યાઓએ શ્રી શ્રી રવિશંકર દિવસ ઉજવવાનું સમ્‍માન મળ્‍યું છે.

આર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનાઇઝેશન ના વિકાસમાં પ્રતિભાવમાં નવી ડાઇનિંગ સુવિધા ઓક્‍ટોબર ૨૦૦૪માં સત્તાવાર રીતે ખોલી હતી. તે ૩ માળની ઇમારતમાં છે અને દરેક માળે ૨૫,૦૦૦ ચોરસ ફૂટ નો વિસ્‍તાર છે. ભોજન ૩૦ - ૩૫ ફુલ ટાઇમ સેવકો (સ્‍વયંસેવકો) દ્વારા તૈયાર કરવામાં આવે છે. કિચનનું સંચાલન કરવું એ ઘણું મોટું કાર્ય છે, તેથી રસોડા સ્‍વયં સેવા (સ્‍વયં સહાય)ની નીતિને અનુસરે છે. આ પ્રથા બીજાઓ માટે આદર અને આત્‍મનિર્ભરતાની ભાવનાને વ્‍યક્‍ત કરે છે. દર મહિને આશરે ૭,૦૦,૦૦૦ લોકોને ભોજન આપવામાં આવે છે અને રસોડામાં દર વર્ષે ૮,૪૦૦,૦૦૦ (૮.૪ મિલિયન) લોકોને ભોજન આપવામાં આવે છે.

આર્ટ ઓફ લિવિંગ ના ૧૮૦ દેશોમાં આશરે ૧૦,૦૦૦થી વધુ સેન્‍ટર્સ છે જેમાં નિયમિતપણે વીકલી ફોલોઅપ સેશન યોજાય છે. વૈશ્વિક સ્‍તરે ધાર્મિક અથવા સાંપ્રદાયિક સમસ્‍યાઓના સમાધાન માટે ગુરૂદેવ દ્વારા શાંતિ પ્રયાસો હાથ ધરવામાં આવ્‍યા છે અને તેમાં વાતચીત અને સમજણથી સમાજમાં શાંતિના પ્રયત્‍નો કરવામાં આવ્‍યા છે.

આર્ટ ઓફ લિવિંગના અધ્‍યક્ષ, વૈશ્વિક માનવતાવાદી અને આધ્‍યાત્‍મિક નેતા શ્રી શ્રી રવિશંકરને ભારત અને રશિયા વચ્‍ચે સાંસ્‍કૃતિક મૈત્રીના વિકાસમાં યોગદાન બદલ રશિયાની ટોચની શિક્ષણ સંસ્‍થાઓમાંની એક ઉરલ ફેડરલ યુનિવર્સીટી દ્વારા માનદ ડોકટરેટની પદવીથી સન્‍માનિત કરાયા છે. આ યુનિવર્સીટીનું નામ રશિયાના પ્રથમ પ્રમુખ બી. એન. યેલત્‍સિનની યાદમાં અપાયું છે.

આર્ટ ઓફ લિવિંગ રાજકોટ પરિવાર દ્વારા સમગ્ર રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં ૧૫૦ થી વધુ યોગ શિક્ષકો દ્વારા ૧૦,૦૦૦ થી વધુ લોકો સુધી યોગાભ્‍યાસ ધ્‍યાન અને આસનો કરાવી લોકજાગૃતિના ભાગ સ્‍વરૂપે કાર્ય કરવામાં આવ્‍યું હતું. પ્રધાન મંત્રી નરેન્‍દ્રભાઇ મોદી જયારે યોગને વિશ્વમાં જાગૃત કરવા પ્રયત્‍નોમાં સફળ થયા છે અને જાત, ધર્મ કે દેશની સીમા પાર કરી એક સ્‍વાસ્‍થ્‍ય અને જીવનશૈલીમાં સંપૂર્ણ બદલાવ લાવી શકવાની શક્‍તિ યોગમાં રહેલી છે, જેથી કરીને કોઈપણ જાતના ભેદભાવ ન કરીને વિશ્વભરના લોકો યોગને આવકારી રહ્યા છે અને શારીરિક તેમજ માનસિક સ્‍વાસ્‍થ્‍ય માટે પોતાના તેમજ પરિવાર અને સમાજની અંદર વિશેષ સકારાત્‍મક બદલાવ લાવવામાં મદદરૂપ થાય છે. તો, આવા સામાજિક વાતાવરણમાં સકારાત્‍મક પરિવર્તન લાવવા રાજકોટ આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોગ દિવસે વિવિધ કાર્યક્રમ રાજકોટ તેમજ ભારત અને વિશ્વમાં ઉજવવામાં આવ્‍યો હતો.

(3:41 pm IST)